Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

મહિલા જુથોને લોન આપીને ૧૦ લાખ પરિવારોને આત્મનિર્ભર બનાવવાની ગુજરાતમાં પહેલ : ડો.ભરત બોઘરા

જસદણ એપીએચસી હોલમાં કાર્યક્રમ યોજાયો

રાજકોટ,તા.૧૯ :ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અમલી બનાવાઇ છે. આ યોજના અન્વયે રાજયની ૧ લાખ જોઇન્ટ લાયેબીલીટી અર્નીંગ એન્ડ સેવીંગ જુથ (JLESG)ની ૧૦ લાખ મહિલાઓને રૂ. ૧ લાખની લોન આર્થીક પ્રવૃતિ કરવા માટે વગર વ્યાજે આપવાની પહેલ રાજયના ૭૦ સ્થળોએ થી કરાઇ હતી. જે ભાગરૂપે તા.૧૭ સપ્ટેમ્બરે જસદણ એ.પી.એમ.સી. ખાતેના હોલમાં પણ કાર્યક્રમ યોજાયો હતો.

     આ પ્રસંગે સૌરાષ્ટ્ર કચ્છના સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન ડો. ભરતભાઇ બોઘરાએ ગર્વભેર જણાવ્યું હતું કે આત્મનિર્ભર પરિવાર એ આત્મનિર્ભર ભારતનું પ્રથમ ચરણ છે. આ યોજના થકી   આત્મનિર્ભર ગુજરાતના કાર્ય દ્વારા આત્મનિર્ભર ભારત બનવા અગ્રેસર બનતું ગુજરાત દેશનું પ્રથમ રાજય બની રહયું છે. રાજયની કુલ ૧ લાખ જુથોની ૧૦ લાખ ઉદ્યમી મહિલાઓને સામાજિક આર્થિક ઉન્નતિ માટે પ્રેરક બળ પુરૂ પાડશે. આ રકમ દ્વારા ૧૦ લાખ મહિલાઓ ઘર બેઠા આર્થિક પ્રવૃતિ કરી તેમના પરિવારના અંદાજે ૫૦ લાખ પરિજનોના સામાજિક અને આર્થિક ઉત્કર્ષમાં સહભાગી બનશે. આ એક મોટું ક્રાંતિકારી અને દુરદર્શી પગલું છે. તેઓએ આ તકે નિર્ણાયક અને સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી રૂપાણીને આ કાર્ય માટે બિરદાવ્યા હતા.

એટલુંજ નહીં આવા જુથની રચના કરનારને પ્રોત્સાહન રૂપે રૂ. ૩૦૦/- જયારે બેંકોને જુથની રચના પેટે રૂા૧૦૦૦/- પ્રોત્સાહન રૂપે, રૂ. ૪૦૦૦/- રીકવરી મિકેનિઝમ પેટે તથા રૂ. ૪૦૦૦/- NPA ફંડ રૂપે અપાશે. આમ મહિલાઓને આર્થિક સહાયક બનનાર બેંકોને પણ પ્રોત્સાહિત કરાઇ છે. આ તકે તેઓએ દરેક લાભાર્થી જુથોની બહેનોને આર્થિક પ્રવૃતિ થકી આગળ વધવા સાથે સમયસર લોનની ભરપાઇ કરી અન્ય જુથોની બહેનો માટે આદર્શ અને માર્ગદર્શક દિશા કંડારવા અનુરોધ કર્યા હતો.

આ તકે આસપાસના વિસ્તારની ચાર મહિલા જુથોને લોન મંજુરી પત્રો, બે બેંક સખી બહેનોને નિમણુંક પત્રો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અપાયા હતા જયારે સ્થાનિક એવી બેંક ઓફ બરોડા અને યુ.બી.આઇ. જસદણ બ્રાંચ સાથે આ બાબતે એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કરી કરારો કરાયા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં જસદણ તાલુકા વિકાસ અધિકારી સી.ડી.ભગોરા દ્વારા મહાનુભાવોનું શાબ્દીક સ્વાગત કરાયું હતું. જયારે આભારવિધી જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના આસી. પ્રોજેકટ મેનેજરશ્રી સરોજબેન મારડીયાએ કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ યોજના થકી ૧ લાખ મહિલા જુથોની ૧૦ મહિલાઓને રૂ. ૧૦૦૦ કરોડની લોન સહાય કરવાની નેમ રાજય સરકારની છે. આ માટે સહાયરૂપ થાવ માટે રૂ. ૧૭૫ કરોડની જોગવાઇ રાજય સરકાર દ્વારા કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં બેંકના મેનેજરશ્રીઓ, નગરપાલિકા પ્રમુખશ્રી અનીતાબેન રૂપારેલીયા, જિલ્લાપંચાયત અને તાલુકા પંચાયતના વિવિધ સમિતિના પદાધિકારીઓ સભ્યો અને મહિલા જુથોની બહેનો ઉપસ્થીત રહયા હતા. ગાંધીનગરથી પ્રસારીત ઇ-લોન્ચીંગ કાર્યક્રમ તથા યોજના વિશેની દસ્તાવેજી ચલચિત્રને નિહાળ્યું હતું.

(11:25 am IST)