Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

સોમનાથમાં પાંચ દિ'નો કાર્તિકી પૂર્ણિમા મેળો

લોકસાહિત્યકારોનો જમેલોઃ વિવિધ કાર્યક્રમોઃ ફોટો પ્રદર્શન સહિત અન્ય આકર્ષણોઃ સાંજે વિધિવત ઉદ્ઘાટન

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ૬૩મો મેળો ૧૯ના રોજ પ્રારંભ થઈ રહેલ છે અને તેના અનુસંધાને તા. ૧૮-૧૧-૧૮ના રોજ મહેશ્વરી ભવનમા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયેલ હતુ. જેમાં ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, મામલતદાર દેવકુમાર આંબલીયા, સોમનાથ સુરતના પી.આઈ. સહિતના અધિકારીઓ અને પ્રેસ પ્રતિનિધિઓએ હાજરી આપેલ હતી (તસ્વીરઃ દેવાભાઈ રાઠોડ)(૨-૩)

પ્રભાસપાટણ, તા. ૧૯ :. વિક્રમ સંવત અનુસાર કાર્તિક માસની સુદિ એકાદશીથી સુદિ પૂર્ણિમા પાંચ દિવસ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવે છે. સને ૧૯૫૫થી મેળા મહોત્સવની પરંપરાનો પ્રારંભ કરવામાં આવેલ જે હજુ સુધી શરૂ છે. તા. ૧૯ થી તા. ૨૩ શુક્રવાર સુધી પાંચ દિવસ માટે હિરણ નદીના કાંઠે, નેશનલ હાઈવે બાયપાસ ચોકડી પાસે કાર્તિકી પૂર્ણિમા મેળા મહોત્સવનું આયોજન સોમનાથ ઉના બાયપાસ પાસે શ્રી સોમનાથ ટ્રસ્ટના મેદાન ખાતે કરવામાં આવેલ છે.

હિન્દુ ધર્મની પ્રાચીન સમયથી બે પરંપરાઓ છે. ૧ શિવ પરંપરા અને ૨ વૈષ્ણવ પરંપરા પ્રભાસપાટણ આ બન્ને પરંપરાઓનું પ્રાચીન સમયથી પ્રતિનિધિત્વ કરે છે. અહીં બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે ભગવાન સોમનાથ બિરાજમાન છે. તેમજ ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની જીવનલીલાઓમાંથી અંતિમલીલા અહીં સમાપ્ત કરી ગોલોકધામ ગમન કર્યુ હતું. આ બન્નેના ઉપલક્ષ્યમાં કાર્તિકી પૂર્ણિમા મેળા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

મહાભારત અને પુરાણોમાં ઉલ્લેખ થયા મુજબ ભગવાન શિવે ત્રિપુર નામના અસુરના ત્રણધાતુના સુવર્ણ-રજત-લોહ નિર્મિત ત્રણ નગરોનો બાળીને નાશ કર્યો હતો. આ દિવસ કાર્તિકી પૂર્ણિમાનો હતો. આ દિવસે અસુરના કષ્ટમાંથી મુકિત મળતા ત્રણેય લોકમાં મહાઉત્સવ થયો હતો. ભગવાન શિવ ત્યારથી ત્રિપુરારિ કહેવાયા અને કાર્તિક સુદિ પૂર્ણિમા ત્રિપુરારિપૂર્ણિમા નામે પ્રસિદ્ધ થઈ હતી.

મહાદેવે સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયેલા ચંદ્રને પોતાના જટા-સંભારમાં ધારણ કર્યો તેથી ચંદ્રશેખર કહેવાયા અને સોમનાથ નામે અનંતકાલ માટે પ્રસિદ્ધ થયા આ દિવસ કાર્તિકી પૂર્ણિમાનો હતો.

ભગવાન વિષ્ણુ કાર્તિક સુદિ એકાદશીએ જાગે છે. તમામ ભકતો માટે તે દિવસ ઉત્સવનો હોય છે. તેઓ ચાર માસ દરમ્યાન કરેલા તમામ પુરશ્ચરણોના પારણા કરે છે. આ દિવસ દેવદિવાળી દિવસો હોવાથી એકાદશી ગણાય છે, કાર્તિક સુદિ એકાદશીએ ભગવાન વિષ્ણુના તુલસીજી સાથે વિવાહ યોજાય છે.

કાર્તિક પૂર્ણિમાના મેળામાં પ્રતિ વર્ષ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જનસમુદાયને નવુ આકર્ષણ મળી રહે તે પ્રકારેના આયોજનો હાથ ધરવામાં આવતા હોય છે. કાઠિયાવાડ કલારસીકોનો પ્રદેશ છે ત્યારે દેશવિદેશમાં પોતાની કલા રજુ કરતા સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તેમજ ભજનોની રમઝટ લોકડાયરો તેમજ નૃત્ય, નાટીકા યોજાશે.

