Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

લોકનાયકોને આજના નેતાઓ સાથે સરખાવવા એ કોઈપણ રાજકીય પક્ષના પ્રવકતા માટે વ્યાજબી નથી

ગાંધીજી જેવી સાદગી આજના નેતાઓમાં કયાં?: સ્વાર્થ માટે નેતાઓનો જયજયકાર બોલાવવો એ કેટલા અંશે વ્યાજબીઃ ભીખાભાઈ બાંભણીયા

રાજકોટ,તા.૧૯: મહાત્મા ગાંધીજીની ૧૫૦ જન્મજયંતિ, બીજી ઓકટોબરે દેશભરમાંથી દરેક રાજકીય પક્ષના સત્તાધીશો, આગેવાનો, સંસ્થાઓ, મહાનુભાવો, શુભેચ્છકો તેમજ આમ જનતા તરફથી મોટા પાયે હર્ષ અને ઉલ્લાસપૂર્વક શ્રધ્ધાંજલી આપવાના કાર્યક્રમો યોજાયા તે સમગ્ર દેશ માટે સરાહનીય છે. પરંતુ વખાણ કરવાના અતિરેકમાં એક રાજકીય પક્ષનાં પ્રવકતા નરેન્દ્રભાઈની સરખામણી મહાત્મા ગાંધીજી સાથે કરી દીધી તે અત્યંત દુઃખદ હોવાનું એક નિવેદનમાં જસદણનાં પૂર્વ ધારાસભ્ય અને જાગૃત નેતા શ્રી ભીખાભાઈ બાંભણીયા(મો.૯૮૨૪૦ ૩૨૪૯૦)એ જણાવ્યું હતું.

શ્રી ભીખાભાઈ બાંભણીયાએ નિર્દેશ કર્યો હતો કે, રાષ્ટ્રપિતાની આજના કોઈ રાજકારણી સાથે સરખામણી કરવી તે માત્ર બાલિસતા છે. પૂજય ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરૂ, સુભાષચંદ્ર બોઝ, લાલબહાદુર શાસ્ત્રી, ડો.આંબેડકર, વાજપેયીજી વગેરે મહાનુભાવોએ દેશની આઝાદી માટે અને દેશનાં વિકાસ માટે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યુ હતું. તેઓ નીતિમત્તા, સિધ્ધાંત, રાષ્ટ્રપ્રેમ, ત્યાગ અને વફાદારની ભાવનાથી જે તે સમયમાં સંજોગો અને સમયને અનુરૂપ કામગીરી કરી ગયા છે. તેમની તુલનામાં આજના સત્તાલાલચુ રાજકારણીઓને સરખાવવા તે માત્ર મુર્ખાઈ છે.

દેશની પ્રજાની ગરીબી જોઈને મહાત્મા ગાંધી જીવનભર માત્ર એક વસ્ત્ર પહેરીને જીવ્યા. આજનાં કયા નેતાઓમાં આવી સાદગી શોધી શકાય તેમ છે. આ નિવેદનીય નેતાઓએ યાદ રાખવાની જરૂર છે કે, પક્ષ પ્રેમ કરતાં રાષ્ટ્ર પ્રેમ અને દેશદાઝ વધુ મહાન છે. સરદાર વલ્લભભાઈની મરણમૂડી રૂપિયા બસ્સો હતી તે સમગ્ર દેશ જાણે છે. રાષ્ટ્રનાં રાજવીઓએ દેશ માટે પોતાના રાજ આપી દીધા. મૂડીપતિઓએ પોતાની મિલકત રાષ્ટ્રનાં ચરણે ધરી દીધી તેમજ આઝાદી માટે લાખો  લોકોએ બલિદાન આપ્યા, જેલવાસ ભોગવ્યો અને હસતા- હસતા ફાંસીનાં માંચડે ચડી ગયા. જયારે આજનાં ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ  અને કહેવાતા લોકનેતાઓની મિલકતો અને અસ્કયામતો કેટલી છે તે હવે લોકોથી અજાણ્યું નથી.

આજના પ્રધાનમંત્રીથી લઈને તમામ રાજકીય આગેવાનોમાં ભાગ્યે જ સાદગીનાં દર્શન થઈ શકે. પ્રધાનમંત્રી અને મંત્રીઓનો રક્ષણ માટે કેટલી મોટી ફોજ રાખવામાં આવે છે તે સૌ જાણે છે. ગાંધીજીનાં કહેવાથી સરદારે વડાપ્રધાન પદનો પણ ત્યાગ કર્યો હતો. જયારે આજે સત્તા માટે પક્ષપલ્ટો કરવો, હોદાની લ્હાણી કરવી, આર્થિક લાભ મેળવીને તડજોડ કરવી તેમજ છેલ્લી પાયરીએ જઈને સત્તા મેળવવા માટેના પ્રયાસો કરવા જેવી લોકશાહી માટે કલંકરૂપ ઘટનાઓ રોજબરોજ બની રહી છે. એક સમયના પારદર્શક વહીવટદારો, સિધ્ધાંતવાદીઓ કે ખરા અર્થમાં વિકાસ માટે ભેખ ધારણ કરનારા લોકનાયકોને આજના નેતાઓ સાથે સરખાવવાએ કોઈપણ રાજકીય પક્ષનાં પ્રવકતા માટે વ્યાજબી નથી.

કાયદાઓ પ્રજાની સુખકારી અને સવલતો માટે હોવા જોઈએ, લોકોને પરેશાની થાય તેવા કાયદાની અમલવારીથી લોકરોષમાં વધારો થાય છે. કોઈપણ સંજોગોમાં લોકહિત સર્વોપરી હોવું જોઈએ તે ટોચના રાજકીય આગેવાનો ભૂલી ગયા છે. બલ્કે લોકશાહી શાસનનાં બદલે આડકતરી રીતે સરમુખત્યારશાહી પ્રવર્તી રહી છે. ત્યારે માત્ર પોતાના અંગત સ્વાર્થ માટે નેતાઓનો જયજયકાર બોલાવવો અને તેમને ખોટી દિશામાં પ્રોત્સાહન આપવું તે સહેજ પણ યોગ્ય નથી.

સારી કામગીરીને ચોકકપણે વખાણી શકાય પરંતુ તેનો અર્થ એવો નથી કે, આંગળીનાં વેઢે ગણી શકાય તેટલા નિર્ણયોમાં કોઈને ગાંધી કે સરદાર સાથે સરખાવી શકાય તેમ નિવેદનનાં અંતે શ્રી ભીખાભાઈ બાંભણીયાએ ઉમેર્યું હતું.

(1:11 pm IST)