Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

માનું સત્ય

મારી હિમાલયની યાત્રા ચાલી રહી છે એકલો જ છું. યાત્રાના આ ક્રમમાં એક ભુગ્યાલમાંથી પસાર થઇ રહ્યો છું. ભુગ્યાલ ગઢવાલી - પહાડી ભાષાનો શબ્દ છે. ભુગ્યાલ એટલે ઘાસનું મેદાન. આવું ભુગ્યાલ ઘણીવાર દશ પંદર કિ.મી. કે કવચિત તેથી પણ મોટું હોય છે. ભુગ્યાલની બરાબર વચ્ચે પગદંડી છે. તેના પર હું ચાલી રહ્યો છું. બંને બાજુ આંખને અને હૃદયને ભરી દે તેવું અને તેટલું લીલુંછમ ઘાસ છે. ચારે બાજુ લીલાછમ પહાડો છે. ભુગ્યાલમાંથી નીકળીને અનેક જલધારાઓ પોતાની માતા નદીને મળવા માટે આતુરવેગે વહી રહી છે. ઘાસની વચ્ચે અનેક ફૂલછોડ છે. આ ફૂલો વાતાવરણને મઘમઘતુ બનાવી રહ્યા છે. આ ફૂલછોડ આપણને માત્ર ફૂલછોડ લાગે છે. વસ્તુતઃ આ બધી જડીબુટીઓ છે.

મેદાનમાં જ્યાં નીચાણવાળો ભૂભાગ છે, ત્યાં મોટું ઘાસ જોવા મળે છે. આવા જ એક સ્થાને એક પહાડી બહેન ઘાસ વાઢી રહ્યા છે. મને જોઇને દાતરડું નીચે મૂકીને દોડયા. દોડતા દોડતાં બોલી રહ્યા છે- 'પાય લાગન બાબાજી ! બાબાજી ! પાય લાગન !' દોડતા દોડતા આવીને મારા પગમાં લગભગ ફસકાય જ પડયા. મેં પણ સામા નમસ્કાર કર્યા. સ્ત્રીઓ સર્વદા નમસ્કારને પાત્ર છે.

તેમના લાલ સુરખીયુકત ઉજ્જવળ ગૌરવર્ણના હિમાલયિન ચહેરા પરથી પરસેવાના રેલા વહી રહ્યા છે. મને લાગ્યું કે આ બહેનને ભૂખ તો લાગી જ હશે. મારી પાસે ભાથા પેટે મગજના લાડુ છે. મેં ભાથું ખોલીને બે લાડુ કાઢયા. બંને લાડુ તેમના હાથમાં મૂકયા. તેમણે લાડુ લીધા પણ ખાધા નહિ, સાડલાને છેડે બાંધી દીધા.

મેં તેમને કહ્યું-

'ખાઓ તુમ્હારે લિએ હૈ.'

'નહિ, બાબાજી ! ઘર મેં બેટે હૈ, વે ખાયેંગે'

મને થયું- આ બહેનને કાંઇક ખવડાવવું તો છે જ. મેં બીજા બે લાડુ તેમના હાથમાં મૂકયા. આ લાડુ પણ તેમણે સાડલાને છેડે બાંધી લીધા. મેં ફરીથી કહ્યું- 'અરે ! યે તો તુમ્હારે લિએ હૈ. તુમ ખાઓ.'

'નહિ બાબાજી ! દો બેટે હૈ. દોનોં ખાયેંગે. મૈં તો દાલરોટી ખા લૂંગી'

મને ફરી થયું- આ દેવીને લાડુ ખવડાવવા જ છે. મેં તેમને ત્રીજીવાર બે લાડુ આપ્યા. પણ આ વખતે તેમણે લાડુનો સ્વીકાર ન કર્યો. લાડુ હાથમાં લીધા જ નહિ. બંને હાથ જોડીને બોલ્યા- 'નહિ, બાબાજી ! ઇતના હી જયાદા હૈ. આપ સંત હૈ, યાત્રી હૈ. આપસે ઇતના નહી લેના ચાહિયે. હમેં દોષ લગેગા.'

હું આ દેવીની આંતર સમૃધ્ધિને જોઇ રહ્યો અને વંદી રહ્યો !

થોડી ક્ષણો આમ જ પસાર થઇ. મારા મનમાં હજુયે ભાવ રહ્યો છે- આ દેવીને કાંઇક ખવડાવવું જ છે. મેં ખૂબ આગ્રહપૂર્વક કહ્યું- 'બેટે કે લિએ તો જરૂર લે જાઓ. લેકિન મેરી બહુત ઇચ્છા હૈ તુમ ભી કુછ ખાઓ.'

તેમનો લાલ ચહેરો વધુ લાલ બની ગયો. આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. બંને હાથ જોડીને કરગરતા હોય તેમ કહેવા લાગ્યા- 'લેકિન બાબાજી ! ઘર મેં બેટે ભૂખે બૈઠે હૈ. મૈં માઁ હું. મૈં કૈસે ખાઉં? મેરે ગલે કે નીચે ઉતરેગા નહીં.'

તેમની ગદ્ગદ્વાણી અને તેમના આંસુ જોઇને હું દ્રવી ગયો. મારાથી કશું જ બોલી શકાયું નહિ.

ફરીથી થોડી શાંત ક્ષણો પસાર થઇ. સાડલાના છેડાથી આંસુ લૂંછીને બોલી- 'અચ્છા બાબાજી! ઘર મેં બેટે ભૂખે બૈઠે હૈે. મૈં જાઉંગી ખાના પકાઉંગી તબ બેટે ખાના પાયેંગે. ઔર અભી મુઝે થોડા ઘાસ ભી કાટના બાકી હૈ.'

