Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

સોેરાષ્ટ્ર-કચ્છમાં શસ્ત્રપૂજન સાથે વિજયાદશમીની ઉજવણી

ક્ષત્રિય સમાજ દ્વારા ગામે-ગામ ઉજવણીઃ બાઇક રેલી સહિતના કાર્યક્રમો યોજાયા

પ્રથમ તસ્વીરમાં પાટણ વાવમાં ગરબીમા શસ્ત્રપૂજન, બીજી-ત્રીજી તસ્વીરમાં ઉપલેટા, ચોથી તસ્વીરમાં કોટડા સાંગાણી, પાંચમી તસ્વીરમાં ધોરાજી અને છઠ્ઠી તથા સાાતમી તસ્વીરમાં ભાવનગરમાં શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો તે નજરે પડે છે.

રાજકોટ તા. ૧૯ :.. ગઇકાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વિજયાદશમી પર્વ અંતર્ગત શસ્ત્ર પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતાં.

ભાવનગર

ભાવનગર : ગરાસીયા ક્ષત્રીય સમાજ દ્વારા શસ્ત્રપૂજન કરાયુ હતું. અને ક્ષત્રીય સમાજ દ્વારા વિશાળ રેલી યોજાઇ હતી.

ભાવનગરમાં દશેરાનાં પર્વે ગરાસીયા ક્ષત્રીય સમાજ દ્વારા શસ્ત્ર પૂજાની પરંપરા રહી છે જે મુજબ આજે શહેરનાં નવાપરા દરબાર બોર્ડીંગ ખાતે ભાવનગરનાં યુવરાજ જયવિરરાજસિંહજી ગોહીલ તેમજ ક્ષત્રીય સમાજનાં પ્રમુખ, આગેવાનો, મહાનુભાવો, કાર્યકર્તાઓ દ્વારા શસ્ત્રોનું પૂજન કરાયું હતું. આ ઉપરાંત ક્ષત્રીય સમાજની મહિલાઓ દ્વારા પણ શસ્ત્રનું પુજન કરાયુ હતું.

શસ્ત્ર પૂજન પૂર્વે શહેરનાં ગાયત્રી મંદિર થી વિશાળ બાઇક રેલી યોજાઇ હતી જેમાં યુવરાજ જયવિરરાજસિંહજી ગોહીલ તથા  આગેવાનો પરંપરાગત પોશાકમાં માથે સાફા સાથે ખુલ્લી જીપમાં સવાર થઇ જોડાયા હતાં. જયારે ક્ષત્રીય સમાજનાં યુવા કાર્યકર્તાઓ બાઇક પર સવાર થઇ રેલીમાં જોડાયા હતાં. ભાજપનાં આગેવાનો રાજેન્દ્રસિંહજી રાણા, વનરાજસિંહ ગોહીલ, કોંગ્રેસના અગ્રણી શકિતસિંહજી ગોહીલ, લાલભા ગોહીલ વિગેરે શસ્ત્રપૂજનમાં જોડાયા હતાં.

પાટણવાવ

પાટણવાવ : વિજયા દશમી નિમિતે શસ્ત્ર પૂજન ગુરૂવારના રોજ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ પાટણવાવ દ્વારા ગૌ સેવા સમાજ ગરબીમાં જાહેર શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો. જેમાં ગ્રામજનો તેમજ ગરબીના સંચાલકો, બાળાઓએ શકિતપૂજા કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ઉપલેટા

ઉપલેટા : દર વર્ષની જમે આ વર્ષે પણ ક્ષત્રિય સમાજ દ્વારા રેલી કાઢવામાં આવેલ. જેમાં ક્ષત્રિય સમાજના બાળકો, યુવાનો, વૃદ્ધો આ રેલીમાં જોડાયા હતા. આ રેલી રાજપૂત સમાજેથી શરૂ થઇ શહેરના મુખ્ય માર્ગો બસ સ્ટેન્ડ ચોક, રાજમાર્ગ, ગાંધી ચોક, પાંજરાપોળ ચોક થઇ રેલ્વે સ્ટેશન પાસે આવેલ ખીજડાએ શસ્ત્ર પૂજન કરી રેલી સંપન્ન થયેલ. આ પ્રસંગે વિવિધ સમાજના આગેવાનો દ્વારા આ રેલીનું વિવિધ સ્થળોએ સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે ન.પા. પ્રમુખ દાનાભાઇ ચંદ્રવાડીયા કડવા પટેલ સમાજના અશોકભાઇ માકડીયા, નિકુલભાઇ ચંદ્રવાડીયા, ગોવિંદભાઇ બારૈયા, મનોજભાઇ નંદાણીયા, ભાયાભાઇ વસરા, અશોકભાઇ ડેર વગેરેએ સન્માન કરેલ હતું.

ક્ષત્રિય સમાજના પ્રમુખ રણુભા જાડેજા, જયદેવસિંહ વાળા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ઇન્દ્રવિજયસિંહ જાડેજા, બહાદુરસિંહ જાડેજાની આગેવાનીમાં કોલકી રોડ એક રેલીના રૂપમાં ઉપલેટા શહેર તથા તાલુકાના ક્ષત્રિયો બસ સ્ટેન્ડ ચોક-ગાંધી ચોક થઇને ખીજડા શેરીએ પહોંચેલ હતાં. જયાં તમામ ક્ષત્રિયોએ પોતાના શસ્ત્રોનું પૂજન કરી પરંપરા  નિભાવી હતી.

ધોરાજી

ધોરાજી : દરબારગઢ ખાતે આવેલ ઐતિહાસીક આશાપુરા માતાજીના મંદિર ખાતે વર્ષોથી રાજપૂત પરીવાર દ્વારા દસેરા નીમિતે માતાજીના મંદિર ધોરાજી શહેર અને તાલુકામાંથી રાજપૂત પરીવારના સભ્યો દ્વારા શસ્ત્રપૂજન કરાયું હતું. આ તકે રાજવી બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોકવિધીથી શસ્ત્રોનું પૂજન કરાયુ હતું. અને પૂજા અર્ચના અને મહાઆરતી યોજાઇ હતી. અને રાજપૂત સમાજના પ્રમુખ પ્રવિણસિંહ જાડેજાએ જણાવેલ કે આશાપુરા  માતાજીના મંદિર હવન અને શસ્ત્ર પૂજામાં તમામ રાજપૂત સમાજનાં આવેલ તમામ વડીલોને આવકારેલ હતા અને પ્રસાદ વિતરણ કરાયું હતું.

કોટડાસાંગાણી

કોટડાસાંગાણીઃ તાલુકાના ક્ષત્રીય સમાજ દ્વારા દશેરા નીમીત્તે શસ્ત્રપુજન કરવામાં આવ્યુ હતુ અને તમામ ક્ષત્રીય સમાજના ભાઇઓને દશેરાની શુભકામના પાઠવી હતી. સાથે જ કોટડાસાંગાણી તાલુકા ક્ષત્રીય સમાજની એકતા રેલી બસ સ્ટેન્ડથી દરબાર ગઢ સુધી યોજાઇ હતી. જેમાં તાલુકાભરના ક્ષત્રીય સમાજના ત્રણ સૌી વધુ આગેવાનો અને યુવાનો જોડાયા હતા. દરબારગઢ ખાતે શસ્ત્રોનું વિધીવત રીતે પૂજન કરી દશેરાની ઉજવણી કરાઇ હતી અને સમાજમાં હંમેશા મીઠાસ જળવાઇ રહે તેવા હેતુથી યુવાનોએ મોં મીઠા કર્યા હતા.

 

(11:59 am IST)