Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

કચ્છથી સ્થળાંતરીત પશુપાલકોને બીજા જિલ્લામાં ઘાસકાર્ડની તબદીલ કરી આપવા ધારાસભ્ય ડો. આચાર્યની રજૂઆત

વીજશોકથી પક્ષીઓને બચાવવા કમિટિ બનાવવા સંકલનમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહનનો નિર્દેશ

ભુજ,તા.૧૯: કચ્છથી સ્થળાંતર કરી અન્ય જિલ્લામાં જતાં પશુપાલકોને જે-તે જિલ્લામાં ઘાસચારો મળી રહે તે માટે ઘાસકાર્ડની જિલ્લા તબદીલી કરી આપવા અને કચ્છના માલધારીઓને ઘાસચારા અંગે પડતી મુશ્કેલીઓ દૂર કરવા ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય દ્વારા ભુજ ખાતે મળેલી સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા કલકટરને રજૂઆત કરી હતી. ઉપરાંત ભુજ શહેરને પીવાના પાણીની મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતો પડતો હોવાનું જણાવી નર્મદાના પાણી વધારવા પર ઉપર પણ તેમણે ખાસ ભાર મૂકયો હતો.

ભુજ ખાતે જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનના અધ્યક્ષપદે યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે ભુજની નગરપાલિકા ભૂકંપ જર્જરીત બની જતાં હવે દિવસે-દિવસે જોખમી બનતી જાય છે. ભુજ નગરપાલિકાની નવી બિલ્ડીંગ બનાવાની જગ્યા નિર્ધારિત કરવાની જરૂરિયાત અને હંગામી ધોરણે ખસેડવા ભુજ ખાતે મામલતદાર કચેરીની નવી બની જતાં જુની મામલતદાર કચેરી ફાળવવા, ભુજીયા ડુંગર રોડના બ્યુટીફિકેશન માટે સાથે ભુજની બજારમાં ઇન્ટરલોક કરવા વધારાની ગ્રાંટ ફાળવવા પણ રજૂઆત કરી હતી. બેઠકમાં ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી પણ ઉપસ્થિત રહ્યા હતા.

અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ અછતગ્રસ્ત કચ્છમાં ઢોરવાડા કયારથી શરૂ કરાશે તે જણાવવાની માંગણી કરી પશુઓ માટે પાણીના હવાડા ભરવા, રહેણાંક વિસ્તારથી પવનચકકી કેટલી દૂર રાખવી તેના નિયમો સાથે ખનીજ ધરાવતા ડુંગરો પર પવનચકકીની મંજૂરી ન આપવા, ઘેટાં-બકરાં-ઊંટના ચરિયાણ,ગૌચર દબાણ અને લીલી વનસ્પતિ નિકંદનથી ખોરાકના પ્રશ્નો, રેલડીયા-મંજલ વગેરેમાં સ્વાઇનફલૂ સામે આરોગ્યલક્ષી પગલાં લેવા, આર.ટી.ઓ દ્વારા બેફામ ઓવરલોડ સામે કાર્યવાહી કરવા, માતાનામઢ અને નારાયણ-સરોવર જતાં માર્ગના ૨૬ કિ.મી.ના અધુરાં કામો પુરાં કરાવવા, બિબ્બર-નખત્રાણા ખેડૂતોને ખેત પાક નુકશાન વળતર આપવા, ડ્રીપ ઇરીગેશનમાં સબસીડી ઉપરાંત નિરોણા-બિબ્બર વગેરે ગામોને સતાવતા પીવાના પાણી પ્રશ્ને નર્મદા લાઇનથી પાણી આપવા, નરેગામાં મજૂરીના દર વધારવા સહિતના મુદ્દાઓ ઉઠાવાયા હતા.

જિલ્લા કલેકટર રેમ્યા મોહને વીજશોકથી બચાવવા અબડાસા-છારીઢંઢ સહિતના વનક્ષેત્રમાં ભારી વીજલાઇનો આસપાસ બર્ડ રીફલેકટર અને વાયરોને ઇન્સ્યુલેશન કરવાની જરૂરિયાત દર્શાવી એક કમિટી બનાવવા નિર્દેશ આપ્યો હતો.

જિલ્લા કલેકટરે ઇન્ટર ડીપાર્ટમેન્ટલ કોર્ડીનેશન વધારવા સાથે શ્યામજી કૃષ્ણવર્મા ખાતે વૃક્ષોની જાળવણી માટે વન વિભાગ ઉપરાંત ભુજોડી ફાટક પાસે થતાં ટ્રાફિક જામ સંદર્ભે બમ્પને કારણે મોટા વાહનો બગડીને અટકી જવા, લોખંડના એંગલ તેમજ સિમેન્ટના ડીવાઇટર હટાવી બેરીકેટીંગ બનાવવા તેમજ રાઉન્ડ ધ કલોક પોલીસ ગોઠવાઇ હોવાનું ભુજના ડીવાયએસપી શ્રી પંચાલના સૂચનો બાબતે બેઠક બોલાવવા નિર્દેશ આપ્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએ નવી બની ગયેલી આંગણવાડીઓમાં નાણાં ભરાયાં બાદ પણ વીજ પોલ નહીં મળવાના પ્રશ્ને પીજીવીસીએલને જે પ્રકારે વિલંબ થાય છે, તે નિવારવા તાકીદ કરી હતી. 

બેઠકના પ્રારંભે અધિક કલેકટર કે.એસ.ઝાલાએ વિવિધ કચેરીઓના પડતર કેસો અને બાકી લેણાંની વસૂલાત, પેન્શન કેસો, તકેદારો આયોગના કેસો, આરટીઆઇ, નાગરિક અધિકારપત્રની પેન્ડીંગ અરજી, પડતર તુમાર, સી.એમ.ઓનલાઇન ફરિયાદ સહિતના પ્રશ્નોની તેમજ પદાધિકારીઓના પ્રશ્નોની પણ અધિકારીઓ સાથે છણાવટ કરી હતી.

આ બેઠકમાં, પૂર્વ કચ્છના એસપી પરીક્ષિતા રાઠોડ, ડીવાયએસપી શ્રી વાઘેલા, સિવિલ સર્જન ડો. કશ્યપ બુચ, ડીઆરડીએના નિયામક એમ.કે.જોષી, નાયબ કલેકટર એસ.એમ.કાથડ, ભુજ પ્રાંત આર.જે.જાડેજા, અબડાસા પ્રાંત ડી.એ.ઝાલા, મુંદરા પ્રાંત અવિનાશ વસ્તાણી, ડીપીઓ મહાવીરસિંહ રાઓલ, નાયબ ડીડીઓ અશોકભાઈ વાણીયા, માર્ગ-મકાનના કા.ઇ. જે.ઓ.શાહ, પશુપાલનના ડો.બ્રહ્મક્ષત્રિય, સી.ઓ. સંદીપસિંહ ઝાલા, ખેતીવાડીના શ્રી શિહોરા, પ્રોજેકટ ઓફિસર રવિરાજસિંહ ઝાલા, સિંચાઇના શ્રી સોનકેસરીયા, ડીઇઓ રાકેશ વ્યાસ, ડીપીઓ સંજય પરમાર સહિતના વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:01 am IST)