Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

ઉપલેટામાં મળેલ પાર્સલ બોંબ અમરેલીથી રવાના કરાયો'તો? પોલીસને મહત્વની કડી મળી...

એસપી બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ અડધો ડઝન ટુકડીઓ દ્વારા તપાસનો ધમધમાટઃ રપ થી ૩૦ શખ્સોની પુછતાછ કરાઇઃ ટુંકમાં ભેદ ઉકેલાય તેવી વકી

રાજકોટ, તા., ૧૯: ઉપલેટાની ક્રિષ્ના  શિક્ષણ સંકુલમાં ગત ૧૬મીેએ મળી આવેલ પાર્સલ  બોંબ  પ્રકરણમાં અલગ-અલગ દિશામાં તપાસનો ધમધમાટ ચાલુ છે ત્યારે આ પાર્સલ બોંબ અમરેલીથી રવાના કરાયો હોવાની શંકાએ પોલીસે એક શખ્સની પુછતાછ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ઉપલેટામાં જુના પોરબંદર રોડ ઉપર આવેલ ક્રિષ્ના શૈક્ષણીક સંકુલના પ્રિન્સીપાલ કમ ટ્રસ્ટી  વલ્લભભાઇ  રત્નાભાઇ ડોબરીયાને કોઇ અજાણ્યા શખ્સે કુરીયર મારફત પાર્સલ બોંબ મોકલ્યો હતો. આ અંગે  પોલીસની જાણ કરાતા પોલીસે તુર્ત જ આ બોંબને સલામત સ્થળે લઇ જઇ  ડીફયુઝ  કરી નાખ્યો હતો. બીજી બાજુ આ પાર્સલ બોંબ સ્કુલના ટ્રસ્ટી વલ્લભભાઇ ડોબરીયા તથા તેના પરીવારને નુકશાન પહોંચાડવાના ઇરાદે જ મોકલાયો હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલતા પોલીસે આ પાર્સલ બોંબ મોકલનાર કોણ? તે અંગે તપાસ હાથ ધરી હતી.

દરમિયાન આ બોંબ પ્રકરણની તપાસમાં પોલીસની એક ટુકડીએ રાજકોટ અને અમરેલી  એસટી ડેપોના સીસીટીવી ચેક કરતા તેમાં એક શંકાસ્પદ શખ્સ પાર્સલ સાથે જોવા મળતા આ શખ્સને પોલીસે ઉઠાવી લઇ પુછતાછ હાથ ધરી છે. આ શખ્સ રાજકોટ એસટી બસમાં બેસીને અમરેલી ડેપોએ ઉતર્યો હતો અને અમરેલીથી ઉપલેટા માટેનું કુરીયર મોકલાવ્યું હોવાનું ખુલતા આ શંકાસ્પદ શખ્સને પોલીસે ઉઠાવી લઇ આકરી પુછતાછ હાથ ધરી છે.  બીજી બાજુ રૂરલ એસપી બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ રૂરલ એલસીબીની ર ટીમો, રૂરલ એસઓજીની ર ટીમો, ઉપલેટા પોલીસની ૧ ટીમ તથા જેતપુર ડીવાયએસપીની ૧ ટીમ મળી કુલ અડધો ડઝન પોલીસની ટીમો દ્વારા શંકાસ્પદ રપ થી ૩૦ શખ્સોની પુછતાછ હાથ ધરાઇ હતી. બોંબ પ્રકરણનો ટુંક સમયમાં ભેદ ઉકેલાઇ જાય તેવી વકી છે. (૪.૩)

 

(11:51 am IST)