Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ફરી એકવાર ચુંટણીવાળા કચ્છના ત્રણ તાલુકા કોરોના ફ્રી થતાં ચર્ચા : વધુ ૧૫ દર્દી

ભાવનગર-૧૮ અને મોરબી જીલ્લામાં વધુ ૧૧ કેસ થયા

રાજકોટ,તા. ૧૯: કચ્છમાં ચુંટણી ક્ષેત્રના ત્રણ તાલુકા ફરી કોરોના મુકત જાહેર થતા લોકચર્ચા જાગી છે જો કે કચ્છમાં વધુ ૧૫ દર્દી નોંધાયા છે. સૌરાષ્ટ્ર -કચ્છમાં કોરોના કહેર યથાવત રહે્યા પામ્યો છે. ત્યારે ભાવનગરમાં ૧૮ અને મોરબી જીલ્લામાં ૧૧ કેસ નોંધાવા પામ્યા છે.

ભુજઃ કચ્છમાં કોરોનાના દર્દીઓનો ઘટતો જતો ગ્રાફ અને ચુંટણીવાળા ત્રણ તાલુકાઓમાં કોરોનાનો નીલ રિપોર્ટ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જિલ્લા વહિવટીતંત્રના આંકડાઓ મુજબ નવા ૧૫ દર્દીઓ સાથે કચ્છ જિલ્લામાં અત્યાર સુધી કુલ દર્દીઓ ૨૫૪૪ થયા છે. જોકે, એકિટવ કેસની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી છે અને ૨૮૫ થઈ છે. જયારે સાજા થયેલા દર્દીઓનો,આંકડો ૨૧૩૯ છે. મૃત્યુ પામનાર સરકારી ચોપડે ૭૦ છે. તો, બિનસતાવાર આંક ૧૨૦ નો હોવાની આશંકા છે. જોકે, અબડાસા વિધાનસભાની પેટા ચુંટણી છે, તે ત્રણ તાલુકાઓ અબડાસા, લખપત અને નખત્રાણામાં નીલ કેસ સાથે કોરોના ફ્રી થઈ ગયા હોય એ હકીકતે આશ્ચર્ય સાથે ચર્ચા સર્જી છે.

ભાવનગરમાં ૧૯ દર્દીઓ કોરોનામુકત

ભાવનગરઃ જિલ્લામા વધુ ૧૮ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૫૯૯ થવા પામી છે. જેમાં શહેરી વિસ્તારમા ૧૦ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૧૨ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા સિહોર તાલુકાના ટાણા ગામ ખાતે ૨, સિહોર ખાતે ૧, ગારીયાધાર ખાતે ૨ તેમજ ઉમરાળા તાલુકાના ધારૂકા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૬ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

મહાનગરપાલિકા વિસ્તારના ૧૪ અને તાલુકાઓના ૫ એમ કુલ ૧૯ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૪,૫૯૯ કેસ પૈકી હાલ ૧૧૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૪,૪૦૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૮ દર્દીઓના અવસાન થયેલ છે.

મોરબી, વાંકાનેર અને ટંકારામાં કોરોનાના ૧૫ દર્દીઓ સ્વસ્થ

મોરબીઃ જીલ્લાના આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૦૯ કેસોમાં ૦૧ ગ્રામ્ય જયારે ૦૮ શહેરી વિસ્તારમાં, વાંકાનેરનો ૦૧ કેસ શહેરી વિસ્તારમાં અને ટંકારાનો ૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને કુલ ૧૧ કેસો નોંધાયા છે તો આજે વધુ ૧૫ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા ૧૧ કેસો સાથે કુલ કેસનો આંક ૨૦૩૬ થયો છે જેમાં ૧૮૦ એકટીવ કેસ છે જયારે ૧૭૪૦ દર્દીઓ અત્યાર સુધીમાં સ્વસ્થ થયા છે.

મોરબી જીલ્લામાં આજે પણ કોરોના કહેર જોવા મળ્યો હતો.

 મોરબી જીલ્લામાં પરમ દીવસે  નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૮ કેસોમાં ૧૧ ગ્રામ્ય અને ૦૭ શહેરી વિસ્તારમાં, વાંકાનેરનો ૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં, હળવદ અને માળિયાના ૧-૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને કુલ ૨૧ કેસો નોંધાયા તો ૧૪ દર્દીઓ સ્વસ્થ થયા હતા.

(11:28 am IST)