Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ધ્રોલ અને ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી પ ઇંચ વરસાદથી ખેડૂતોનાં મોઢે આવેલો કોળીયો ઝૂંટવાઇ ગયો

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ તા. ૧૯ :.. વાતાવરણમાં આવેલા એકાએક પલટાને કારણે અસહ્ય ગરમી અને બફારા બાદ કાલે સાંજે પ.૩૦ કલાકે જોરદાર પવન અને ગાજવીજ સાથે મુશળધાર વરસાદ શરૂ થયેલ વરસાદ શરૂ થતાંની સાથે જ વિજળી ગુલ થઇ ગઇ હતી. પ.૩૦ થી ૭ વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયેલ છે.

ધ્રોલ સહિત તાલુકાના વાંકીયા, સોયલ, નથુવડલા, ધ્રાંગડા, ખારવા સાઇડના ગામડાઓમાં પણ જોરદાર વરસાદ પડતા ૩ થી પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયેલ છે. તેમજ જોડીયા તાલુકામાં પણ પવન સાથે જોરદાર વરસાદનું આગમન થયેલ. આ તાલુકાના પીઠડ, રસનાળ, બોડકા, સહિતના ગામોમાં પણ ૩ થી ૪ ઇંચ જેટલો વરસાદ પડેલ છે.

ધ્રોલ-જોડીયા તાલુકામાં આવેલા. આ કમોસમી વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઇ ગયેલ છે. ખેતરોમાં ઉભેલા કપાસ તથા મગફળીના પાકને નુકશાની થયેલ છે. તેમજ ખેડૂતોએ ખેતરોમાંથી મગફળીના ઢગલાઓ ખેતરોમાં રાખેલા તે પલળી જતાં ખેડૂતોને લાખો રૂ. નું નુકશાન સહન કરવાનો વારો આવેલ છે. કુદરતે મન ભરીને વરસાદ આપીને મબલખ પાકનું ઉત્પાદન આપેલ પરંતુ છેલ્લે...છેલ્લે... આ કમોસમી વરસાદથી ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો ઝૂંટવાઇ ગયો હોય તેવી પરિસ્થિતિમાં આ વિસ્તારના ખેડૂતોની થયેલી છે.

(11:37 am IST)