Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

પ્રવાસનનાં હબ બનેલ ગીરકાંઠાનાં ગામોનાં લોકોનાં જીવનમાં આવ્યો બદલાવ

ઉડવુ છે એને પાંખો મળે તો.....આવી વાત સાસણ નજીક છતડીયાની બાળાઓનાં શિક્ષણની

જૂનાગઢ, તા. ૧૯: ગુજરાતમાં સાસણગીર હવે ખ્યાતી પ્રાપ્ત સ્થળ બની રહ્યુ છે. અહીં સહેલાણીઓ સિંહ દર્શન અને ગીરનાં વનપ્રદેશે વિહરતા પશુ-પક્ષી અને વનરાજીનાં અભ્યાસાર્થે સહેલગાહ કરી સંભારણા પોતાનાં વતન લઇ જતા હોય છે. આ વાત અહીં એટલે પ્રસ્તુ કરી કે છતડીયા(નાજાપુર) ગામે રહી માંડ ધો-૮ સુધી અભ્યાસ કરનાર અશોકભાઇ નારણભાઇ જેઠવા અને તેમનાં ધર્મચારીણી ગીતાબેન જેઠવા ખેતી, ખેતમજુરી કરી જીવન નિર્વાહનાં પથ પર જીવનગાડુ હંકારતા હતા. પણ સાસણની પ્રવાસનની ક્ષિતીજોએ ખેતમજુરી ત્યાજાવીને હોમસ્ટે જેવુ નાનકડુ ધાબુ જેને ગીતાબેને સીતારામ ધાબુ નામ આપી યાત્રીકોનાં ભોજન અને સાંજની વાળુની દેશી ઢબે વ્યવસ્થા કરી પોતીકો વ્યવસાય શરૂ કર્યો. સામાન્ય રીતે યાત્રીકો અહીં ભોજન કરીને ગીતાબેનનાં હાથનાં કાઠીયવાડી રોટલા અને રસોઇની ભરપુર પ્રસંશા કરી બીલ ચુકતે કરી સ્મૃતીનેઓને ગઠરીમાં બાંધીને જતા રહેતા હોય છે.આવા એક દિવસે પીતૃઅસ્થિફુલનાં વિસર્જન માટે રાજકોટથી  ત્રિવેણીદ્યાટ ગેયલા જોષી પરિવારને અહીં સીતારામ મઢુલી ધાબા ખાતે બપોરનાં ભોજન માટે રોકાવાનું થયુ ,અને કહે છે ને કે કાઠીયાવાડી આદર, કાઠીયાવાડી સત્કાર અને કાઠીયાવાડી મહેમાનગતી અતિથીને રોકાવા મજબુર કરે છે. બસ આ વાત અહીં ચરીતાર્થ બની અને આ જોષી પરિવાર અહીં ભોજન માટે રોકાયો પણ એક દીકરીનાં બાપને બીજી દીકરીઓ પણ પોતાની દિકરી જેવી લાગે એ ભાવ જોષી પરિવારનાં સદગૃહસ્થને લાગ્યો, કેમ કે અશોકભાઇને બે નાનકડી ફુલડાજેવી દીકરીઓ રમવાની પળે પોતાની રીતે પાટી અને રેતીમાં એકડાદ્યુંટતી અક્ષરજ્ઞાનની વાત કરતી જોઇ ત્યારે આ જોષી સદગૃહસ્થે તેમનામાં રહેલી શિક્ષણની જીજીવીશા જોઇ હતી. આ તકે અશોકભાઇને પુછતા તેમણે જણાવ્યુ હતુ કે સાહેબ મારે બે દીકરી છે. મોટી મીનાક્ષી ચાર વર્ષની અને નાની સરસવતી દોઢવર્ષની છે. મોટી મીનાક્ષીને સાસણની કે.જીમાં અભ્યાસ માટે મોકલુ છુ. દીકરીને ઉચ્ચ શિક્ષણ આપી રાષ્ટ્રહીતનાં સેવાકાર્યમાં તેમનાં સમર્પિત જીવનને જોવા ઈચ્છુ છુ. શિક્ષણ મારા માટે આરાધ્ય હોય નાની દિકરીનું નામ જ સરસ્વતી રાખ્યુ કેમ કે સરસ્વતિ હોય ત્યાં વિદ્યાનો પગરવ હોય જ.... બસ આ વાત રાજકોટનાં સદગૃહસ્થને સ્પર્શી ગઇ અને તેમણે આ દિકરીઓને ગળે વધાવી લીધી કેમ કે આ જોષી સદગૃહસ્થ પણ બે દીકરીનાં પિતા હતા. અને તેમને ઉચ્ચ અભ્યાસ અપાવી સંતોષની જીવન ડગર પર આગળ વધ્યા હતા. પણ પોતાનાં વાવેતર કરેલ સ્વપ્ન સાસણનાં શ્રમજીવીનાં પણ હોવાની સામ્યતા એમને સ્પર્શી ગઇ.

             આજે એ.... ને.... મજાથી દિકરીનાં સોણલા સાકાર કરવા ગીતાબેન અને અશોકભાઇ જેઠવા સિતારામ ધાબુ ચલાવી સરસ્વતીનાં આરાધક બનવા આગળ વધી રહ્યા છે. દીકરી દીકરાની ગરજ સારે એવી જ હોય એમ માનતા આ શ્રમિક દંપતિની શિક્ષણ જાગૃતિ જોઇને એવુ લાગે કે તત્કાલીન મુખ્યમંત્રી અને આજનાં વડાપ્રધાને કન્યાકેળવણીનાં કરેલ બીન વાવેતર આજે અંતરીયાળનાં વગડામાં વસંતની માફક ખીલી ઉઠ્યા છે.

         આ તકે રાજકોટનાં આ જોષી પરીરવારનાં મોભી સાથે વાત કરતા જણાવ્યુ કે દીકરી એ તો દેવનો દીધેલ આશિર્વાદ છે.ગુજરાતમાં શિક્ષણની જયોત આજે સામાન્ય જનસમાજ સુધી પ્રજવ્લ્લીત બની છે. ગુજરાતમાં શિક્ષણનો સાક્ષરતા દર ગુણોત્સવ અને શાળા પ્રવેશોત્સવને કારણે ઉંચો રહેવા પામ્યો છે. લોકો હવે શિક્ષણનો મહિમા સમજવા લાગ્યા છે. આજે  દિકરો દિકરી એક સમાનની વાત સહજ બની છે. કન્યા કેળવણીમાં ગુજરાત દેશમાં અગ્રીમ રાજય બની રહ્યુ છે. ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે સકારાત્મક અને હકારાત્મક અભિગમ થકી રાષ્ટ્રની ભાવિ પેઢીના દ્યડતરનો મૂળભૂત પાયો ખૂબ મજબૂત અને સમૃદ્ઘ બની રહ્યો છે.

(1:17 pm IST)