Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

ભાવનગરમાં સાંજે બે જગ્યાએ રાવણ દહન-આતશબાજી

સૌરાષ્ટ્ર-કચ્છમાં દશેરા પર્વ નિમિત્તે રાવણદહન કરાયું : કોડીનારમાં કાર્યક્રમ મોકૂફ રખાતા રોષ

પ્રથમ અને બીજી તસ્વીરમાં ગોંડલમાં અને ત્રીજી તસ્વીરમાં ધોરાજીમાં આયોજીત રાવણ દહન કાર્યક્રમની ઝલક (તસ્વીર : અશોક જોષી-ગોંડલ, કિશોર રાઠોડ-ધોરાજી)

રાજકોટ, તા. ૧૯ : નવલા નોરતા પૂર્ણ થતાં દશેરા પર્વની રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉજવણી કરવામાં આવી હતી અને ઠેર ઠેર રાવણદહન સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. આજે સાંજે ભાવનગરમાં સાંજે ર જગ્યાએ રાવણ દહન-આતશબાજી કરવામાં આવશે.

ભાવનગર

ભાવનગર : જવાહર મેદાન ખાતે અને ચિત્રા માર્કેટીંગયાર્ડ ખાતે શુક્રવાર સાંજે દશેરા નિમિતે રાવણ દહણનો કાર્યક્રમ ઉજવાશે.

સીંધી સમાજ દશેરા મહોત્સવ સમિતિ દ્વારા ભવ્ય આતશબાજી તથા રાવણ દહણનો કાર્યક્રમ શુક્રવારના રોજ સાંજે ૬ કલાકે શહેરમાં ગધેડીયા ફિલ્ડ (જવાહર મેદાન) ખાતે યોજાશે. જેમાં સંતો-મહંતો-રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. જયારે ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી પ્રેરિત અને બજરંગ વિકાસ સમિતિ આયોજીત વિજયાદશમી મહોત્સવ-રાવણ દહનનો કાર્યક્રમ ચિત્રા માર્કેટીંગ યાર્ડ ખાતે સાંજે ૬ વાગ્યે યોજાશે. સાથોસાથ સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમનું પણ આયોજન કરાયેલ છે. રાવણ દહણ કાર્યક્રમ નિહાળવા શહેર તથા આજુબાજુના ગામોમાંથી માનવ મેદની ઉમટી પડશે.

ગોંડલ

ગોંડલ : દશેરાનું રાવણ દહન અહીં સંગ્રામજી હાઇસ્કૂલમાં દશેરાના દિવસે રાવણ દહનનું આયોજન થયું હતું. રાણવનું મોટુ પૂતળુ ઉભુ કરી દહનનો કાર્યક્રમ રાખલ હતો. ફટાકડાની તડાફડી વચ્ચે રાવણ દહન થયું હતું. બાળકોને તડાફડી ફટાકડાની રંગબેરંગી બઘડાડી વચ્ચે આનંદ આવી ગયો હતો. બહુજ ગીર્દી વચ્ચે ગોંડલની પ્રજાએ શાંતિથી રાવણ દહનના કાર્યક્રમ નિહાળેલ હતાં.

ધોરાજી

ધોરાજી : હિન્દુ યુવક સંઘ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી બાપુના બાવલા ચોક ખાતે રાવણ દહનનો રોમાંચક કાર્યક્રમ રાખવામાં આવે છે. જેમાં વર્ષોથી વિઠ્ઠલભાઇ રાદડીયા દ્વારા રાવણ દહન કરાતુ હતુ અને હવે તેમના પુત્ર અને ગુજરાતના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના વરદ હસ્તે રાવણ દહન કરાઇ છે. ત્યારે વિજયા દશમીની રાતના ૮ કલાકે હિન્દુ યુવક સંઘના હરકીશન માવાણી વિગેરે  ટીમ દ્વારા દશ માથા ધારી રાવણને બાપુના બાવલા ચોક ખાતે રાવણ દહનનો કાર્યક્રમ રાખે છે. જેમાં સાંજે ૪ કલાકે રાવણને જાહેરમાં રાખવામાં આવે છે બાદ એક કલાક ભારે આતશબાજી બાદ રાત્રીના ૮ કલાકે ગુજરાતના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના વરદ હસ્તે રાવણ દહન કરાયુ હતું.

આ પ્રસંગે હરકિશન માવાણી, રણછોડભાઇ કોયાણી, વી. ડી. પટેલ, કાન્તીભાઇ જાગાણી, વિનુભાઇ વૈષ્ણવ (રામ) કિશરોભાઇ રાઠોડ, કે. પી. માવાણી, ડી. જી. બાલધા, વિપુલ ઠેસીયા, ગોવિંદભાઇ રાણપરીયા (રાજકોટ ડેરી) સહિત ધોરાજી ભાજપના અગ્રણીઓ રાવણ દહન કાર્યક્રમમાં જોડાયા હતાં.આ સમયે મોટી સંખ્યામાં લોકો રાવણ દહન કાર્યક્રમ નિહાળયો હતો.

કોડીનાર

કોડીનાર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોની પરંપરાગત રીતે ઉજવાતો સમગ્ર સૌરાષ્ટ્રભરમાં મશહુર વિજયાદશમી રાવણ દહનનો કાર્યક્રમ છેલ્લા ર વર્ષની ભવાની યુવક મંડળ અને વિજયા દશમી મહોત્સવ સમિતિ દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવે છે. બે કે ત્રણ વર્ષ પહેલા ટીખરખોરો અને અસામાજીક તત્વોનાં ત્રાસથી રાવણ દહન કાર્યક્રમ બંધ કરાયા બાદ કોઇપણ ધાર્મિક સંસ્થા - સામાજીક સંસ્થા કે રાજકીય સામાજીક આગેવાનો એ વિજયાદશમી રાવણ દહનનો કાર્યક્રમ ફરીવાર શરૂ કરવા આ યુવક મંડળોને પ્રોત્સાહીત કરવા આગળ ન આવતા સમગ્ર સૌરાષ્ટ્રનો નમુનેદાર રાવણ દહનનો કાર્યક્રમ ભુતકાળ બની રહ્યો છે ત્યારે તંત્રએ પણ તેની નૈતિક ફરજ સમજી  કોડીનારમાં રાવણ દહનનો કાર્યક્રમ ફરી શરૂ કરાવવા આગળ આવે તેવુ ધર્મપ્રેમીઓમાં માંગણી ઉઠવા પામી છે. કોડીનારમાં રાવહ દશન કાર્યક્રમ મોકૂફ રહેવાના કારણે બજારો સુમસામ ભીસતા ફરસાણનાં વેપારીઓની ભારે મોટો ફટકો લાગ્યો છે.

(11:50 am IST)