Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

મોરબીના સીરામીક ઉદ્યોગમાં કારમી મંદીઃ ૪૦ ટકાથી વધુ બિઝનેસ ઘટ્યોઃ ૨૦૦થી વધુ એકમો બંધ થયા

૨૫૦૦૦ કરોડના ટર્ન ઓવર વાળી આ ઈન્ડસ્ટ્રીઝમાં આવતા વર્ષે ૧૫૦૦૦ કરોડ થશે : દર વર્ષે દિવાળી વેકેશન ૧૦ દિવસનું પણ આ વખતે ૧ થી ૨ મહિનાનુ : ડીમાન્ડ જ નથીઃ ૪-૪ મહીના સુધી ચાલે તેટલો માલ પડ્યો છે

મુંબઇ તા. ૧૯: સૅનિટરી વેર્સ અને વિટ્રિફાઇડ ટાઇલ્સના ઉત્પાદનમાં દેશભરમાં નંબર-વન સ્થાન ધરાવતી મોરબીની સિરૅંમિક ઇન્ડસ્ટ્રી પણ મંદીના વમળમાં આવી ગઈ છે. ગયા વર્ષે ૧૦૦૦થી વધુ ફેકટરીઓ ટાઇલ્સ અને સેનિટરી વેર્સના ઉત્પાદનમાં હતી, પણ આ વર્ષ દરમ્યાન ૨૦૦થી વધુ ફેકટરીઓને તાળાં લાગી ગયાં છે, તો વેચાણમાં પણ ૪૦ ટકાથી વધુ ઘટ આવી છે. ગયા વર્ષે મોરબીની સિરેમિક ઇન્ડસ્ટ્રીનું ટર્નઓવર અંદાજે ૨૫,૦૦૦ કરોડ રૂપિયા જેટલું હતું, પણ આ વર્ષે એ માંડ ૧૫,૦૦૦ કરોડે પહોંચે એવી સંભાવના છે. ટાઇલ્સ અને સેનિટરી વેર્સ માટે દિવાળી પછીનો તબક્કો સીઝન કહેવાય એટલે દિવાળીનું વેકેશન હંમેશાં ૧૦ દિવસ જેટલું રાખવામાં આવતું, પણ આ વર્ષે પહેલી વખત એવું બનવાનું છે કે ફેકટરીના માલિકો એકથી બે મહિના જેવું લાંબું વેકેશન રાખવાનું લગભગ નક્કી કરી ચૂક્યા છે.

મોરબીમાં આવેલી અને દેશભરમાં નામના ધરાવતા લેકિસકન સિરેમિકના માલિક નરેન્દ્ર સંધાત કહે છે, 'દેશવ્યાપી મંદીની અસર અને એમાં રિયલ એસ્ટેટની અસર એ બન્ને જોડાતાં સિરેમિક ઇન્ડસ્ટ્રીની હાલત ખરાબ થઈ ગઈ છે. કૉમ્પિટિશને પણ માઠી અસર ઊભી કરવાનું કામ કર્યું છે, પણ એમ છતાં હું કહીશ કે અત્યારે ૪ મહિના સુધી પ્રોડકશન ચાલુ કરવામાં ન આવે તો પણ ચાલે એટલો માલ ફેકટરીઓમાં પડ્યો છે અને ચોમાસું પૂરું થઈ ગયું છે તો પણ કોઈ જાતની ડિમાન્ડ નીકળી નથી.

નોટબંધી પછી સિરેમિક ઈન્ડસ્ટ્રીનો કૅશફ્લો બિલકુલ બંધ થઈ ગયો છે એવી ફરિયાદ કરતાં મોરબી સિરેમિક અસોસિએશનના ઉપપ્રમુખ અને અંબાણી ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન ભાવેશ અંબાણી કહે છે, '૬ મહિનાની ઉધારી સાથે પણ માલ લેવા કોઈ રાજી નથી. પહેલાં બેથી ત્રણ ટકા ડિફોલ્ટર રહેતા, પણ છેલ્લા એક વર્ષમાં એ પ્રમાણ વધીને ૨૦થી રર ટકા જેટલું થઈ ગયું છે. ૨૦૦થી વધારે ફેકટરીઓને તાળાં લાગી ગયાં છે. માલ પણ જાય અને પેમેન્ટ પણ ન આવે એ કોઈને પોસાય એમ રહ્યું નથી. આવી હાલત છેલ્લા બે દસકામાં પહેલી વાર જોવા મળી છે.ઁ

