Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

પોરબંદર નવીબંદરમાં સેવાસેતુ કાર્યક્રમમાં રેશનકાર્ડ સહિત વિવિધ પ્રશ્નોનો નિકાલ

ગોસા (ઘેડ) તા.૧૯ : કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓ વ્યકિતલક્ષી લાભો છેવાડાના લોકો સુધી પહોચે તેમજ આ લાભોની સાથે લોકોની રજૂઆતો પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ થાય તેવા શુભ આશયથી સમગ્ર રાજયમાં પાંચમા તબકકાનો સેવા સેતુ ના નામનો કાર્યક્રમ યોજાયો જે અંતર્ગત પોરબંદર સોમનાથ નેશનલ હાઇવે રોડ પર સમુદ્રની સાનિધ્યમાં આવેલ નવીબંદર ગામે પોરબંદરના જે તે વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં સેવાસેતુનો કાર્યક્રમ નવીબંદર પ્રા.શાળા ખાતે યોજવામાં આવ્યો હતો.

વહીવટીમાં પારદર્શકતાની સાથોસાથ લોકોના પ્રશ્નોનુ સ્થળ ઉપર જ ઝડપી નિરાકરણ આવે અને જનહિતકારી સરકારી યોજનાઓના લાભ લોકોને સરળતાથી મળી રહે તે માટે આયોજન કરેલ સેવાસેતુ કાર્યક્રમમમાં પોરબંદરના પ્રાંત અધિકારી કે.વી.બાટી, મામલતદાર હિરપરા, પોરબંદર તા.વિ.અધિકારી આર.કે.ઉનડકટ, કોસ્ટલ સેકશન પીજીવીસીએલના જૂનીયર ઇજનેર વિજય આડેદરા, માધવપુરના સકૂલ મારૂ, રાતીયા તા.પં.ની બેઠકના સદસ્ય રણમલભાઇ દેવશી રાતીયા, ચિકાસાના ઉપસરપંચ હાજીભાઇ ઓડેદરા સહિતના અધિકારીઓ, રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો જેમાં ઘેડના બળેજ, રાતિયા, ઉટડા, ગરેજ (ઘેડ), ચિકાસા અને નવીબંદર સહિતના ગામના લોકોએ આકાર્યક્રમમાં ઉપસ્થિત રહી વ્યકિતગત પોતના પ્રશ્નો રજૂ કર્યા હતા જે માટે વહીવટી તંત્રના લોકોને સરળતા મળી રહે તે જૂદા જૂદા વિભાગોના ટેબલો ગોઠવાયા હતા. જેમાં મુખ્યત્વે આધારકાર્ડ, આધારકાર્ડમાં નામ સુધારવાની અરજી આવકના દાખલા, રેશનકાર્ડને લગતા પ્રશ્નો, રેશનકાર્ડમાં નામ ઉમેરવુ, નામ કમી કરવુ, નામ સુધારા વધારા કરવા, આવક, જાતિ, ક્રમીનીલેયર, ડોમીસાઇલ પ્રમાણપત્રને લગતા દાખલા, માં અમૃતમ યોજના તથા વાત્સલ્ય કાર્ડને લગતી અરજીઓ પીજીવીસીએલ વિભાગના પ્રશ્નો સહિત વિવિધ વિભાગને લગતા પ્રશ્નોની રજૂઆત સાંભળવામાં આવેલ તેમજ શકય હોય તેનુ સ્થળ પર જ નિરાકરણ કરાયેલ. આ કાર્યક્રમ લોકો મારફત રજૂ કરવામાં આવેલ તમામ પ્રશ્નો મોટેભાગે સરકારની યોજનાના લાભ આપવા અંગેના હોવાથી સ્થળ પર જ હકારાત્મક નિર્ણયકરીને આ પ્રશ્નોનો ઉકેલ કરવામાં આવ્યો હતો.

નવીબંદર ગામે યોજાયેલ સેવાસેતુના પાંચમા તબકકાનો સવારના ૯ થી સાંજના પાંચ વાગ્યા સુધી ચાલુ રાખેલ જેમાં ખડેપગે ઉભા કરીને લોકોના સ્થળ પર જ પ્રશ્નોનો ઉકેલ લાવનાર વિવિધ ખાતાના સરકારી કર્મચારીઓ સ્ટાફ સવારથી સાંજ ખડેપગે રોકાયેલા પણ તેઓ માટે જમવા સુધીનો કોઇ સરકારી પરિપત્રમાં આ પાંચ તબકકાના સેવાસેતુ કાર્યક્રમમાં રોકાયેલ તેઓ માટે ન હોય કર્મચારીઓમાં કચવાટની લાગણી સાથે ગણગણાટ જોવા મળ્યો પછી ૧ વાગ્યા બાદ જે તે કર્મચારી માટે આવતા અરજદારોને કોઇ તકલીફ ન પડે તેમ જમવા જતા હતા.

સરકારમાં આ સેવાસેતુ કાર્યક્રમ વખતે જમવાની કોઇ વ્યવસ્થા ન હોય રાજકીય બિરાજમાન પ્રધાનમંત્રી મહોદય મંત્રીઓ તેમજ અન્ય સરકારી યોજનાઓ માટે સમારંભો યોજાતા હોય ત્યારે આ તાયફાઓ પાછળ લાખો રૂપિયાના ખર્ચાઓ કરાતા હોય છે પરંતુ ખરા અર્થમાં આ કાર્યક્રમમાં રોકાયેલ સરકારી કર્મચારીઓ માટે ફદીયુ પણ ગ્રાન્ટ વાપરવાની સુવિધા ન કરાતા કર્મચારીગણમાં કચવાટની લાગણી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગને લગતા પ્રશ્નોમાં કાર્ડમાં સુધારા વધારા કરવા સહિતના ૪૪ તેમજ પીએમજી વાય (આયુષ્યમાન કાર્ડ)ના ૧૯ તેમજ આધારકાર્ડના ૧૦૦ જેટલી અરજીઓમાં વિવિધ પ્રશ્નો રજૂ થયા હતા. જેનુ તાત્કાલીક નિવારણ કરાયેલ. કાર્યક્રમને સફળ બનાવવા તા.વિકાસ અધિકારી આર.કે.ઉનડકટના રાહબળ તળે તાલુકાના સ્ટાફગણે તેમજ તલાટીમંત્રીશ્રીઓએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઘેડના છએ છ ગામના લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમનો લાભ લીધો હતો.

(12:07 pm IST)