મેળાનું ઉદઘાટન સાથે વિધિવત પ્રારંભ કરવામાં આવશે સાથે સરદાર અને સોમનાથ ફોટો ગેલેરી પ્રદર્શન પ્રારંભ થશે. પહેલા દિવસે શ્રીમતી મેઘાબેન ભોસલે-ગુજરાતી લોકગીતો, બીજા દિવસે સુરીલી સરગમ ગ્રુપ અમદાવાદ દ્વારા નરસિંહ મહેતાના જીવન પર આધારીત નાટય નૃત્યની પ્રસ્તુતી, ત્રીજા દિવસે અલ્પાબેન પટેલ લોકગીત ભજન-ગઝલ, ભજન, હરીસિંહ સોલંકી હાસ્ય કલાકર, ચોથા દિવસે યોગેશપુરી ગૌસ્વામી, નારાયણ ઠાકર લોકગીત ભજનીક, મેળાના પાંચમાં દિવસે લોકસાહિત્યકાર માયાભાઈ આહિર, બિરજુ બારોટ લોકગાયક સહિત કલાકારો પાંચ દિવસ દરમ્યાન મનોરંજન, ભકિત સાથે લોકસાહિત્યની પ્રસ્તુતી કરશે. તેમજ ૨૨ અને ૨૩ નવેમ્બરના રોજ સરકારશ્રીના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે રાસગરબા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે.

બાળકોને આકર્ષણ મળી રહે તેવા હેતુ સાથે વિવિધ રાઈડસ, ઈતિહાસ સાથે જોડાયેલ સરદાર અને સોમનાથ ફોટા, સોમનાથ એટ ૭૦ ફોટો પ્રદર્શની, હેન્ડીક્રાફટ સ્ટોલ્સ, ઓડીયો વિઝયુલ્સ પ્રદર્શની.

મુખ્ય આકર્ષણમાં આ વર્ષે નટબજાણીયા (વાંસ પર ચાલતા માણસો), સ્થાનિક કલાકારોના પરફોર્મ્સ માટે સ્ટેજ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ૩૫ ફુટ ઉંચાઈ અને ૨૫ ફુટ પહોળુ શિવલીંગ, શ્રીમદ્દ ભાગવત ગીતાસાર પ્રદર્શની, ગૌ પાલન અને ગાય માતાનું મહત્વ દર્શાવતી પ્રતિકૃતી.

હાલ યુવાનોમાં સેલ્ફીના વધતા જતા મહત્વને ધ્યાને લઈ વિવિધ સેલ્ફીટ પોઈન્ટ તૈયાર કરી સ્વચ્છતા અંગેની જાગૃતિ માટેના મેસેજ પણ લોકોને મળશે. વિશેષમાં સમગ્ર મેળામાં આવતા લોકો કચરો ગમે ત્યાં ન નાંખે તે માટે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગર દ્વારા કચરો એકઠો કરવા માટે થેલીઓ પણ આપવામાં આવશે. તેમજ ગીર-સોમનાથમાં જ્યારે એફએમ રેડીયો સેવા ચાલુ થઈ છે ત્યારે તેના મારફત લોકોમાં સ્વચ્છતા જાળવવા અંગે સમજણ આવે તે માટેના ઓડીયો મેસેજ તેમજ રેડીયો જોકી દ્વારા પણ સ્વચ્છતા સંદેશા પાઠવવામાં આવશે.

સ્વાદરસીકો માટે સાબરમતી જેલના ભજીયા અને ખાણીપીણીની વેરાઈટીઓનો લોકો સ્વાદ લોકો માણી શકશે. સરકારશ્રીના ઈન્ડેક્ષ્ટ-સી વિભાગ તરફથી ગૃહ ઉદ્યોગ હસ્તકલાના આબેહુબ સ્મૃતિઓના સ્ટોલ અન્ય આકર્ષણો પણ રાખવામાં આવેલા છે.

મેળાના સમગ્ર આયોજનને સફળ બનાવવા જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ તંત્ર, નગર સેવા સદન, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મેળાનું સુંદર આયોજન કરવામાં આવેલ છે.

કાર્તિકી પૂર્ણિમા મેળા મહોત્સવનું ઉદઘાટન સાંજે ૫.૩૦ કલાકે રાજેશભાઈ ચુડાસમા સાંસદ જૂનાગઢ તથા ચુનીભાઈ કે. ગોહિલ સાંસદ રાજ્યસભાના સંયુકત ઉપક્રમે રાખેલ છે.

(11:45 am IST)