Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ભાવનગરમાં ફાઇનાન્સ કંપનીના કર્મચારીને છરી બતાવી કલેકશનના રૂ. ૧ લાખની લૂંટ ચલાવાઇ

ભાવનગર તા. ૧૯ : ફાઇનાન્સ કંપનીના કર્મચારીને છરી બતાવી ધમકી આપી બે શખ્સો રૂ. ૧.૪૦ લાખની મત્તાની બેગની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા.

વિગતો મુજબ શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા અને સ્મોલ ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા રજપૂત યુવાન ગંભીરસિંહ મનુભાઇ પરમાર (ઉ.વ.૨૮) નોકરી દરમિયાન કસ્ટમરના લોનના રૂપિયા કલેકશન કરવા શહેરના જમનાકુંડ વિસ્તારમાં ગયા હતા. ત્યારે જમના કુંડના ડેલા પાસે બે અજાણ્યા ૨૦ થી ૨૫ વર્ષના શખ્સો ખુલ્લી છરી સાથે ઘૂસી આવ્યા હતા અને ધમકી આપી તેની પાસે રહેલ કાળા કલરની બેગ જેમાં ગ્રાહકો પાસે લોનાના કલેકશનના આવેલ રૂ. ૧.૧૦ લાખની રોકડ રકમ તથા એક ટેબલેટ અને એક મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧,૪૦,૫૦૦ની મત્તા ભરેલ બેગની આ બે શખ્સો લૂંટ ચલાવી નાસી છૂટયા હતા.

આ બનાવની જાણ થતાં જ એસ.પી., એ.એસ.પી., સી-ડીવીઝન પોલીસ, એલ.સી.બી. સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે લૂંટ ચલાવી બાઇક ઉપર નાસી છૂટેલા લૂંટારૂને ઝડપી લેવા નાકાબંધી કરી હતી.

આ બનાવ અંગે ગંભીરસિંહ પરમારએ સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

હેર કટીંગ સલુન ધરાવતા યુવાનને ધમકી

ભરતનગર રોડ શિવપ્રભુ ફલેટમાં હેર કટીંગની દુકાન ચલાવતા મનીષભાઇ બટુકભાઇ રાઠોડને તેની દુકાનની બાજુમાં ભાડાની દુકાન રાખનાર વિજય અર્જુનદાસ તુલસાણી અને તેના પિતા અર્જુનદાસ તુલસાણીએ મનીષભાઇ અને ફલેટના અન્ય ફલેટ ધારકો સાથે માથાકુટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દાદાગીરી કરનાર પિતા-પુત્ર વિરૂધ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:31 am IST)