આટલું કહીને આ દેવી સડસડાટ દોડીને પોતાના સ્થાને પહોંચી ગયા અને ઘાસ કાપવા લાગ્યા.

નાના માણસોની મહાનતા અને ગરીબ માણસોની સમૃધ્ધિને વંદન કરતો કરતો હું આગળ ચાલ્યો.  થોડું ચાલ્યો હોઇશ. સામેથી બે બાળકો આવતા જોયા. મને થયું- હો ન હો, પણ આ બંને બાળકો પેલી દેવીના જ દિકરા હોવા જોઇએ.

મેં પૂછયું- 'કહાં ચલે ?'

બેમાંથી મોટા જણાતા બાળકે ઉત્તર વાળ્યો- 'હૈ ન બાબાજી ! હમારી માઁ ઘાસ કાટને ગયી હૈ. માઁ કો કમર મેં દર્દ હૈ. થોડા થોડા ઘાસ હમ ઉઠા લેંગે તો માઁ કો આરામ મિલેગા.'

બંને બાળકો આગળ ચાલ્યા. મને વિચાર આવે છે- 'મા અને તેમના આ સંતાનો વચ્ચે જે સંવાદ થશે, જે વ્યવહાર થશે તે જોવા મળે તો કેવું સારૃં ! આમ છતાં બીજી એક વાત પણ છે જ. કોઇના અંગત જીવનમાં ડોકિયું કરવું તે અશિષ્ટ વ્યવહાર ગણાય છે અને તે રોગિષ્ઠ મનોદશાનું લક્ષણ છે. અને છતાં ત્રીજી પણ એક વાત છે. કોઇ પણ પ્રકારના રાગદ્વેષ વિના, માત્ર જીવનના ભિન્ન ભિન્ન સ્વરૂપોના દર્શન કરવાના શુભ હેતુથી પ્રેરાઇ કોઇ આવા સંવાદ - વ્યવહારના દર્શન કરે તો તે માન્ય છે. આવી સ્વોપાર્જિત માન્યતા મેળવીને હું બંને બાળકોની પાછળ પાછળ ચાલ્યો.'

થોડે દૂર ઉભા રહીને મૈં દ્રશ્ય જોયું. ભાવવિભોર થઇ ગયો ! ક્ષણભર લાગ્યું- સ્વર્ગ પૃથ્વીની લગોલગ આવી ગયું ! મા રડતી જાય છે અને પોતાના પુત્રોના મુખમાં લાડુ મુકતી જાય છે. આંખમાં ચોધાર આંસુ અને હાથ વડે પુત્રોના મુખમાં મીઠાઇ ! ત્રણેય લોટપોટ થઇ ગયા છે. વચ્ચે વચ્ચે પુત્રો માને આગ્રહ કરે છે-

'માઁ ! તુમ ભી તો ખાઓ ન ! માઁ તુમ ભી તો ખાઓ ન !'

'નહીં, બેટે ! મૈંને તો ખા લિયા હૈ.'

'કબ ખાયા હૈ ?'

'બાબાજીને મુઝે ખિલા દિયા હૈ.'

વસ્તુતઃ મા એ કાંઇ જ ખાધું નથી. મેં એક બાળકને ઇશારાથી મારી પાસે બોલાવ્યો. તેના હાથમાં બે લાડુ મૂકીને કહ્યું- 'તુમ્હારી માઁને કુછ ખાયા નહીં હૈ. જાઓ ઉનકો ખિલાઓ.'

બાળકે લાડુ હાથમાં તો લીધા, પણ ગર્જના કરતો હોય તેમ બોલ્યો.

'મેરી માઁ કભી જૂઠ નહીં બોલતી માઁ, તુમ જૂઠ કયોં બોલી ?'

હિમાલયમાં જૂઠ બોલવાની પરંપરા નથી.

મેં તે બાળકને ટાઢો પાડતા કહ્યું- 'બેટે ! યહ જૂઠ નહીં હૈ.'

'યહ જૂઠ નહિ હૈ બાબાજી ? તો કયાં હૈ ?'

'યહ માઁ કા સત્ય હૈ.'

'માઁ કા સત્ય ?'

'હા, માઁ કા સત્ય !'

આ માનું સત્ય છે. પ્રથમ દ્રષ્ટિએ, માત્ર બહિરંગ દ્રષ્ટિથી જોઇએ તો આ અસત્ય જણાય છે. પરંતુ થોડી ઊંડી ડૂબકી મારીએ તો જણાય છે- આ અસત્ય નથી. આ માનું સત્ય છે.

કોઇનું જરા પણ અહિત કર્યા વિના, કોઇ પણ પ્રકારના અંગત રાગદ્વેષ વિના, માત્ર અને માત્ર સંતાનના કલ્યાણ માટે, સંતાનના હિતની રક્ષા માટે મા ન છૂટકે, કવચિત અસત્ય ભાષણ કરે તો તે અસત્ય, માતૃ વાત્સલ્યનો પૂટ પામીને સત્ય બની જાય છે. આ માનું સત્ય છે !

જેમ કૃષ્ણનું એક સત્ય છે, તેમ માનું એક સત્ય છે !

ભાણદેવ

સરસ્વતિ નિકેતન આશ્રમ,

પટેલ વિદ્યાલય પાસે, જોધપર (નદી)

વાયા મોરબી - ૩૬૩૬૪૨ (મો.૯૩૭૪૪૧૬૬૧૦)

(9:38 am IST)