Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

'પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા'ની મુવમેન્ટ વચ્ચે ગુજરાતના વૈજ્ઞાનિકોએ શોધ્યું 'બાયો પ્લાસ્ટિક': ચેરીયામાંથી મળ્યો 'ડીગ્રેડબલ' પ્લાસ્ટિકનો વિકલ્પ

કચ્છની સંસ્થા 'ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી'ના વૈજ્ઞાનિકો દ્વારા લેબોરેટરીમાં 'બાયોપ્લાસ્ટિક' નું સફળ પરીક્ષણ, વ્યવસાયિક ઉપયોગ શકય

ભુજ,તા.૧૯: પર્યાવરણની રક્ષા માટે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વન ટાઈમ પ્લાસ્ટિક યુઝ' અંગે લોકોને જાગૃત બનવા હાકલ કરીને 'પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા' ની મુવમેન્ટ શરૂ કરી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પડકાર ગુજરાતના વૈજ્ઞાનિકોએ ઝીલી લીધો છે. કચ્છ મધ્યે પર્યાવરણ સુરક્ષા સંદર્ભે કામ કરતી જાણીતી સંસ્થા ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી 'ગાઇડ' ના વૈજ્ઞાનિકોએ પ્લાસ્ટિક સામે 'બાયો પ્લાસ્ટિક'ની શોધ કરીને પર્યાવરણ ક્ષેત્રે એક નવી ક્રાંતિ સર્જી છે.

આ અંગે ભુજમાં કાર્યરત ગાઈડ સંસ્થાના ડાયરેકટર અને વૈજ્ઞાનિક ડો. વિજયકુમારે 'અકિલા'સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, દરિયાઈ ચેરીયામાંથી મળી આવેલા બેકટેરિયામાંથી 'બાયો પ્લાસ્ટિક' બની શકે છે. સતત ત્રણ વર્ષની સદ્યન મહેનત બાદ ચેરીયાના પાનમાંથી મળી આવેલા 'માઇકોબ્સ'(માઇક્રોસ્કોપમાં જ દેખાઈ શકે તેવા સૂક્ષ્મ બેકેરિયા) નું વૈજ્ઞાનિક ડો. જી. જયંતી દ્વારા સંશોધન તેમ જ વૈજ્ઞાનિક ડો. કે. કાર્તિકેય દ્વારા પરીક્ષણ કરાયા બાદ લેબોરેટરીમાં 'બાયો પ્લાસ્ટિક' બનાવવામાં સફળતા મળી છે. પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી દેશ વિદેશની નામાંકિત સંસ્થાઓ સાથેનો બહોળો અનુભવ ધરાવતા સીનીયર વૈજ્ઞાનિક ડો. વિજયકુમારના જણાવ્યા પ્રમાણે તેમની ગાઈડ સંસ્થાની લેબોરેટરીમાં ચેરીયાના બેકટેરિયામાં મળેલાં 'હેલોટોલરેન્ટ'માઇક્રોબીઅલ એન્ડોપાઇટ્સ' માંથી આ બાયો પ્લાસ્ટિક બનાવાયું છે. ચેરીયામાંથી મળેલા કુલ નવ પ્રકારના બેકટેરિયાઓનું સંશોધન કરાયા બાદ જે બેકટેરિયામાં થી વધુ પ્લાસ્ટિક (PHA, પોલિહાઇડ્રોકસી અલકાનોએટ) મળવાની શકયતા છે.

 તે બેકટેરિયાના જિન (પ્રજાતિ) વિશે વધુ જાણકારી મેળવવા તેને પરીક્ષણ માટે GSBTM (ગુજરાત સ્ટેટ બાયો ટેકિનકલ મિશન) ની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું છે. આ સંશોધન વિશે'અકિલા'ની વધુ જાણકારી આપતા વૈજ્ઞાનિક ડો. કાર્તિકેય કહે છે કે, એક વાર બેકટેરિયાનું નિર્માણ લેબોરેટરીમાં પણ કલ્ચર પ્રોસેસ દ્વારા હજારોની સંખ્યામાં થઈ શકે છે.

જે પ્રયોગ એમણે બાયોપ્લાસ્ટિક બનાવવા માટે કર્યો છે. એટલે, બાયો પ્લાસ્ટિકનું રો મટીરીયલ લેબોરેટરીમાં જ બેકટેરિયામાંથી બની શકશે. આ બાયો પ્લાસ્ટિકની શોધ કરનાર મહિલા વૈજ્ઞાનિક ડો. જયંતિ 'અકિલા'ના કહે છે કે, આ પ્લાસ્ટિક 'ડિગ્રેડબલ' છે, એ વાતાવરણમાં પોતાની મેળે ઓગળી જાય છે. એટલે તે પર્યાવરણને નુકસાનકર્તા નથી.

વળી, આ બાયો પ્લાસ્ટિક માટેના બેકટેરિયા ચેરીયાના પાન માંથી મળી જાય છે, એના માટે ચેરીયાનો નાશ કરવાની જરૂર નથી, એકવાર બેકટેરિયા મળી ગયા બાદ તેનું નિર્માણ લેબોરેટરીમાં શકય છે. એટલે 'બાયો પ્લાસ્ટિક' સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી છે. અત્યારે લેબોરેટરીમાં બનેલ 'બાયો પ્લાસ્ટિક'ની પોલીફિલ્મ પછી હવે એનો વ્યવસાયિક ઉપયોગ કરવા વધુ સંશોધનની જરૂરત ઉપર ભાર મુકતા ડો. વિજયકુમાર કહે છે કે, આ બાયોપ્લાસ્ટિકનો ઉપયોગ અત્યારે વપરાતા પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે સંપૂર્ણપણે થઈ શકે તેમ છે.

અમે પ્રાથમિક સફળતા મેળવી છે, પણ, વ્યવસાયિક ઉપયોગના પરિક્ષણની પ્રક્રિયા અને ખર્ચ વધુ હોઈ તે માટે સરકાર દ્વારા પણ પ્રયાસો થાય તો બાયોપ્લાસ્ટિકનું નિર્માણ અને વપરાશ દેશ દુનિયામાં પર્યાવરણ ક્ષેત્રે ક્રાંતિ આણશે. ગુજરાતના નિવૃત પૂર્વ વરિષ્ઠ સનદી અધિકારી સુધીર માંકડના ચેરમેન પદે કાર્યરત ગાઈડ સંસ્થાએ કચ્છમાં ચેરીયાના સંરક્ષણ તેમ જ બન્નીના ઘાસિયા મેદાનો ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે.

(12:03 pm IST)