Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ભુજના તબીબ દંપતિ કોરોનાથી સંક્રમિતઃ ખાવડામાં બીએસએફના જવાનનું શંકાસ્પદ મોત

૬ કર્મીઓને કોરોના થતાં રાપરની દેના બેંક બંધઃ સરકારી કચેરીઓમાં રેપિડ ટેસ્ટ કરાયા

ભુજ, તા.૧૯: કચ્છમાં કોરોનાનો ખોફ વધી રહ્યો છે. ભુજના જાણીતા તબીબ દંપતિ ગાયનેકોલોજીસ્ટ ડો. નિર્મલા શર્મા અને વૈશ્વિક સ્તરે જાણીતા મનોચિકિત્સક ડો. દેવજયોતિ શર્મા કોરોનાથી સંક્રમિત થયા છે. નવા ૩૨ કેસ સાથે કુલ એકિટવ કેસ વધીને ૩૩૩ થયા છે. જયારે સાજા થનાર દર્દીઓ ૧૩૨૪ થયા છે. કુલ દર્દીઓની સંખ્યા ૧૭૫૪ થઈ છે. સરકારી ચોપડે ૫૭ મોત નોધાયા છે. બિન સતાવાર મોતનો આંક ૯૭ હોવાની આશંકા છે. જોકે, કોંગ્રેસ પક્ષે વાંરવાર રજુઆત કરી હોવા છતાંયે તંત્ર દ્વારા હજી સુધી મૃત્યુ પામનાર દર્દીઓની તારીખ પ્રમાણે નોધ જાહેર કરાઇ નથી.

દરમ્યાન ખાવડા સ્થિત બીએસએફની ૧૫૦ બટાલિયનના ૫૨ વર્ષીય ફૌજી જવાન આર. મુથ્થુનું શંકાસ્પદ કોરોનાની સારવાર દરમ્યાન ભુજની કોવિડ હોસ્પિટલમાં મોત નિપજયું હતું. મૃતક જવાન શ્વાસ અને તાવની તકલીફ અંગે બે દિવસથી હોસ્પિટલમાં દાખલ હતો. રાપરની દેના બેંકમાં મેનેજર સહિત ૬ કર્મીઓ સંક્રમિત થતાં બ્રાન્ચ બંધ કરી દેવાઇ છે. દરમ્યાન ભુજની કલેકટર કચેરી, જિલ્લા પંચાયત કચેરી માં કર્મચારીઓના રેપિડ ટેસ્ટ શરૂ કરાયા છે.(૨૩.૯)

(10:43 am IST)