Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

સુરેન્દ્રનગર જિલ્લામાં કટોકરી સમયે ટેન્કર દ્વારા પાણી આપવાનો કલેકટરનો નિર્દેશ

સુરેન્દ્રનગર, તા.૧૯: જિલ્લા કલેકટરશ્રી કે. રાજેશના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની મળેલી બેઠકમાં કલેકટરશ્રીએ ખાસ તાકિદ કરતા જણાવ્યું હતું કે જિલ્લાના જે ગામોમાં પીવાના પાણીના પ્રશ્નો ઉભા થશે તો તાત્કાલિક ટેન્કરથી પીવાનું પાણી પુરૂ પડાશે. સરકારે જે વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કર્યા છે તેવા વિસ્તારોમાં પિવા તથા સિંચાઇના પાણી અને ઘાસચારાના પ્રશ્નોની સમીક્ષા કરી જરૂરી સુચનાઓ આપી હતી.

આ બેઠકમાં સરકારી બાકી લેણાની વસુલાત ગંભીરતાથી લઈ ખાસ ઝૂંબેશ ઉપાડી વસુલાત પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં કર્મચારીઓના બાકી પેન્શન કેસો, તાબાની કચેરીઓનું નિરીક્ષણ, બાકી ખાનગી અહેવાલ પૂર્ણ કરવા, લોકોની અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ તેમજ એ.જી. કચેરીના બાકી પારાઓનો નિકાલ કરવા, આર.ટી.આઈ.ની અરજીઓ તકેદારી આયોગને લગતી અરજીઓનો નિકાલ સહિત અનેકવિધ મુદ્દાઓની ચર્ચા કરી કલેકટરશ્રીએ સરકારી લેણાની વસુલાત ઝડપી બનાવવા પણ સૂચના આપી હતી.

આ બેઠકમાં ધારાસભ્ય સર્વશ્રી સોમાભાઇ પટેલ, નૌસાદભાઇ સોલંકી, ઋત્વિક મકવાણાએ રોડ- રસ્તા, પાક વિમા, પાણીના, સિંચાઇના, શાળાના ઓરડાઓ વગેરે પ્રશ્નોનો  રજુ કર્યા હતા. કલેકટરશ્રી કે. રાજેશે જે તે વિભાગના અધિકારીશ્રીઓને પ્રશ્નોના નિકાલ કરવાની સૂચના આપી હતી. 

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી. ઝાલા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી કલ્પનાબેન ધોરીયા સહિત જિલ્લાના વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

માસ્ટર એથ્લેટીક ચેમ્પીયનશીપ સ્પર્ધા

સુરેન્દ્રનગરઃ- ગુજરાત રાજય માસ્ટર એથ્લેટીક એશોસિએશન ઓફ ગુજરાતના જનરલ સેક્રેટરીશ્રી આઇ.યુ. સીડાની યાદીમાં જણાવાયા અનુસાર ''૩૭ મી ગુજરાત રાજય માસ્ટર એથ્લેટીક ચેમ્પીયનશીપ'' તારીખ ૨૪ અને ૨૫ નવેમ્બર  દરમિયાન શ્રી વિજાપુરા વિદ્યા સંકુલ, સિદસર, તા.જોમજોધપુર, જીલ્લો જામનગર ખાતે યોજવામાં આવનાર છે.

આ ચેમ્પીયનશીપમાં ૩૫ થી ૯૦ વર્ષ સુધીના કોઇપણ ખેલાડી ભાઇ- બહેનો એથ્લેટીકની દોડ, કુદ અને ફેંક ઇવેન્ટમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ પોતાના જિલ્લાના સેક્રેટરી મારફત એન્ટ્રી મોકલી આપવાની રહેશે. વિશેષ માહિતી માટે મોબાઇલ નંબર-૯૪૨૬૫૬૩૩૩૧ તથા ૯૦૯૯૮૯૮૨૮૮ પર સંપર્ક કરવો..

થાનગઢ તાલુકામાં મધ્યાહન ભોજન યોજના મુન્દ્રમાં ભરતી

સુરેન્દ્રનગરઃ- મામલતદાર થાનગઢની યાદીમાં જણાવ્યા પ્રમાણે સોનગઢ પ્રાથમિક શાળા નં.-૨ ખાતે ખાતે મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે ખાલી પડેલ જગ્યા ઉપર સંચાલક-કમ-કુકની નિમણૂંક કરવાની થતી હોય, આ જગ્યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી, થાનગઢ ખાતેથી રૂબરૂ મેળવી સંપૂર્ણ વિગત ભરી જરૂરી આધારો સાથે તા.૩૦  સુધીમાં મામલતદાર કચેરી વઢવાણ ખાતે પરત કરવાના રહેશે..

(1:35 pm IST)