Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

રાજકોટ જિ.ના ઉપલેટા ખાતે : સ્ટેશનરીમાંથી બનેલા વિઘ્નહર્તાનું વિસર્જન

ગરીબ વિદ્યાર્થીઓને આ વસ્તુઓ પ્રસાદીરૂપે ભેટમાં અપાશે: બાળકો માટે આશિર્વાદ રૂપ સાબિત થશે

રાજ્ય સરકાર દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી માટે મંજૂરી આપતા ઠેર ઠેર ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે દસમાં દિવસે એટલે કે અંતિમ દિવસે બાપાને ભારે હૈયે વિદાય આપવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે એક એવા ગણેશ ભગવાનનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં બાપાના વિસર્જનથી બાળકોને અભ્યાસ માટે ઉપયોગી વસ્તુનું સર્જન થયું છે. કારણ કે, અહીં બાપાની મૂર્તિ પેન્સિલ, ચેક રબ્બર, ફૂટપટ્ટી, વોટરકલર સહિત સ્ટેશનરીમાંથી બનાવવામાં આવી હતી. આજે વિસર્જન થતા આ વસ્તુઓ ગરીબ વિદ્યાર્થીઓને પ્રસાદીરૂપે ભેટમાં અપાશે.

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના જૂના બસ સ્ટેન્ડ પાસેના સિક્કા ગ્રુપ ઉપલેટા દ્વારા આયોજિત ગણપતિ ભગવાનની ખાસ અને ખૂબ ઉપયોગી એવી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ કે જે મૂર્તિનું આજે વિસર્જન થતા તેમાંથી વિદ્યાર્થીના અભ્યાસમાં ઉપયોગમાં લેવાતી વસ્તુનું સર્જન થયું છે. આ ગણપતિ મહારાજની મૂર્તિની ખાસિયત એ છે કે આ મૂર્તિ સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી છે કારણ કે, આ મૂર્તિની બનાવટ માટે ઘાસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને બાદમાં તેમના ઉપર વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓનો ઉપયોગ કરી અને મૂર્તિ તૈયાર કરવામાં આવી હતી.

ગણપતિની મૂર્તિ બનાવવા માટે વલસાડ જિલ્લાના ઉમરગામની એક સ્ટેશનરીની વસ્તુ બનાવતી કંપની દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણમાં ઉપયોગમાં લેવાતી સ્ટેશનરીની વસ્તુઓ વિનામૂલ્યે આપવામાં આવશે. જેમાં પેન્સિલ, ચેક રબ્બર, સંચા, ફૂટપટ્ટી, વોટર કલર તેમજ પેન્સિલ કલર સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે. જેનો સુંદર રીતે ઉપયોગ કરી અને આ ગણપતિ ભગવાનની ખાસ મૂર્તિ તૈયાર કરવામાં આવી હતી.

ગણપતિ બાપાની મૂર્તિના વિસર્જનમાં જ વિદ્યાર્થીઓના અભ્યાસ માટેના ઉપયોગમાં લેવાતી વસ્તુઓનું સર્જન થયું હતું. ઉપરાંત તેની સાથે સાથે અહીંયા વિધિવત રીતે માટીની નાની મંગલમૂર્તિનું વિસર્જન પણ કરવામાં આવ્યું હતું. મૂર્તિનું વિસર્જન કરી તેમાંથી નીકળેલી સ્ટેશનરીની વસ્તુ જરૂરિયાત મંદ અને સરકારી શાળાઓના બાળકોને પ્રસાદી સ્વરૂપે ભેટ આપવામાં આવશે અને મૂર્તિ બનાવતી સમયે ઉપયોગમાં લેવામાં આવતું ઘાસ પણ ગૌમાતાને સમર્પિત કરી દેવામાં આવ્યું છે.

ઉપલેટા શહેરના જૂના બસ સ્ટેન્ડ પાસે સિક્કા ગ્રુપ ઉપલેટા દ્વારા આ પ્રકારની મૂર્તિનું છેલ્લા આઠ વર્ષથી આયોજન કરવામાં આવે છે. ત્યારે આ મૂર્તિ ઇકો ફ્રેન્ડલી પણ છે અને સાથે-સાથે વિદ્યાર્થીઓના અભ્યાસમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓનો સર્જન કરનારી પણ છે.

(4:19 pm IST)