Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

જામનગર જીલ્લામાં ભૂકંપના આંચકાઃ મકાનોમાં તિરાડો-પોપડા પડયા

રાત્રીના બાંગા, ખાનકોટડા, નાના થાવરીયા સરાપાદર સહિતના ગામોની ધરા ધ્રુજી

તસ્વીરમાં મકાનમાં પડેલી તિરાડો અને ભૂકંપ બાદ ગ્રામજનો બહાર બેઠેલા નજરે પડે છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા જામનગર)

 જામનગર તા. ૧૯ : જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં ફરીવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે કાલાવડ પંથકમાં બપોરે ૧ર-૩૦ વાગ્યા આસપાસ આંચકા અનુભવાયા બાદ ે રાત્રે ૯-૩૬ વાગ્યા આસપાસ તાલુકાના ખાનકોટડા, બાંગા, સરપાદરા, વાગડીયા મતવા, કૃષ્ણપુર, નાના થાવરીયા અને વિજરખી સહિતના ગામોમાં ભેદી ધડાકા સાથે ભૂકંપના આંચકા અનુભવાયાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. જો કે હજુ સુધી તંત્ર દ્વારા સત્તાવાર સમર્થન મળ્યું નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે કાલાવડ તાલુકાના વિજરખી અને ખાનકોટડા આસપાસના ગામોમાં અવાર નવાર ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યો છે ત્યારે લોકોમાં ગભરાહટનો માહોલ જોવાઇ રહ્રયહ્યો છે.

જામનગરના બાંગા, ખાનકોટડા, નાના થવારીયા, સરાપાદર, વાગડીયા, કૃષ્ણપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં શુક્રવારે રાત્રે ૯-૩૬ આસપાસ ધડાકાભેર અવાજ સંભળાયો હતો આ અવાજ ધરતીકંપનો હોવાનું સ્થાનિકોએ મહેસુસ કર્યાનું જણાવ્યું હતું. બાંગ ગામના ગ્રામજનો મોડી રાત્રે ઘરની બહાર નીકળી ગયા હતા અને કેટલાક મકાનોમાં તિરાડો અને પોપડાઓ પણ પડયા છે.

જામનગરમાં ર૪ કલાકમાં પાંચ સહિત સૌરાષ્ટ્રમાં ભૂકંપના ૧૦ આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તાજેતરમાં જ જામનગરની ધરા ભૂકંપને કારણે ધ્રુજી હતી ત્યારે ર૪ કલાકમાં ભૂકંપના પાંચ આંચકા આવતા ધરતી કંપી ઉઠી હતી.

ગુરૂવારે મોડી રાત્રે ૩ વાગ્યે જામનગરથી ર૯ કી.મી. દૂર રિકટર સ્કેલ પર ર.૯ મેગ્નીટયુડનો આંચકો નોંધાયો હતો. આ જ રીતે શુક્રવારે બપોરે ૧ર વાગ્યે જામનગરથી ર૬ કી.મી. દૂર ૩.રનો આંચકો, બપોરે ૧.૩પ વાગ્યે જામનગરથી ર૩ કી.મી. દૂર ર.પનો આંચકો, રાત્રે ૯.ર૩ વાગ્યે જામનગરથી ર૬ કી.મી. દૂર ર.૪ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અને છેલ્લે રાત્રે ૯.૩પ વાગ્યે જામનગરથી ર૭ કી.મી. દૂર ૩.૧ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જામનગર ઉપરાંત કચ્છમાં ભૂકંપના બે આંચકા આવ્યા હતાં.

(11:36 am IST)