Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

જૂનાગઢનાં વિજાપુર ખાતે અતિદિવ્યાંગ બાળકો દિપાવલીનાં તહેવારોમાં દિવડાઓનું કરે છે નિર્માણ

જૂનાગઢ, તા.૧૯: જૂનાગઢની ભાગોળે આવેલુ વિજાપુર ગામ અને આ ગામની સમીપે ૫૯ જેટલા નાનકડા દિવ્યાંગ ભુલકાઓનું ઘર એટલે સાંપ્રત ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યરત છે. અતિદિવ્યાંગ એવા ભુલકાઓની સારસંભાળ અને સેવાસુશ્રુસા કરતા મહેન્દ્રભાઇ પરમાર અને ટીમ દ્વારા બાળકોને સમયસર સેવાસુશ્રુસા, ભોજન, સ્વચ્છતા સહિતની કાળજી લેવામાં આવે છે. જેનાથી જનાગઢમાં આજે સાંપ્રત એ સેવાના ધામ તરીકે ઓળખાવા લાગ્યુ છે. મહેન્દ્રભાઇએ  પરિચય આપતા જણાવ્યુ હતુ કે ૧૮ વર્ષથી નાની વયનાં ૫૯ જેટલા ભુલકા અહીં નિવાસ કરી રહ્યા છે. ૧૮ વર્ષથી વધુ ઉમરનાં બાળકો વેરાવળ નજીક સુપાસી ગામ પાસે આશ્રમમાં નીવાસ કરી રહ્યા છે. આજે   સંસ્થામાં બાળકો દ્વારા દીપોત્સવીનાં તરહેવારોને ધ્યાને લઇને દિવડા બનાવવાનું કાૃય આરંભ થયો છે.આ ભુલકાનો ગૃહ ઉદ્યોગ છે. સંસ્થા દ્વારા મીણનાં દિવડા કોડીયામાં રંગબેરંગી ઓપ આપી તૈયાર કરાયા છે જેમાંથી કેટલાક દિવડા આ સંસ્થાને આર્થિક સહયોગી દાતાનાં ઘરે દિવાળીનાં તહેવારોમાં ઝળહળી ઉઠશે. આ વેચાણથી થતી રકમ બાળકનાં સ્વભંડોળમાં બેંકમાં જમા થશે.

દિવ્યાંગ અનાથ બાળકો દ્વારા દિવ્યાંગ ઉદ્યોગગૃહનું ઉદઘાટન કરવા જૂનાગઢ મ્યનિ. કમિશ્નર  તુષાર સુમેરા, ભકતકવિનરસીંહ મહેતા યુની.નાં વાઈસ ચાન્સેલર ડો.ચેતન ત્રિવેદીએ ખાસ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.આ તકે જિલ્લા સમાજ સુરક્ષા એકમ દ્વારા ચક્ષુદિવ્યાંગ બહેનોને આધુનિક ઉપકરણ સજ્જ દિવ્યાંગ લાકડીનું મહાનુભાવોનાં હસ્તે વિતરણ કરવામાં આવ્યુ હતુ. પગથી દિવ્યાંગ વ્યકિતઓને ટ્રાયસિકલનું વિતરણ સમાજસુરક્ષા અધિકારી નયનાબેન મહેતાની ઉપસ્થિતીમાં વિતરણ કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે જિલ્લા કાનુની સેવા સત્તામંડળનાં સભ્ય સચિવ પી.એમ.આટોદરીયા, બાળકલ્યાણ સમીતીનાં સભ્ય રમીલાબેન કથીરીયા,સુનિધી ટ્રસ્ટનાં રમેશભાઇ શેઠ, કમલેશભાઇ મારૂ, વજુભાઇ ધકાણ,પ્રા. વિશાલ જોષી, દાતાર ઉપાસક બટુકબાપુ સહિત વિવિધ સેવાકીય સંસ્થાઓનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:05 pm IST)