Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

સરદારનું સ્ટેચ્યુ મેઇડન ઇન ચાઇના હોવાની વાતો કરનારા ખૂદ મેઇડ ઇન ઇટલી છે તેનું શું? ભરત પંડયાનો કોંગી પર પ્રહાર

મોરબી જીલ્લા ભાજપના સ્નેહ મિલનમાં ર૦૧૯ માટે કાર્યકરોને કામે લાગી જવા આગેવાનોની હાકલ-વિશાળ હાજરી

મોરબી તા. ૧૯ :.. મોરબી ખાતે મોરબી જીલ્લા ભાજપ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમમાં આગેવાનો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે સ્વાગત પ્રવચન કરતા મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ જીલ્લાના સંગઠનના તમામે તમામ આગેવાનો - કાર્યકરોએ ગઇ ગુજરી ભૂલી જઇ, આવતી ર૦૧૯ ની ચૂંટણી માટે ખભેખભા મિલાવી કામે લાગી જવા હાકલ કરી હતી.

મુખ્ય મહેમાન તરીકે પધારેલા પ્રદેશ ભાજપ પ્રવકતા ભરત પંડયાએ શુભકામનાઓ પાઠવવા સાથે ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્રભાઇ મોદીની ઉપલબ્ધીઓ, મહિલાઓ, યુવાનો, ગરીબો, કિશાનો માટે કરેલ વિવિધ લાભદાયી યોજનાઓ વર્ણવવા સાથો સાથ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવાનું પણ ચુકયા નહોતાં. તેમણે સ્નેહ મિલનમાં વિશાળ હાજરી જોઇ જણાવ્યું હતું ક, ૬ એપ્રિલ ૧૯૮૦ માં મુંબઇના દરિયાકાંઠે યોજાયેલ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણીમાં પણ આટલી સંખ્યા નહોતી. જેમાં અટલ બિહારી વાજપાઇને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જાહેર કરવામાં આવ્યા હતાં. અને તેમણે અટલજીના ત્યારના  શબ્દો યાદ કરતાં જણાવ્યું હતું કે, ત્યારે અટલજીએ પોતાના હોદાને જવાબદારી ગણાવી જણાવ્યું હતું કે, નિરાશા માટે કોઇ કારણ નથી, કામે લાગી જાવ, અંધેરા હટેગા, સુરજ નિકલેગા ઔર કમલ ખીલેગા અને જે કમળ આજે દેશમાં સોળે કળાએ ખીલ્યુ છે તે આપણી સમક્ષ છે.

હા, કોંગ્રેસના ફેલાવવામાં આવતા જુઠાણાઓની સામે ખૂબ પરિશ્રમ કરવો પડશે. પરસ્પરના મતભેદો ભૂલી જઇ, બુથને મજબુત બનાવવા અને આગેવાનો દ્વારા આપવામાં આવેલ લેશન (કામ) પુરી મહેનતથી કરવા જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, પ્રકૃતિ, સંસ્કૃતિનું જતન અને સમગ્ર સૃષ્ટીની લોક કલ્યાણ એ ભાજપની વિચારધારા છે. જયારે કોંગ્રેસની વિચાર-ધારા પરિવારવાદ છે. કારણ કે પ૪ માંથી ૩૮ વર્ષ સુધી વડાપ્રધાન પદ સંભાળ્યું તેને બીજુ કોઇ લાયક મળ્યું જ નહીં, માત્ર પરિવાર પરિવારવાદની વાતને આગળ વધારતા તેમણે જણાવ્યું હતું કે, ઇંદિરાજીએ, નહેરૂજીએ જીવતા ભારત રત્ન એવોર્ડ લીધેલા, રાજીવ ગાંધીના મોતના છ માસ બાદ જ તેને પણ ભારતરત્ન આપવામાં આવ્યો અને બાબાસાહેબ આંબેડકર સાથે પણ એ બાબતે ભારોભાર અન્યાય કર્યો હતો. કોંગ્રેસ એ પરિવાર છે અને ભાજપ એ વિશ્વ કલ્યાણની ભાવનાથી ચાલતો લોકોનો પક્ષ છે. ગુજરાતમાં ભાજપનું કમળ ખીલ્યા બાદ ચોતરફ સમૃધ્ધી આવી છે.

ભાજપ જોડવાનું કામ કરે છે જયારે કોંગ્રેસ તોડવાનું કામ કરે છે. તે જાતિવાદ, પ્રાંતવાદ અને કોમવાદની ડીઝાઇનથી ચાલે છે. અને તેનો બધી  સકારાત્મક વાતોમાં વિરોધ, જવાનો સર્જીકલ સ્ટ્રાઇક કરે તો વાંધો, વલ્લભભાઇ પટેલનું 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' બને તો તેમાં પણ વાંધો અને વલ્લભભાઇનું સ્ટેચ્યું મેઇડ ઇન ચાયનાનું હોવાની વાતો કરનારા પોતે મેઇડ ઇન ઇટાલી છે તેની વાત નથી કરતા અંતમાં ગુજરાત સહિત શાંતિ, સલામતી અને એકતાનું વાતાવરણ રહે તે જોવાની જવાબદારી પણ ભાજપના કાર્યકરોની હોવાનું જણાવી આગામી ર૦૧૯ માં ગુજરાતના ર૬ કમળ નરેન્દ્રભાઇ મોદીને મોકલાયા કામે લાગી જવા હાકલ કરી હતી.

આ તકે સાંસદ મોહનભાઇ કુંડારીયા, સાંસદ વિનોદભાઇ ચાવડા, પૂર્વ મંત્રી જયંતિભાઇ કવાડીયા, પૂર્વ ધારાસભ્યો બાવનજીભાઇ દવે તમામ આગેવાનોના પોતાના ઉદબોધનમાં સરકારી વિકાસ ગાથા વર્ણવવા સાથે કાર્યકરોને ર૦૧૯ માટે કામે લાગી જવા હાકલ કરી હતી.

મોરબી જીલ્લા ભાજપના અગ્રણીઓ, મોરબી, ટંકારા, માળીયા, હળવદ શહેર તાલુકાના વિવિધ મંડળોના પ્રમુખો સહિત હોદેદારો, મહિલા ભાજપ, યુવા ભાજપ, શકિત મંડલો, તમામ સેલ-મોર્ચાના અગ્રણીઓ સહિત વિશાળ સંખ્યામાં ભાજપી સરપંચો -કાર્યકરો હાજર રહ્યા હતાં. મકનસર સ્વામીનારાયણ મંદિરના સ્વામજીજીએ આર્શીવચન પાઠવ્યા હતાં. મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયાની ટીમે ભરત પંડયાનું ચાંદીનો સીકકો, પુસ્તક અને ખેસ દ્વારા સન્માન કર્યુ હતું. આ તકે મોરબીમાં  વર્ષોથી ભુખ્યાની આંતરડી ઠારતા જમનભાઇ (રામને ભજીલો)નું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિરેન પારેખે સંભાળ્યું હતું. જયોતિસિંહ જાડેજા સાથે રહ્યા હતાં.

(12:55 pm IST)