Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

વ્યાજખોરો સામે FIRનહીં નોંધાતા સુરેન્દ્રનગરના SP, PSI સહિત ચાર પોલીસ કર્મચારીઓ વિરૂધ્ધ કોર્ટમાં રાવ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૯: સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરો સામે ગુન્હો દાખલ નહીં કરતા જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ અન્ય ચાર પોલીસ કર્મી વિરુદ્ઘ આઈ.પી.સી કલમ ૧૯૬૦ ની કલમ-૧૬૬(એ) (સી),૧૬૭,૨૦૧,૧૧૪ મુજબ જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ચાર ની સામે એફ.આઈ.આર.નોંધવાનો હુકમ સુરેન્દ્રનગર ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટે કરતા કોર્ટમાં સુરેન્દ્રનગર જિલ્લા એસપી સહિત ચાર પોલીસ કર્મી પર ફરિયાદ કરવામાં આવેલ છે.

રાજયમાં વ્યાજ ખોરી ડામવા માટે સરકાર સહિત ગુજરાત રાજયના ડીજીપી પણ મથામણ કરી રહ્યા છે. વ્યાજખોરી ડામવા માટે કડક હાથે કામગીરી કરવા માટે રાજયના ડીજીપી શ્રી પોલીસ વ્યાજખોરી ડામવા પ્રયત્ન કરી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરી કરનારા માથું કાઢી ગયા છે. અને કાયદા વ્યવસ્થાનો ડર જ ના હોય તેમ સરેઆમ જિલ્લાભરમાં વાહનો તેમજ ઘરની અન્ય મિલકતો બળજબરી પૂર્વક કઢાવી લેવું સરેઆમ નજરે પડે છે. એટલુંજ નહીં પણ જિલ્લામાં વ્યાજખોરીના કારણે અનેકવાર સુસાઇડના કેસો બનતા જોવા મળી રહ્યા છે. તેમ છતા પણ  વ્યાજખોરી કરનારાઓ પર એફ.આઇ.આર દાખલ કરતા નથી.

સુરેન્દ્રનગર શહેરમાં રહેતા ધીરૂભાઇ નારાયણભાઈ શીશા દ્વારા જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ,૦૬-૦૮-૨૦૧૯ ના રોજ લેખિત ફરિયાદના અનુસંધાને જોરાવરનગરના પોલીસ દ્વારા એફ.આઇ.આર નોંધવાની ના પાડતા હોય અને અરજદાર દ્વારા વારંવાર જોરાવરનગર પોલીસ પીએસઆઇ તેમજ પી.એસ.ઓ તેમજ તપાસ કરતા સર્કલ ઇન્સ્પેકટર પાસે જઈને આજીજી કરવા છતાં પણ પોલીસ વ્યાજખોરોની ફેવર કરતી હોય અને સી.આર.પી.સી.ની કલમ ૧૫૪ (૧) મુજબ એફ.આઇ.આર નોંધવાની ના પાડતા હોય તેમજ તારીખ.૨૫-૧૦-૨૦૧૯ના રોજ સી.આર.પી.સી.ની કલમ ૧૫૪ (૩) મુજબ રજીસ્ટર એડી થી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને જાણ કરવા છતાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દ્વારા આરોપીઓ વિરુદ્ઘ એફ.આઇ.આર નોંધવાની સુચના તેમજ હુકુમ કરવામાં આવેલ ન હોય તેથી સરેઆમ સુપ્રીમ કોર્ટના ચુકાદા નો અનાદર કરેલ હોય આથી ફરિયાદી ધીરૂભાઇ નારાયણભાઈ શીશા દ્વારા વગર લાયસન્સે નાણાં ધીરધારનો ધંધો કરનાર ગૌતમભાઈ શિવાભાઈ વેગડ સહિત જોરાવરનગર પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ. ઘનશ્યામભાઈ શામજીભાઈ ઝાપડીયા.જોરાવરનગર પોલીસ સ્ટેશનના થાણા અમલદાર સબ ઇન્સ્પેકટર .સંજય વરુ. કે.એચ.ત્રિવેદી. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક  મહેન્દ્ર બગડીયા સામે એફ.આઈ.આર.નોંધવાનો હુકમ કરવા અંગે સુરેન્દ્રનગર મેહે. ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ કરેલ છે.

(11:31 am IST)