Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ઉના મધ્યે પસાર થતા હાઇવેની મરામત કરવામાં આવે નહીં તો ઉગ્ર આંદોલન : પ્રાંત કચેરીએ આવેદન

ઉના, તા. ૧૯ : શહેર મધ્યે પસાર થતા નેશનલ હાઇવે મરામત કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી વિવિધ સંસ્થાના આગેવાનોએ પ્રાંત કચેરીએ આવેદન આપેલ.

શહેરમાંથી પસાર થતો નેશનલ હાઇવે બિસ્માર હાલતમાં હોય ત્યારે તેના નવીનીકરણ બાબતે શુક્રવારે ઉના પ્રાંત કચેરી ખાતે ગ્રેઇન મર્ચન્ટ એસોસીએશન, ઉના-ગીરગઢડા પ્રેસ કલબ, યુવા કોળી સંગઠન, અખિલ ભારતીય કોળી સમાજ, રઘુવંશી યુવા ગ્રુપ, અર્જુન ગ્રુપ, બ્રહ્મસમાજ, મધુવન ગ્રુપ દ્વારા આવેદનપત્ર આપી ર્મા માટે અલ્ટીમેટમ અપાયું હતું. ઉના નગરના મધ્યેથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગે શૈક્ષણિક સંકુલો તથા શાક માર્કેટ તેમજ દુકાનો આવેલી છે. ચોમાસાના કારણે આ માર્ગ વધુ બિસ્માર બન્યો છે. માર્ગ પરથી પસાર થવું લોકો માટે અત્યંત દુષ્કર બન્યું છે. અસહ્ય ધૂળની ડમરીઓ ઉડવાથી લોકોના સ્વાસ્થ્ય અંગે પણ હાનિકારક સ્થિતિ સર્જાઇ છે.

આ પ્રશ્ને નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાને વારંવાર જાણ કરવા છતાં કોઇ નક્કર પગલા ભરવામાં આવ્યા નથી. ત્યારે આગામી તા. રર મંગળવાર સુધીમાં આ માર્ગનું ભ્રષ્ટાચાર મુકત નવીનીકરણ હાથ નહીં ધરાય તો ચક્કાજામ અને ઉપવાસ આંદોલન સહિતની ચીમકી આવેદન આપી ઉચ્ચારાઇ છે.

(12:07 pm IST)