Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ખંભાળિયામાં જિલ્લા ભા.જ.પ.ના સ્નેહમિલનમાં કાર્યકરો ઉમટયાઃ લોકસભાની તૈયારીની હાકલ

કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયાની ગેરહાજરી સુચક રહીઃ કોંગ્રેસનાં ૧૦૦ કાર્યકરોએ કેસરિયા કર્યા

ખંભાળિયા તા.૧૯: અહી દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સ્નેહમિલન સમારોહ અત્રેના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં દ્વારકા જિલ્લાના પદાધિકારીઓ, હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.

ખંભાળિયા ખાતે દ્વારકા જિલ્લાનો સ્નેહમિલન સમારોહ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ તકે મુખ્ય અતિથી તરીકે ઉપસ્તિ રહેનાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તથા કિરીટસિંહ રાણા ગેરહાજર રહેતા તેમની ગેરહાજરી સુચક બની હતી. સ્નેહમિલન કાર્યક્રમના અતિથી વિશેષ જિલ્લાના પ્રભારી અને રાજયમંત્રી વાસણભાઇ આહીરે વકતવ્યમાં જણાવ્યું હતું કે, આજનો આ સ્નેહમિલન સમારોહ પાર્ટીના પાયાના કાર્યકરોથી લઇ હોદ્દેદારો અને પદાધિકારીઓ સાથે મજબુત સંગઠન સાથે સંકલન બની રહે માટે આયોજન કરવામાં આવ્યું છે. તેમજ કેટલીક ઉપયોગી યોજનાઓ પણ માર્ગદર્શીત કરી ચૂંટણીની તેૈયારી માટે લાગી જવા આહવાન કર્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ કાળુભાઇ ચાવડા, ગ્રીમકો ચેરમેન મેઘજીભાઇ કણજારીયા, ધારાસભ્ય પબુભા માણેક, મુળુભાઇ બેરા, ખંભાળિયા, ન.પા. પ્રમુખ શ્વેતાબેન શુકલ, ઓખા ન.પા. પ્રમુખ વંદનાબેન વિઠલાણી, દ્વારકા ન.પા. પ્રમુખ ચેતનભા માણેક, જિ.પં. વિપક્ષ નેતા મયુરભાઇ ગઢવી, ખંભાળિયા કિશાન મોરચાના પ્રમુખ નાથુભાઇ વાનરીયા, પ્રદેશ પ્રભારી ઇન્દ્રજિતસિંહ જાડેજા, શહેર ભાજપ મહામંત્રી અશોકભાઇ કાનાણી સહિત જિલ્લા, તાલુકા, યુવા, મહિલા મોરચાના હોદ્દેદારો, કાર્યકરો હાજર રહયા હતા. કાર્યક્રમનું સંચાલન જિલ્લા મહામંત્રી યુવરાજસિંહ વાઢેર દ્વારા કરવામાં આવ્યું હતું.

સ્નેહમિલન કયાંક ખટાશ મિલન પણ થયું

ભાજપ દ્વારા યોજવામાં આવેલ સ્નેહ મિલનમાં પાયના કાર્યકરથી જિલ્લાના પદાધિકારીઓ અને હોદ્દેદારો એક મંચ નિચે બેસી શકે અને પાર્ટી માટે એકજુથ થઇ કામ કરી અરસપરસ સંબંધો જળવાઇ રહે તે માટેનો પ્રયાસ કરવામાં આવી રહયો છે. ત્યારે અહીં સ્નેહ મિલન સમારોહમાં ખંભાળિયા પાલિકા, તા.પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો ગેરહાજર રહયા હતા તો પાલિકાના કેટલાક સદસ્યો હાજર હોવા છતાં અતિથીઓના સન્માન માટે ન જઇ મંચ થી દૂર રહયા હતા. આ જોતા સ્નેહ મિલનમાં કયાંક આંતરીક ખટાશ પણ જોવા મળી હતી જે આગામી દિવસોમાં ભાજપ માટે ચિંતાનો વિષય પણ જોઇ શકાય છે.

કોંગ્રેસના સદસ્યે ૧૦૦ કાર્યકરો સાથે કેસરીયા કર્યા

સ્નેહમિલન કાર્યક્રમમાં ન.પા.ના કોંગ્રેસના સદસ્ય સાથે ૧૦૦ કાર્યકરોએ કોંગ્રેસનો ખેંસ ઉતારી કેસરીયો કર્યો હતો. પ્રભારી મંત્રીએ તમામને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા.

(1:39 pm IST)