Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

હેલ્લારો ગુજરાતી ફિલ્મના કલાકારો જસદણની મુલાકાતે

જસદણ તા. ૧૯ : તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ હેલ્લારો ના કલાકારો - ડાયરેકટરો ની ટીમ જસદણ રાજવી પરિવારના આમંત્રણને માન આપીને આવી હતી.

રાણી સાહેબા અલૌકિકારાજે ખાચરે હેલ્લારો પિકચરનું ટ્રેલર જોઈને આપણી સંસ્કૃતિ જાળવી રાખવા અંગેનું પિકચર હોવાથી હેલ્લારો પિકચરના ડાયરેકટર - પ્રોડ્યુસર કલાકારોની ટીમને ફોન કરીને અભિનંદન આપીને જસદણ દરબાર ગઢમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. જેના ભાગરૂપે આ પિકચરની ટીમ જસદણ દરબારગઢ ખાતે આવી પહોંચી હતી જ્યાં તેમનું ભવ્ય સ્વાગત અને ભોજન બાદ આ  ટીમનું જસદણના આટકોટ રોડ ઉપર આવેલ સીટી પ્રાઇડ મલ્ટિપ્લેકસ ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં પિકચર ના ડાયરેકટર તેમજ લેખક અભિષેક શાહ અને પિકચરમાં રાધાનું પાત્ર ભજવતી ડેનિશા ઘુમરા,  ગોમતીનું પાત્ર ભજવતી તેજલ પંચાસરા, પ્રતીક ગુપ્તા, મિત જાની સહિતના લોકોનું  શ્રી સૂર્યશકિત  ભગીની મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે  રાજવી પરિવારના સત્યજીતકુમાર ખાચર, રાજ બાલવાડીના રમાબેન સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત બાદ થિયેટર ખાતે આ કલાકારોએ હેલ્લારો ફિલ્મ પણ નિહાળી હતી.

ફિલ્મમાં રાધાનું પાત્ર ભજવતી ડેનિશા ઘુમરાએ જણાવ્યું હતું કે લોકો ગુજરાતી ફિલ્મ થી દુર થતા જાય છે ત્યારે પાંચ વર્ષના બાળક થી લઈ ને દાદા સુધીના દરેક સાથે બેસીને જોઈ શકે તેવી ફિલ્મ બનાવવાની અમારી ઈચ્છા હતી. ઇતિહાસમાં પહેલી વખત શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ ગુજરાતી ફિલ્મ ને મળ્યો છે. આપના ગરબા, આપણી સંસ્કૃતિ વગેરે આ ફિલ્મ માં દર્શાવવામાં આવ્યા છે.

(11:46 am IST)