Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

૮ લાખ યાત્રિકો પરત, આજે રાત્રે પરિક્રમાના પ્રારંભની ઔપચારિકતા

જુનાગઢમાં ભકિત, ભજન, ભોજનનો ત્રિવેણી સંગમ ગિરનાર ઉપર હજુ પણ ઘસારોઃ આ વખતે ૧૪ લાખ લોકો જોડાવાનો અંદાજ : પૂણ્‍યનું ભાથુ બાંધવાની સાથે ફલાના ચંદુભાઇ ધમસાણીયા અને તડ (ટંકારા)ના પરિક્રમાર્થી નવઘણભાઇના અવસાન

જુનાગઢ પરિક્રમામાં માનવ મહેરામણ ઉમટયો : ગરવા ગિરનારની લીલી પરીક્રમાંનો શનિવારથી પ્રારંભ થતા પરીક્રમાર્થીઓનો માનવ મહેરામણ જંગલમાં ઉમટી રહયો છે. સૌરાષ્‍ટ્ર ગુજરાતભરમાંથી ભાવિકો ઉમટી રહયા છે. હૈયે હૈયુ દળાય તેટલી માનવ મેદની ઉમટી પડી છે. ઉપરોકત તસ્‍વીરમાં પરિક્રમાના રૂટ પર આગળ ધપતા પરિક્રમાર્થીઓ અને જંગલમાં મંગલ ઉતારામાં આરામથી મીઠી નિંદ્રા માણતા પ્રકૃતિના ખોળે આનંદ લેતા ભાવિકો નજરે પડે છે.

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૧૯: ગિરનાર પરિક્રમામાં ભકિત, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ રચાતા પ્રકૃતિ અને સૃષ્‍ટિ ખીલી ઉઠી છે. શનીવારથી શરૂ થયેલી આ પરિક્રમાનાં આજે ત્રીજા દિવસે ૮ લાખથી વધુ યાત્રીકોએ પરીક્રમા પુર્ણ કરી ભવનાથ પરત પહોંચવા વાટ પકડી છે.

ગરવા ગિરનાર ફરતે દર વર્ષે યોજાતી ૩૬ કી.મી.ની કઠીન અને પાવનકારી પરિક્રમાનો આજે દવઉડી એકાદશીના પાવન દિવસની રાત્રીના ૧ર ટકોરે વિધિવત પ્રારંભ  થશે. સાધુ-સંતો, મહાનુભાવો અધિકારીઓ અને પદાધિકારીઓ ભવનાથમાં રૂપાયતન ખાતે યાત્રીકોને પ્રસ્‍થાન કરાવશે.

જો કે વિધિવત પ્રારંભ વિધિ માત્ર ઔપચારીક બની રહેશે કેમ કે આ વર્ષે વન વિભાગ દ્વારા પરીક્રમાના વિધિવત પ્રારંભ પહેલા એટલે કે બે દિવસ પહેલા શનીવારના રોજ તળેટી સ્‍થિત ઇટવા (રૂપાયતન) ગેટ ઉતાવળીયા યાત્રીકો માટે ખોલી નાખવામાં આવેલ.

આથી ૮ લાખથી પણ વધુ ભાવીકો આ પાવનકારી પરીક્રમા પુર્ણ કરી  સવારે ભવનાથ  આવવા રવાના થઇ ગયા હતા.

સવારે ૯ થી ૧૦ કલાકના સમયગાળા દરમ્‍યાન પરીક્રમાના સૌથી કપરા ચઢાણ નળ પાણીની ઘોડી ૭,૩૭,૮પ૦ યાત્રીકોએ વટાવીને તળેટીની વાટ પકડી હતી.

આ ભાવીકો પરીક્રમાના અંતિમ રોકાણ બોરદેવી ખાતેથી વિદાય લીધી હતી. જેના પરીણામે ગઇકાલે આખો દિવસ તળેટી અને જુનાગઢમાં ટ્રાફીક રહયા બાદ આજે સવારે પણ પરત આવતા ભાવીકોથી વધુ ભરચક્ક લાગે છે.

દરમ્‍યાનમાં પરીક્રમામાં પુણ્‍યનું ભાથુ બાંધવા આવેલા જામનગર જિલ્લાનાં ફલા ગામના ચંદુભાઇ મોહનભાઇ ધમસાણીયા (ઉ.વ.૬ર) અને મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના તર ગામના નવઘણભાઇ સીદીભાઇ (ઉ.વ.૬પ) નામના યાત્રીકનું મૃત્‍યુ નિપજયું હતું.

આ બંન્ને ભાવીકને પરીક્રમા દરમ્‍યાન બોરદેવી ખાતે અલગ-અલગ સમયે હાર્ટ એટેક આવતા વન વિભાગ દ્વારા આરોગ્‍ય કર્મીઓની મદદથી જુનાગઢ સિવિલ હોસ્‍પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ. જયાં બંન્ને વૃધ્‍ધ ભાવીકોને મૃત જાહેર કરવામાં આવ્‍યા હતા. આ બે પરીક્રમાર્થીની અનંતની યાત્રાથી ભાવીકોમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

બે મોત સિવાય પરીક્રમા સુખરૂપ આગળ ધપી રહી છે. આજે મધરાતથી પરીક્રમાનો વિધિવત અને સતાવાર મંગલારંભ થઇ રહયો હોય જેમાં જોડાવા માટે આજે પણ ભાવીકોનો પ્રવાહ સતત તળેટી તરફ વહેતો જોવા મળ્‍યો હતો. આજે પણ હજારો ભાવીકો પુણ્‍યનું ભાથુ બાંધવા પહોંચી રહયા છે. જેના કારણે ભવનાથમાં માનવ કીડીયારૂ જોવા મળ્‍યું છે.

પરીક્રમામાં સંત મહાત્‍માઓની ભકિત-ભજન અને સેવાભાવી સંસ્‍થાઓ, સમાજ વગેરેના અન્નક્ષેત્રોને લઇ યાત્રીકોને ગિરનાર જંગલમાં પણ મોજ પડી છે.

પરિક્રમાને લઇ દુધ અને ભાવમાં લુંટ ચલાવવામાં આવી હોવાની તેમજ રીક્ષા, ખાનગી બસના વધુ ભાડા વસુલાયા હોવાની રાવ સાંભળવા મળી છે.

(11:42 am IST)