Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

પિતાના ફુલ પધરાવીને આવ્યાના બીજા દિવસે પુત્રને કાળ ભેટ્યોઃ અણીયારાના કોળી પરિવારમાં કલ્પાંત

ખારચીયા પાસે રિપેરીંગ ચાલતું હોઇ વિજળીનો તાર બાઇકમાં ફસાતાં બે મિત્રો ફંગોળાયાઃ એ પછી ગેસના ટેન્કરનું વ્હીલ ફરી વળતાં ૩૦ વર્ષના લાલજી મોરવાડીયાએ દમ તોડ્યો : બાઇકસ્વાર બે યુવાનને બચાવવાના પ્રયાસમાં ટેન્કર એક યુવાનને ઠોકરે લઇ ગોથુ ખાઇ રોડ નીચે ઉતરી ગયું: ગેસ લિકેજ થતાં ૩ ગામમાં વિજપુરવઠો ઠપ્પ કરવો પડ્યો

ઘટના સ્થળે ઉંધુ વળેલુ ગેસનું ટેન્કર, બાઇક, તેમાં ફસાયલો વિજ તાર, લાલજીનો નિષ્પ્રાણ દેહ અને ઘટના સ્થળે પોલીસ તથા લોકોના ટોળા જોઇ શકાય છે. તસ્વીર ત્રંબાથી જી.એન. જાદવે મોકલી હતી.

રાજકોટ તા. ૧૯: સરધારના ખારચીયા નજીક સાંજે સાડા છએક વાગ્યે અણીયારાના બે કોળી મિત્રો બાઇક પર બેસીને જતાં હતાં ત્યારે ત્યાં લાઇટ રિપેરીંગનું કામ ચાલુ હોઇ તેનો તાર રોડ પર રખાયો હોઇ તે બાઇકમાં ફસાતાં બંને મિત્રો ફંગોળાઇ ગયા હતાં. એ દરમિયાન સામેથી ગેસનું ટેન્કર આવતું હોઇ તેના ચાલકે ફંગોળાયેલા બંનેને બચાવવાનો પ્રયાસ કરતાં એક યુવાનને ઠોકરે ચડાવી ટેન્કર રોડ સાઇડમાં ગોથું ખાઇ ગયું હતું અને ગેસ લિકેજ થતાં આસપાસના ગામોમાં ભય ફેલાઇ ગયો હતો. બનાવમાં અણીયારાના કોળી યુવાન લાલજી બાબુભાઇ મોરવાડીયા (ઉ.૩૦)નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. કરૂણતા એ છે કે આ યુવાનના પિતાનું હજુ એક મહિના પહેલા જ મૃત્યુ થયું હતું અને હજુ પરમ દિવસે જ તે પિતાજીના ફુલ પધરાવીને આવ્યો હતો અને ગઇકાલે તેને કાળ ભેટી ગયો હતો. એક જ મહિનામાં પરિવારના પિતા-પુત્ર બંનેના મોતથી કલ્પાંત સર્જાયો છે.

જાણવા મળ્યા મુજબ અણીયારા રહેતો અને છુટક મજૂરી કરતો લાલજી બાબુભાઇ મોરવાડીયા (કોળી) (ઉ.૩૦) સાંજે કામ સબબ પોતાનું બાઇક જીજે૦૩ડીએચ-૮૪૬૨ હંકારી ખારચીયા કામ સબબ જઇ રહ્યો હતો. સાથે તેનો મિત્ર પરેશ માધાભાઇ વાટીયા (ઉ.૨૩) પણ હતો. બંને ખારચીયા નજીક માધવ હોટેલ સામે પહોંચ્યા ત્યારે લાઇટ રિપેરીંગનું કામ ચાલુ હોઇ રોડ પર તાર બીછાવેલા હતાં. જેથી લાલજીએ તારથી બચવા સામેની સાઇડમાં હોન્ડા હંકાર્યુ હતું. પરંતુ ત્યાં પણ એક તાર હોઇ તે બાઇકમાં ફસાઇ જતાં બંને ફંગોળાઇ ગયા હતાં.

એ વખતે જ સામેથી ગેસનું ટેન્કર જીજે૦૧બીવી-૧૨૦૦ આવતું હોઇ તેના ચાલકે અચાનક રોડ વચ્ચે ફેંકાઇ ગયેલા બાઇકસ્વાર બંનેને બચાવવા ટેન્કરને જોરદાર બ્રેક લગાવી કાવો મારવા પ્રયાસ કર્યો હતો. પરંતુ લાલજી ટેન્કરના વ્હીલની ઠોકરે આવી જતાં ગંભીર ઇજા થઇ હતી અને ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ટેન્કર રોડ નીચે ઉતરી પલ્ટી ખાઇ ગયું હતું. બાઇક ફંગોળાતાં પરેશ વાટીયાને પણ ઇજા થઇ હતી. અકસ્માત બાદ ટેન્કરનો ચાલક ટેન્કર રેઢુ મુકી ભાગી ગયો હતો.

ગેસ લિકેજ થવા માંડતા આસપાસના ગામોમાં ભય ફેલાઇ ગયો હતો. પોલીસ, પીજીવીસીએલની ટીમ, એસડીએમની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. વિજતંત્રએ તકેદારી રૂપે આસપાસના ત્રણ ગામનો વિજ પુરવઠો ઠપ્પ કરી દીધો હતો. ડિઝાન્સ્ટશ ખાના પ્રિયાંકસિંઘ તેમજ પ્રાંત અધિકારી-૨ જે.એમ. જેગોડા સહિતના પોતાની ટીમ સાથે પહોંચ્યા હતાં. લિકેજ ગેસને બીજા ટેન્કરમાં ભરવા માટે તજવીજ થઇ હતી. આ અકસ્માતને કારણે આ રસ્તા પર ટ્રાફિક જામ પણ થઇ જતાં આજીડેમ પોલીસે કલીયર કરાવ્યો હતો.

પીએસઆઇ આર.વી. કડછાએ અણીયારાના પરેશ વાટીયાની ફરિયાદ પરથી ટેન્કર ચાલક સામે ગુનો નોંધ્યો છે. કરૂણતા એ છે કે મૃત્યુ પામનાર લાલજીના પિતા બાબુભાઇનું હજુ ગયા મહિને જ મૃત્યુ થયું હતું. પરમ દિવસે જ તેના ફુલ પધરાવવા લાલજી ગયો હતો અને ગઇકાલે તે પણ કાળનો કોળીયો બની જતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. તે બે ભાઇ અને બે બહેનમાં મોટો હતો. તેના મોતથી બે માસુમ પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવી છે.

(11:59 am IST)