Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

સોમવારથી રાજયનાં ૧૧ હજાર તલાટી મંત્રીઓની અચોકકસ મુદતની હડતાલ

પગાર ધોરણ સહિતના પ્રશ્ને ન્યાય આપવા માંગણી

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૧૯: રાજય ભરના તલાટી મંત્રીઓની પગાર ધોરણ સહિતની માંગોનો રાજય સરકાર દ્વારા યોગ્ય ઉકેલ ન આવતા આગામી તા. ૨૨થી૧૧ હજાર તલાટી મંત્રીઓ અચોકકસ મૂદતની હડતાલ ઉપર ઉતરી જશે.

આ અંગે જસદણ તાલુકા તલાટી મંત્રી મંડળના પ્રમુખ પ્રતાપભાઇ ધાધલ અને હોદ્દેદાર હેમંતભાઇ રાવલે જણાવ્યું હતું કે ઘણા વખતથી અમારી પગાર ધોરણ સહિતની અનેક યોગ્ય માંગણીઓના રાજય સરકાર નિકાલ ન કરતી હોય આગામી ૨૨ તારીખથી ગુજરાતના ૧૧ હજાર તલાટી મંત્રીઓ અચોકકસ મુદત સુધી હડતાલ ઉપર ઉતરી માંગણીઓ પુરી કરવા સરકાર ઉપર દબાણ લાવશે.

તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણેક મહિનાથી અમે સરકાર સામે તે ગત ૧૦ સપ્ટેમ્બરે કાળી પટ્ટી ધારણ કરી હતી. ત્યાર ૧૭ સપ્ટેમ્બરના રોજ રાજય ભરમાં તલાટીઓએ પેન ડાઉન કર્યુ હતું અને છેલ્લા ૨૯ સપ્ટેમ્બરના રોજ ૧૧ હજાર તલાટીઓ માસ.સી.મુકી વિરોધ દર્શાવ્યો હતો. રાજયનાં પ્રતિનિધિ મંડળે સરકાર સાથે મંત્રણાઓ કરી હતી તેમા સરકાર દ્વારા યોગ્ય ઉકેલની ખાત્રી પણ અપાઇ હોવા છતા આજ સુધી કોઇ ઉકેલ ન આવતા આગામી તા.૨૨ થી અચોકકસ મુદત સુધી હડતાલ ઉપર જવાની જાહેરાત કરી છે.આ અંગેની જાણ જીલ્લાના તલાટી મંત્રી મંડળ દ્વારા લાગતા-વળગતા ઉચ્ચ અધિકારીઓને પણ કરી દેવામાં આવી છે.

જો સોમવાર પહેલા આ અંગે યોગ્ય ઉકેલ નહી આવે તો ગામડામાં વહીવટી કામગીરી ઠપ્પ થઇ જશે.(૨૨.૧૪)

(3:40 pm IST)