Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

આકારણી, સર્વે અને અપીલની કામગીરી કમ્પ્યુટર સિસ્ટમ દ્વારા ઇલેકટ્રોનિક પધ્ધતિથી કરવામાં આવશે : અમિત જૈન

પ્રામાણિક કરદાતાઓના સન્માન માટે અગત્યની પહેલ એટલે માનવ સંપર્ક : રહિત ઇલેકટ્રોનિક આવકવેરા આકારણીની પ્રણાલી : ડો. ધીરજ કાકડિયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૯ : ગુજરાતના ઇન્કમટેકસના પ્રિન્સિપાલ ચીફ કમિશ્નર અમિત જૈને ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો અને આયકર વિભાગના સંયુકત ઉપક્રમે યોજાયેલ વેબિનારમાં જણાવ્યું હતું કે, દેશની ઇન્કમટેકસને લગતી સંપૂર્ણ સિસ્ટમમાં મોટા ફેરફાર આવી રહ્યા છે. આ પ્રણાલીમાં પારદર્શકતા લાવવા માટે ભારત સરકારના નિર્દેશ અનુસાર આમૂલ પરિવર્તન કરાઇ રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, પારદર્શક પ્રણાલી સુનિશ્ચિત કરવા ફેસલેસ એસેસમેન્ટ એટલે કે માનવ સંપર્ક રહિત આકારણીનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આરંભ કરાવ્યો હતો. 

માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત એકમના વડા અને પી.આઈ.બી.ના અપર મહાનિદેશક ડો. ધીરજ કાકડિયાએ માનવ સંપર્ક રહિત આકારણી પ્રથાની મુખ્ય લાક્ષણિકતાઓ અને ફાયદાઓ વિશે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, પારદર્શકતા, કાર્યક્ષમતા અને જવાબદેહિતા સુનિશ્ચત કરતી આ પ્રણાલી કરદાતાઓ ટેકસ ભરી દેશના ઘડતરમાં યોગદાન આપવા પ્રરેણારૂપ બની રહેશે. આ સિસ્ટમના અમલ પછી કારદાતાઓએ આયકર વિભાગના કાર્યાલય પર જાતે જવાની જરૂર નહીં પડે, કરદાતા અને અધિકારી વચ્ચે કોઈ પણ પ્રકારનું કોમ્યુનિકેશન નહીં રહે, અધિકારીની રાહ જોવાની જરૂર નહીં પડે, આ તમામ બાબતોને ધ્યાનમાં લેતા કારદાતાઓનો સમય અને ખર્ચ બચી જશે. કરદાતાઓ નવી કર પ્રણાલીનું સન્માન કરે અને સફળ બનાવવા અને દેશના વિકાસમાં યોગદાન આપે. આ નવી કર પ્રણાલીથી મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી સુધારો થશે. સરકારને ફાયદો થશે અને ટેકસ વધશે. આ ઉપરાંત આ નવી પ્રણાલીથી અપ્રામાણિક કરદાતાઓ કોઈ ફાયદો ઉઠાવી નહીં શકે એમ પણ ડો. કાકડિયાએ ઉમેર્યું હતું. આ વેબિનારમાં ભૂજ, ગાંધીધામ તેમજ જામનગરના ચાર્ટડ અકાઉન્ટન્ટસે પણ આ નવી પ્રણાલીથી કરદાતાઓને થનારા ફાયદા વિશે પોત-પોતાના મંતવ્યો વ્યકત કર્યા હતા. સમગ્ર વેબીનારનું ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ સંચાલન કર્યું હતું.

(11:28 am IST)