Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

પેટાચૂંટણી સંદર્ભે બેફામ લાઉડસ્પીકર વગાડવા તથા નામ-સરનામા વિનાના ચોપાનીયા પ્રસિધ્ધ કરવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લાની તાલુકા પંચાયત પેટા ચૂંટણી અન્વયે જાહેરનામું પ્રસિદ્ધ

મોરબી : મોરબી જિલ્લાની મોરબી તાલુકાની ૨૬-ત્રાજપર-૨ અને હળવદ તાલુકાની ૧૬-રણછોડગઢ તાલુકા પંચાયત મત વિસ્તારની ચૂંટણીને ધ્યાને લઇ મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન બેફામ અને મનસ્વી રીતે લાઉડસ્પીકર વગાડવા ઉપર પર પ્રતિબંધાત્મક આદેશ જારી કરાયા છે
ચૂંટણી સમય દરમિયાન રાજકીય પક્ષ/ઉમેદવારો/કાર્યકરો ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ મોટા પાયે કરતા હોય છે. ખૂબ ઉચા અવાજે પ્રચાર કરતા લાઉડસ્પીકરોના ઉપયોગને કારણે ખૂબ જ ધ્વનિ પ્રદુષણ થાય છે અને આમ જનતાની શાંતીમાં ખલેલ પહોંચે છે. જેથી ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન લાઉડસ્પીકર બેફામ અને મનસ્વી રીતે વગડવા ઉપર પ્રતિબંધ માટે મોરબી અધિક કલેકટર જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે.
જાહેરનામા અનુસાર કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ સક્ષમ અધિકારીની પરવાનગી મેળવીને સવારના ૦૬-૦૦ કલાકથી રાત્રીના ૧૦-00 કલાક સુધી જ થઈ શકશે. ચૂંટણી પ્રચાર માટે જાહેર મંચ ઉપર અથવા કોઈપણ પ્રકારના વાહન પર સક્ષમ અધિકારીની નિયમોનુસારની પરવાનગી મેળવ્યા સિવાય ચૂંટણી પ્રચાર અર્થે કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકર મુકી શકાશે નહીં અને પરવાનગી મેળવેલ વાહનો દ્વારા લાઉડ સ્પીકરના ઉપયોગ માટે સંબંધિત ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી પાસેથી તથા મોટર વ્હીકલ એકટ હેઠળ સક્ષમ અધિકારી પાસેથી નિયત નમૂનામાં અરજી કરીને વાહન પરમીટ પ્રથમ લેવાની રહેશે તથા વાહન પરમીટના હુકમમાં જણાવેલ તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે
કોઈપણ પ્રકારના લાઉડસ્પીકરના ઉપયોગ માટે પરવાનગી/પરમીટ મેળવ્યા પછી તેનો ઉપયોગ કરનારે તે વિસ્તારના પોલીસ મથકને અને સંબંધીત મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રીને તથા મદદનીશ ચૂંટણી અધિકારીને ઉપયોગ કરતા પહેલા લેખીતમાં જાણ કરવાની રહેશે, લેખીત પરવાનગી વગર કોઈપણ પ્રકારના લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે તો, ઉપયોગમાં લેવાયેલ લાઉડ સ્પીકર તથા લાઉડસ્પીકર મુકવા માટે ઉપયોગમાં લેવાયેલ તમામ સાઘનો કે ઉપકરણો જપ્ત કરવામાં આવશે. કોઈપણ મતદાન વિસ્તારમાં મતદાન સમાપ્ત કરવા માટે નિયત કરવામાં આવેલા સમયના ૪૮ કલાક પહેલાના સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારના લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાનો રહેશે નહીં.
મુદ્રક અને પ્રકાશકના નામ-સરનામા વિનાના ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિધ્ધ કરી શકાશે નહીં.
મુદ્રક અને પ્રકાશકના નામ-સરનામા વિનાના ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિધ્ધ કરી શકાશે નહીં
કોઇપણ વ્યકિત કે સંસ્થાને મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય તેવા ચૂંટણીને લગતા ચોપનીયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિધ્ધ કરી શકશે નહી. અથવા તો છપાવી કે પ્રસિધ્ધ કરાવી શકશે નહીં.
આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે પેટાચૂંટણીના પ્રચાર માટે ચોપાનીયા, ભીંતપત્રો, હેન્ડ બીલ, વગેરેનું ઉમેદવારો કે રાજકીય પક્ષો તરફથી છાપકામ કરાવી પ્રસિધ્ધ કરવામાં આવે છે. અને લોકોમાં વહેંચવામાં આવે છે. આવા દસ્તાવેજોમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, કોમ કે ભાષાને આગળ ધરીને મતદારોને અપીલ કરવી અથવા વિરોધી ઉમેદવારના ચારિત્ર ખંડન જેવી કોઇ ગેરકાનુની વાંધાજનક બાબત કે લખાણનો સમાવેશ થતો હોય તો સબંધિત વ્યકિત સામે આવશ્યક શિક્ષાત્મક કે નિયંત્રક પગલા લઇ શકાય તે માટે ચૂંટણીને લગતા ચોપાનીયા-ભીંતપત્રો વગેરેના મુદ્રણ અને પ્રકાશન પરના નિયંત્રણની ચૂસ્ત અમલવારી કરવી જરૂરી છે.
જે અંતર્ગત કોઇપણ વ્યકિત કે સંસ્થા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી શકશે નહી કે છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહી સિવાય કે, તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતી હોય તેવી બે વ્યકિતઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્રકને આપી હોય અને લખાણ છપાયા પછી મુદ્રકે ત્રણ દિવસમાં લખાણની એક નકલ સાથે એકરારપત્રની એક નકલ જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરીને તથા સબંધિત ચૂંટણી અધિકારીની કચેરીને મોકલવાની રહેશે. છાપેલા ચૂંટણી અંગેના કોઇ ચોપાનીયા કે ભીંતપત્રો કે આવી અન્ય સામગ્રી પર મુદ્રક પંક્તિમાં મુદ્રક અને પ્રકાશકના પુરા નામ, સરનામા અને ફોન, મોબાઇલ નંબર દર્શાવવાના રહેશે. મુદ્રકે પ્રકાશક પાસેથી મેળવેલ એકરારપત્ર જોડાણ-ક અને જોડાણ-ખ ના નિયત નમુનામાં છાપકામ કર્યાના ત્રણ દિવસની અંદર જિલ્લા મેજીસ્ટ્રેટ કચેરી તથા સબંધિત ચૂંટણી અધિકારીને રજૂ કરવાની રહેશે.

(2:08 pm IST)