Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

હળવદ તાલુકામાં પશુ ચિકિત્સા અધિકારી વર્ગ ૨ ની જગ્યાઓ ચાલુ રાખવાની માંગણી

મોરબી, તા.૧૯: જીલ્લાના વાંકાનેર અને હળવદ તાલુકા પશુપાલન ક્ષેત્રે સમૃદ્ઘ છે જેમાં ડેરી વિકાસ અને પશુપાલનમાં બંને તાલુકા આગવું સ્થાન ધરાવે છે ત્યારે હળવદ તાલુકામાં પશુ ચિકિત્સા અધિકારી વર્ગ ૨ ની જગ્યાઓ ચાલુ રાખવાની માંગ કરવામાં આવી છે.

મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ રાજયના પશુપાલન મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં હળવદ, ચરાડવા અને ટીકર એમ ત્રણ પશુ દવાખાના છે અને પશુ ચિકિત્સા અધિકારી વર્ગ ૨ ની જગ્યાઓ રદ કરેલ છે એટલે હાલ હળવદ તાલુકામાં એકપણ પશુ ચિકિત્સા અધિકારી વર્ગ ૨ નથી જયારે હળવદ તાલુકાનું પશુધન ગાય ૫૦,૨૪૪, ભેંસ ૪૫,૪૮૫ અને ઘેટા ૧૬,૫૫૭ તથા બકરા ૧૪,૩૫૨ મળીને કુલ ૧,૨૬,૬૩૮ જેટલું પશુધન છે જેની જાળવણી અને જતન માટે ત્રણ પશુ દવાખાના ચાલે છે પરંતુ ત્રણેય પશુ સારવાર સંસ્થામાં પશુ ચિકિત્સા અધિકારી નથી જે ઠરાવથી જગ્યાઓ રદ કરેલી છે જેથી ત્રણેય જગ્યા તાત્કાલિકના ધોરણે પુનજીવિત કરવા ની માંગ કરી છે તેમજ તાલુકો પશુપાલન ક્ષેત્રે અગ્રેસર રહે અને પશુપાલકોની સુખાકારી વધે તે માટે તાકીદે બંધ કરેલ પશુ ચિકિત્સકની જગ્યાઓ ચાલુ રાખવા યોગ્ય આદેશ કરવાની માંગ કરી છે.

મહાપ્રભુજી બેઠકમાં અન્નકૂટ

મહાપ્રભુજી બેઠક મોરબી ખાતે આજે કારતક સુદ ૯ ના રોજ અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે ૭ કલાકે જાગ્યાના દર્શન, સવારે ૭:૩૦ કલાકે મંગળા દર્શન, સવારે ૯ કલાકે ગોવર્ધન પૂજા દર્શન અને સવારે ૧૦ કલાકે રાજભોગ યોજાયો હતો તે ઉપરાંત સવારે ૭થી૧૦ કલાક સુધી શ્રી ઝારીજીચરણ સ્પર્શ અને સાંજે ૪ થી ૬ કલાકે અન્નકૂટ દર્શન યોજાયા હતા જેનો મોટી સંખ્યામાં ભકતોએ લાભ લીધો હતો.

(10:58 am IST)