Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

રાણાવાવના હનુમાનગઢમાં લોકોને વ્યસનમુકત થવા કલેકટરનું આહવાન : રાત્રી સભા યોજાઇ

પોરબંદર તા.૧૯ : રાણાવાવ તાલુકાના હનુમાનગઢ ગામે કલેકટર ડી.એન.મોદીના અધ્યક્ષસ્થાને રાત્રી સભા યોજાઇ હતી. જિલ્લા અને તાલુકાના અધિકારીશ્રીઓ તથા ગામલોકોની ઉપસ્થિતીમાં યોજાયેલ રાત્રીસભામાં કલેકટરશ્રીએ ગામ લોકોને વ્યસનમુકત થવા આહવાન કરી ગામને સ્વચ્છ રાખવા પર ભાર મુકયો હતો. ઉપરાંત સરકારશ્રી દ્વારા અમલમાં મુકાવેલ વિવિધ જનહિતકારી યોજનાઓનો લાભ લેવા જણાવ્યુ હતુ.

પોરબંદર પ્રાંત અધિકારી કે.વી.બાટી અને રાણાવાવ પ્રાંત અધિકારી વિવેક ટાંકે મામલતદાર કચેરીઓમાં ચાલતી સમાજ કલ્યાણની વિભિન્ન યોજનાઓ પૈકી વિધવા સહાય વૃધ્ધ સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, ઓનલાઇન વારસાઇ એન્ટ્રી સહિત યોજના અંગે વિસ્તારથી સમજ પૂરી પાડી હતી.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.ડી.ધાનાણીએ સ્વચ્છ ભારત મિશન, નરેગા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના અને ગામમાં સફાઇનું મહત્વ સહિતની બાબતોથી ગામ લોકોને વાકેફ કર્યા હતા. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જે.એન.પરમારે આઇ ખેડૂત પોર્ટલ, ખેતીલક્ષી વિવિધ યોજના અને ખેતી સાધનોની સબસીડી વિશે વિસ્તારથી સમજ આપી હતી તથા ખેડૂત અકસ્માત વિમા યોજના, પીએમ કિશાન સન્માન નિધિ યોજના, કિશાન માનધન યોજનાનો લાભ લેવા ખેડૂતોને સુચીત કર્યા હતા.

જિલ્લા આરોગ્ય કચેરીના પ્રતિનિધિએ માં કાર્ડ, આયુષ્યમાન ભારત કાર્ડ સહિત યોજનાની જાણકારી પુરી પાડી તંદુરસ્ત આરોગ્યની બાબતે ચર્ચા કરી હતી. પ્રોગ્રામ ઓફીસર અંજના જોષીએ આંગણવાડીમાં ચાલતી વિવિધ યોજનાઓનો લાભ લેવા ઉપસ્થિત બહેનોને માહિતગાર કર્યા હતા. પીજીવીસીએલ કારાવદરાએ વીજ કનેકશન ને લગતી જાણકારી આપી હતી. સિંચાઇ વિભાગનાશ્રી વાલગોતરે સુજલામ સુફલામ જળ સંચય યોજના અંગે જાણકારી પુરી પાડીહતી.

રાત્રીસભામાં ગામલોકોએ વિવિધ પ્રશ્નો કર્યા હતા. જેમાં સસ્તા અનાજની દુકાનમાં પુરતો માલ આવતો નથી. ડેમનો પ્રશ્ન તથા વીજ પ્રશ્નો રજૂ કર્યા. આ પ્રશ્નોનું ત્વરીત નિરાકરણ કરવા કલેકટરશ્રીએ સબંધીત અધિકારીશ્રીઓને સુચના આપી હતી.

(12:05 pm IST)