Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

જૂનાગઢના ખડીયા ગામે સેવાસેતુની પ્રત્યક્ષ મુલાકાત લેતા કલેકટર પારધી

જૂનાગઢ તા.૧૯ : રાજયનાં સામાન્ય વહિવટ વિભાગની માર્ગદર્શીકા મુજબ વહીવટી પારદર્શીતા વધે તેમજ વ્યકિતલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે તાલુકા કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરેલ છે. જે અંતર્ગત વિભાગીય અધિકારીઓ ઉપસ્થિત રહી ગ્રામજનોનાં પાયાનાં અટકેલ કામોનું નીરાકરણ લાવે છે. ગઇ કાલે જૂનાગઢ પ્રાંતનાં ખડીયા ગામે પ્રાથમિક શાળા ખાતે સવારે ૯-૦૦ કલાકે યોજાયેલસેવાસેતુમાં કલ્સટરનાં ગામો જેવા કે ખડીયા, તોરણિયા, માંડણપરા, નવાગામ, ચોરવાડી, અવતડીયા, મોટા રામેશ્વર, ગામોનો ગ્રામજનોએ પોતાનાં પ્રશ્નો અને રજુઆત માટે ૧૫૩૦ જેટલા લાભાર્થી ખડીયા આવી પહોચ્યા હતા.ત્યારે જિલ્લા કલેકટર ડો. સૈારભ પારધીએ ગ્રામજનોને રૂબરુ મળી તેમની મુશ્કેલી અને અટકેલા કામનું નિરાકરણ થવાથી પ્રતિભાવ મેળવ્યા હતા. મેંદરડા પ્રાંતનાં ઝીંઝુડા ગામે યોજાયેલ સેવા સેતુમાં ચીરોડા, મોટી ખોડીયાર, ગુંદાળા, ઝીંઝુડા, ઈટાળી, નતાળીયા ગામોનાં લાભાર્થી જોડાયા હતા. વંથલી પ્રાંતનાં સેવાસેતુ કાર્યક્રમમાં ટીકર, આખા, સેંદરડા, ટીનમસ, ગાદોઇ, ખુંભડી ગામોનાં ગ્રામજનોએ લાભ મેળ્વયો હતો. કેશોદ પ્રાંતનો સેવા સુતુ કાર્યક્રમ નોંજણવાવ ગામે યોજાયો હતો જયાં અજાબ, શેરગઢ, રાણીંગપરા, પ્રાસલી, નોંજણવાવ, કણેરી ગામોનાં ગ્રામજનોએ લાભ મેળ્વયો હતો. વિસાવદર પ્રાંતનો સેવાસેતુ કાર્યક્રમ ભેસાણ તાલુકાનાં બામણગઢ ગામે યોજાયો જયાં. કલસ્ટરમાં રાણપુર, ખારચીયા, માંડવા, બામણગઢ, સુખપુર, ભાટગામનાં નાગરિકોએ તેમનાં પ્રશ્નો અને રજુઆતોનો ઉકેલ મેળવ્યો હતો.  

નૂરી કલીનીકમાં રાહતદરે બાળરોગ ડોકટરની સેવા

જૂનાગઢ : અહીના ઝાલોરાપા ઇમામ રઝા રોડ, ઉંધીવાડા વિસ્તારમાં છેલ્લા  ૧૫ વર્ષથી કોઇપણ જાતના ભેદભાવ વગર તમામ જ્ઞાતિના લોકો માટે રાહતદરે નિયમીત સેવા આપતી સંસ્થા ખાનકાહે રઝવિય્યાહ નૂરીય્યાહ, મસ્જીદે રઝા દ્વારા સંચાલીત નૂરી કલીનીક એન્ડ નિદાન કેન્દ્ર કે જેમાં આ વિસ્તારના લોકો આ તબીબી સેવાનો બહોળા પ્રમાણમાં લાભ લઇ રહ્યા છે. આ નૂરી કલીનીકમાં તા.૧૮ સોમવારથી જૂનાગઢની હેલ્થ પ્લસ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટરના બાળરોગના નિષ્ણાંત ડો.મિતેશ આર. અબાસણા દરરોજ સવારે ૯-૩૦ થી ૧૦-૩૦ વાગ્યા સુધી તદન રાહતદરે બાળ દર્દીઓનું નિદાન કરશે તો આ વિસ્તારના સમગ્ર લોકોને નૂરી કલીનીક એન્ડ નિદાન કેન્દ્રની સેવાનો લાભ લેવા જણાવાયુ છે.

(11:41 am IST)