Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ભાવનગર માટે સૌની યોજનામાંથી શિહોર તાલુકાના જળાશયો બાકાત?

સાંઢિયા-ચોરવડલા, રામધરી, આંબલા, સોનગઢ, નાના સુરકા, સિહોર, રાજપરાના તબીબોને સાંકળવા માંગઃ યોગ્ય ન્યાય નહિ મળે તો લડતના એંધાણ : નકશા બનાવવામાં અમુક ગામનું અંતર વધુ દર્શાવીને કારીગીરી તો નથી કરીને તે પણ તપાસવું જરૂરી

 ઇશ્વરીયા તા. ૧૯ :..  વિકળીયાથી ભાવનગર પાણી પહોંચાડવાની યોજનામાં સિહોર તાલુકાના જળાશયોની બાદબાકી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ યોજનામાં સાંઢિડા, ચોરવડલા, રામધરી, આંબલા, સોનગઢ, નાના સુરકા, સિહોર, રાજપરા વગેરે તળાવોને સાંકળવા માંગ થઇ રહી છે. આ આયોજનમાં કોઇ રાજરમત છે ? તેવુ સંભળાઇ રહયું છે.

રાજય સરકાર દ્વારા 'સૌની યોજના' તળે સૌરાષ્ટ્રના નાના-મોટા તળાવો અને જળસિંચન યોજના માટે ખુબ જ આવકારદાયક કામ થયું છે, જેમાં છેવાડાના ઉંચા વિસ્તારોમાં પણ જળરાશિ ઠાલવવાનું સફળ કામ થઇ રહ્યું છે.

આ ચાલુ વર્ષ દરમિયાન વિકળીયાથી  હણોલ તેમજ પાલીતાણા શેત્રુંજી તળાવમાં પાણી ઠાલવવામાં આવતા આ પંથકમાં ખેડૂતો માટે ખૂબ રાજીપો રહ્યો છે, ત્યારે વિકમીયાથી ખાસ યોજના બનાવી બોરતળાવ - ભાવનગર માટે પણ પાણી પહોંચાડવા માટેની કામગીરી હાથ ધરાઇ છે. આ માટે ભૂતિયા ગામ પાસે મોટા ભૂંગળાઓનો ખડકલો પણ થઇ રહયો છે.

ભાવનગર શહેરને પાણી પહોંચાડવા માટે શેત્રુંજી જળાજળથી વ્યવસ્થા છે જે, આમ છતાં ગઢડા, ઉમરાળા, સિહોર થઇ ભાવનગર તાલુકાના ગામડાઓમાંથી વધારાની યોજના બની રહી છે, જેમાં મોટાભાગે સિહોર તાલુકા વિસ્તારના જળાશયોને બાજૂ પર રાખી દઇ, વંચિત રાખી નકશા તૈયાર કરી વધુ અંતર થવા છતાં યોજના બનાવાઇ છે, તેનું કારણ શું હશે ? આયોજનમાં કોઇ 'રાજરમત' છે ? તેવુ સંભળાઇ રહ્યું છે.

જો આ યોજના વિકળીયાથી રંઘોળા, સાંઢિડા, સણોસરા, રામધરી, આંબલા, સોનગઢ, નાના સુરકા, સિહોર થઇ રાજપરાથી આગળ લઇ જવામાં આવે તો સંભવીત જરૂરીયાત માટે વચ્ચેના ગામ જળાશયોને જળ રાશી ઉપલબ્ધ કરાવી શકાય.

ભાવનગર માટે શેત્રુંજી આધારિત પાણી જથ્થો મળવા છતાં બીજી વ્યવસ્થા થઇ રહી છે, ત્યારે ઉપર જણાવેલ ગામ વિસ્તાર માટે કેમ સરકારમાં બેઠેલા પ્રતિનિધીઓ દ્વારા આયોજન નથી થતું ? કોઇ ચોકકસ એક ગામ વિસ્તારને લાભ મળે તે માટે બાકીના જળાશયો ગામોને વધુ અંતર અને વધુ ખર્ચ થવા છતાં આમ થઇ રહ્યું છે, તે સમજાતુ નથી. આ પ્રશ્ન પંથકમાં થઇ રહ્યો છે.

શિહોર તાલુકાના જળાશયોની બાદબાકી કરવામાં શા માટે આવી હશે ? કહેવાય છે કે પ્રારંભિક દરખાસ્તમાં વિકમીયાથી ઉપરના ગામો આસપાસ જ ભૂંગળાઓ પસાર થવા આયોજન હતું સાચુ કે ખોટું જે હોય તે પણ માંગણી પ્રમાણે થાય તો સાંઢિડા જળાશય નીચે સણોસરા, ભૂતિયા, ચોરવડલા તથા રામધરી જળાશયો નીચે સણોસરા, કૃષ્ણપરા, ઇશ્વરીયા, બજાુડ, ગોલરામા ગામોના ખેડૂતોને લાભ મળે શકે. આંબલા જળાશય નીચે આંબલા તથા બજુડ અને સોનગઢ, નાના સુરકા, શિહોર, રાજપરા વગેરે જળાશયો સાથે સંકળાયેલા ગામોને આશીર્વાદરૂપ જળ સિંચન તેમજ પીવાના પાણી માટે યોજન બની શકે. આ ગામોની સુવિધાને વંચીત રાખવામાં આપતા લડતનાં એંધાણ અને રાજકીય કાવાદાવા ખેલાવાના એંધાણ લાગી રહયા છે.

ઉપર મુજબ માંગ પ્રમાણે જો ફેરફાર કરવામાં નહિ આવે તો ખેડૂતો, કાર્યકરો તેમજ તમામ પ્રજાજનોની નારાજગી ઉપર આવશે તેમાં શંકા નથી. ગ્રામ પંચાયતો ખેડૂત સંગઠનો તેમજ રાજકીય આગેવાનોને કંઇક લડત માટે તૈયાર થાય તો નવાઇ નહિ...!

(12:08 pm IST)