મોરબીમાં બનતાં સેનિટરી વેર્સ અને વિટ્રિફાઇડ ટાઇલ્સમાંથી લગભગ ૪૦ ટકા માલ એકસપોર્ટ થતો હતો, પણ આ વર્ષે તો એને પણ નજર લાગી ગઈ હોય એવો ઘાટ સર્જાયો છે. વર્ષે ૧૨,૦૦૦ કરોડ રૂપિયાનો એકસપોર્ટનો બિઝનેસ ધરાવતી

આ ઇત્ડસ્ટ્રી આ વર્ષે માત્ર ૭૦૦૦ કરોડના એકસપોર્ટ પર પહોંચે એવી શક્યતા છે. મોરબી સિરૅમિક વોલ ટાઇલ્સ અસોસિએશનના પ્રેસિડેન્ટ નીલેશ જેતસરિયા કહે છે, 'મેકિસમમ એકસપોર્ટ આરબ એમિરેટ્સમાં થતું, પણ હવે ત્યાં નિયમ બનાવીને SASO સર્ટિફિકેટ કમ્પલ્સરી કરી દેવામાં આવ્યું છે, જે લેવાનો ખર્ચ ૨૦ લાખથી વધારે છે અને એના નિયમો પણ બહુ અઘરા છે એટલે લેવા કોઈ રાજી નથી. બીજું એ કે આરબ એમિરેટ્સ આવતા બે મહિનામાં એન્ટિ ડમ્પંગિ ડ્યુટી લાવે એવી શક્યતા છે, જે પાંચથી બાર ટકા જેટલી હશે એટલે એ રીતે પણ કોઈને એકસપોર્ટ પોસાવાનું નથી. આમ એકસપોર્ટની માર્કેટ તો કદાચ કાયમ માટે નાનકડી થઈ જાય એવી હાલત છે.ઁ

૪૦૦થી વધારે ફેકટરી એવી છે જે એકસપોર્ટ પર નિર્ભર છે. જો એવું બન્યું તો આ ૪૦૦ ફેકટરીઓએ કાં તો ડોમેસ્ટિક માર્કેટમાં જગ્યા કરવી પડશે અને કાં તો કાયમ માટે તાળાં મારી દેવાં પડશે. એવું ન બને અને મોરબીની સિરેમિક ઇન્ડસ્ટ્રી નવેસરથી ઊભી થઈ મંદીના વમળમાંથી બહાર આવે એ માટે ઇન્ડસ્ટ્રીના માંધાતાઓએ કેન્દ્ર સરકાર પાસે કેટલીક ડિમાન્ડ મૂકી છે. મોરબી સિરૅમિક અસોસિએશનના ઉપપ્રમુખ ભાવેશ અંબાણી કહે છે, ઁટાઇલ્સને ગુડ્સ એન્ડ સર્સિસિસ (જીએસટી)ના ૧૮ ટકાના સ્લેબમાં રાખવામાં આવી છે, જે બહુ વધારે છે. ટાઇલ્સ કે સૅનિટરી વેર્સ લકઝરી નથી, એ જરૂરિયાત છે. એના પરનો જીએસટી ૧૮ ટકા પરથી ઘટાડીને જો એને ૮થી ૧૨ ટકા પર લાવવામાં આવે તો એનો ફાયદો રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને પણ થશે અને ડિફૉલરોનું પ્રમાણ પણ ઘટશે.(મીડ ડે માંથી આભાર

કારીગરોને કરવામાં આવે છે છૂટા

સિરામિક ઈન્ડસ્ટ્રીમાં આવેલી મંદીને કારણે મોટા ભાગની ફેકટરીઓએ સ્ટાફ અને કારીગરોને છૂટા કરવાનું શરૂ કર્યું છે અને રોજમદારોને કામ મળતું લગભગ બંધ થઈ ગયું છે. મોરબીના ખ્યાતનામ ઈન્ડસ્ટ્રિયલિસ્ટ પોતાનું નામ નહીં આપવાની શરતે કહે છે, ઁટાઈલ્સના કારીગરો શોધવા અઘરા હોય છે એટલે મોટા ભાગે કોઈ છૂટું કરતું નથી. આજ સુધી રાહ જોઈ કે માર્કેટમાંથી મંદી દૂર થાય, પણ એવું બન્યું નહીં અને આવતા એકાદ વર્ષ સુધી કોઈને તેજી દેખાતી ન હોવાથી હવે બધાએ કારીગર અને સ્ટાફને ઓછા કરવાનું શરૂ કરી દીધું છે. અત્યાર સુધીમાં મોટા ભાગની ફેકટરીમાંથી વીસેક ટકા સ્ટાફ છૂટો કરવામાં આવ્યો છે અને આ વખતે વેકેશન લંબાવી દેવાની સાથોસાથ સ્ટાફને રજાનો પગાર નહીં મળે એવી સ્પષ્ટતા પણ કરી દેવામાં આવી છે.

(1:07 pm IST)