Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

પાક નિષ્ફળ જતા સાયલાના ઢેઢુકી ગામે ખેડૂતનો આપઘાત

ઝેરી દવા ગટગટાવી લઇને ૩૫ વર્ષના પ્રતાપભાઇ વેગડે મોત મીઠુ કરતા અરેરાટી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૯: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઢેઢુકી ગામના ૩૫ વર્ષીય યુવક દ્વારા પાક નિષ્ફળ જતા અને અગાઉના વર્ષનો પાકવીમો ચુકવવામાં આવતા આર્થિક પરિસ્થિતિ નબળી બનતા ઢેઢુકી ગામના ૩૫ વર્ષીય યુવાન ખેડૂત પ્રતાપભાઈ માત્રા ભાઇ વેગડ દ્વારા ઝેરી દવા પીને મોતનો રસ્તો અપનાવતા જિલ્લાના ખેડૂતોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

જિલ્લામાં સતત ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે જિલ્લાના ખેડૂતો હાલ મોતનો માર્ગ અપનાવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને નિષ્ફળ ગયેલ પાકની સર્વે કામગીરી કરી તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવા માટે ખેડૂત આગેવાનો માંગ કરી રહ્યા છે અને ખાસ તો અગાઉના વર્ષ નો વીમો પણ ખેડૂતોને મળ્યો નથી તે પણ તાત્કાલિક સરકારને ચુકવી આપે તેવી હાલમાં ખેડૂત સમાજના આગેવાનો માંગ કરી રહ્યા છે.

ત્યારે આ યુવા ખેડૂત દ્વારા આત્મહત્યા કરી લેતાં હાલમાં પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે ત્યારે પોલીસ દ્વારા પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સરકાર પાક વીમો ચૂકવવામાં નિષ્ફળ નીવડી છે : ખેડૂત આગેવાન રામકુભાઇ કરપડા

વઢવાણ,તા. ૧૯: સુરેન્દ્રનગર જિલ્લામાં અવિરત વરસાદના પગલે ચાલુ વર્ષે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૪૦ ટકા કરતા વધુ વરસાદ ખાબકયો છે.જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ જવા પામ્યા હતા અને ઉભા પાકો બળી જવા પામ્યા હતા ત્યારે જિલ્લામાં સતત બીજા વર્ષે પણ અતિવૃષ્ટિનો માર સહન કરવાનો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને વારો આવ્યો છે. ખેડૂત આગેવાન રામકું ભાઈ કરપડા સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું છે કે જિલ્લાના ખેડૂતોને સરકાર અને વીમા કંપનીઓ છેલ્લા બે વર્ષથી પાકવીમો ચુકવવામાં નિષ્ફળ નીવડી છે ત્યારે આ વર્ષે પણ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ઉભા પાકો બળી જવા પામ્યા છે જિલ્લાના ખેડૂતોની પરિસ્થિતિ દિન-પ્રતિદિન ખરાબ બનતી જઈ રહી છે ને જિલ્લાનો ખેડૂત આર્થિક રીતે પાતળો બનતો જઈ રહ્યો છે અને અંતે આત્મહત્યાનો માર્ગ અપનાવી રહ્યો છે. ત્યારે હાલમાં શિયાળુ વાવેતરના બિયારણના પણ ખેડૂતો પાસે પૈસા રહ્યા નથી. તેવું ખેડૂત આગેવાન રામકુભાઈકરપડા દ્વારા જણાવવામાં આવ્યું છે.

(11:28 am IST)