Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

કોરોના કાળમાં તમામ તકેદારીઓ સાથે પણ નાગર જ્ઞાતિમાં ગવાયા પરંપરાગત બેઠા ગરબા

નરસિંહ મહેતાના સમયથી નાગરી નાતમાં બેઠા ગરબાનું મહત્વ: આદિ-અનાદિ કાળથી યોજાતા બેઠા ગરબા વર્તમાન સમયમાં વધુ પ્રચલિત બન્યા

જૂનાગઢ : નવરાત્રિ પાવન પર્વમાં  કોરોના સંક્રમણને કારણે તમામ પ્રકારના જાહેર ગરબાને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આવી પરિસ્થિતિમાં આદિ-અનાદિ કાળથી યોજાતા બેઠા ગરબા વધુ પ્રચલિત બન્યા છે. નરસિંહ મહેતાના સમયથી નાગર જ્ઞાતિમાં ગાવામાં આવતા બેઠા ગરબા કોરોના સંક્રમણને કારણે તમામ તકેદારીઓ સાથે આજે પણ યોજાઈ રહ્યા છે.

નવરાત્રિ દરમિયાન આદિ-અનાદિ કાળથી બેઠા ગરબા ગવાય રહ્યા છે. એક રીતે જોઈએ તો બેઠા ગરબા પ્રાચીન ગરબા સ્વરૂપમાં પણ જોવા મળી રહ્યા છે. દેવી-દેવતાઓના સમયથી આ પ્રકારના ગરબાનું આયોજન થતું રહ્યું હતું. આ પ્રાચીન પરંપરા આજે પણ જૂનાગઢની નાગર જ્ઞાતિમાં જોવા મળે છે અને કહેવાય છે કે, નરસિંહ મહેતાના સમયથી નાગરી નાતમાં બેઠા ગરબાનું ખૂબ મહત્વ જોવા મળતું આવ્યું છે.

બેઠા ગરબાને પ્રાચીન ભારતના ગરબા પણ કહેવાય છે. દેવી-દેવતાઓના સમયમાં આ પ્રકારના ગરબાનું આયોજન થતું હતું. આ ગરબામાં સૌ કોઈ એક સાથે બેસીને સંગીતના વાદ્યોના સથવારે ગરબા ગાઇને નવરાત્રીની ઉજવણી કરવામાં આવતી હોય છે. સમય બદલાતાં બેઠા ગરબાની જગ્યા ઉભા ગરબાએ લીધી અને લોકો સામૂહિક રીતે ગરબે ઘૂમતા જોવા મળ્યા. પરંતુ બેઠા ગરબાનું મહત્વ આધુનિક સમયમાં પણ એટલું વ્યાપક જોવા મળી રહ્યું છે.

(11:59 am IST)