Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

જૂનાગઢમાં ગાજવીજ સાથે વરસાદઃ બગસરામાં ઝાપટુ

રાજકોટ, તા. ૧૯ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આ વખતે ચોમાસામાં ધોધમાર વરસાદ વરસતા નદી-નાળા છલકાઈ ગયા છે અને ભારે વરસાદને કારણે પાકને પણ ખૂબ જ નુકશાન થયુ છે ત્યારે આજે બપોરે જૂનાગઢ અને બગસરામાં વરસાદ વરસતા ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે.

જૂનાગઢના પ્રતિનિધિ વિનુ જોશીના અહેવાલમાં જણાવાયુ છે કે આજે સાંજે ૪ વાગ્યા આસપાસ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ થયો હતો અને ગાજવીજ સાથે વરસાદ વરસતા ચોમાસા જેવુ વાતાવરણ છવાઈ ગયુ હતું. એકાએક વરસાદ તૂટી પડતા પાકને નુકશાન થવાની દહેશત ઉભી થઈ છે.

આ ઉપરાંત અમરેલી જિલ્લાના બગસરામાં પણ બપોરે ૩ વાગ્યા આસપાસ દસેક મિનીટ સુધી વરસાદ વરસ્યો હતો. જો કે આ વરસાદ ધીમીધારે વરસ્યો હતો.

(4:26 pm IST)