Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

દ્ધારકામાં ઈ-બાઈક અચાનક સળગતા નાસભાગ મચી

દ્વારકામાં આશ્ચર્યમાં મૂકી દેતી ઘટના બની : ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા આગ લાગવાની ઘટનામાં આખી બાઈક સળગી ઉઠી હતી

દ્વારકા,તા.૧૯ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં એક આશ્ચર્યમાં મૂકી દેતી ઘટના બની છે. આ ઘટના બાદ તમે ઈ-બાઈકની સવારી કરવી કે નહિ કરવી તે વિચારમાં પડી જશો. ખંભાળીયાના બેઠક રોડ પર એક ઈ-બાઇક સળગી ઉઠી હતી.  ખંભાળિયાના બેઠક રોડ પાસે આવેલ પુલ પર જ ઇ-બાઇક સળગી ઉઠી હતી. અચાનક જ ઈ-બાઇક સળગી ઉઠતા બાઇક ચાલકનો આબાદ બચાવ થયો હતો. ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા છે. જોકે, આગ લાગવાની ઘટનામાં આખી બાઈક સળગી ઉઠી હતી, માત્ર તેના પૂરજા જ બચ્યા હતા.  

    આગની ઘટના બાદ સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરાઈ હતી, જેથી ફાયર વિભાગે આવીને આગ બૂઝાવી હતી.  એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી જતા લોકો ઈ-બાઈક તરફ વળ્યા છે. એકવાર ચાર્જ કર્યા બાદ આ બાઈક લાંબો સમય સુધી રસ્તા પર દોડે છે. આ કારણે લોકો હવે ઈ-બાઈક તરફ વળ્યા છે. પરંતુ ઈ-બાઈકમાં શોર્ટ સર્કિટ થવાના અનેક કિસ્સા બનતા હોય છે. આ પહેલા કચ્છના અંજારમાં એક રહેણાંક મકાનમાં ઈ-બાઈક ચાર્જ કરવા દરમિયાન અચાનક બેટરીમાં બ્લાસ્ટ થતા આગ ભભૂકી ઉઠી હતી. જેમાં મોટાભાગનું ઘર આગની ઝપેટમાં આવી જતાં લાખોના નુકસાનાથી મધ્યમવર્ગીય પરીવારના માથે આભ તુટી પડયું હતું.

(7:56 pm IST)