Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

૧ નવેમ્બરથી કચ્છનાં સફેદ રણમાં રણોત્સવનો પ્રારંભ

૨૦-ફેબ્રુઆરી-૨૦૨૦ સુધી આયોજનઃ જીલ્લા કલેકટર એમ.નાગરાજનની અધ્યક્ષતામાં આગોતરા આયોજન માટે બેઠક યોજાઇ

તા.૧૯: દેશ અને દુનિયાના પ્રવાસીઓને આકર્ષતાં કચ્છનાં ધોરડો ખાતે સફેદ રણમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રાજય સરકાર દ્વારા ૧લી નવેમ્બરથી ૨૦મી ફેબ્રુઆરી, ૨૦૨૦ સુધી રણોત્સવનું આયોજન કરવામાં આવનાર છે. કચ્છના પ્રખ્યાત રણ ઉત્સવમાં આવતાં પ્રવાસીઓને વધુને વધુ સારી સગવડતાં મળી  રહે તે માટે આંતર માળખાકીય અને પ્રવાસન સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. આગામી ૧લી નવેમ્બરથી રણોત્સવના પ્રારંભને લઇને જિલ્લા કલેકટર એમ.નાગરાજનના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટીતંત્ર દ્વારા પણ સજ્જધજ બનીને રણોત્સવની પૂર્વ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

ભુજ કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં રણોત્સવના આગોત્તરૃં આયોજન કરવા જિલ્લા કલેકટર શ્રી એમ.નાગરાજનના અધ્યક્ષસ્થાને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર રણોત્સવ પૂર્વે વિભાગવાર કામગીરીની છણાવટ સાથે સુચારૂ આયોજન દ્યડાયું છે. કલેકટર શ્રી નાગરાજને રણોત્સવમાં પધારનાર મહાનુભાવો સહિત પ્રવાસીઓ માટે જરૂરી ટ્રાફિક નિયમન, કાયદો અને સલામતીની વ્યવસ્થા, ભીરંડીયારાથી ધોરડો સફદ રણ તરફ જતાં રસ્તાનું જરૂરિયાત મુજબ રિપેરીંગ કામ તેમજ રસ્તાની સાઇડમાં ઝાડી કટીંગ, સાફ-સફાઇ તેમજ ભુજથી ભીરંડિયારા સુધીનાં માર્ગોનું પેચવર્કની કામગીરીને પણ આવરી લેવાના સંબંધિત અધિકારીઓને નિર્દેશો આપ્યાં હતા.

જિલ્લા કલેકટર શ્રી એમ.નાગરાજને ખાસ કરીને કચ્છમાં ભારે વરસાદને કારણ વોચટાવર નજીક ભરાયેલાં વરસાદી પાણીનો યોગ્ય પ્રમાણમાં નિકાલ થાય તે બાબતે પણ વિચાર-વિમર્શ કરતાં જરૂરી સૂચનાઓ આપી હતી. વધુમાં તેમણે લલ્લુજી એન્ડ સન્સના પ્રતિનિધિને પણ મહાનુભાવોની મૂલાકાત સમયે તંત્ર સાથે સુસંકલન થાય તે જોવા ભાર મૂકયો હતો. ધોરડો ગ્રામ પંચાયતના નેજા હેઠળ દ્યોડાગાડી, ઊંટગાડી ચલાવનારાઓને જરૂરી ઓળખપત્ર આપવા નોંધણી નંબર અપાય તેવી વ્યવસ્થા ગોઠવવા, વોચટાવર ઉપર એક સાથે વધારે પ્રવાસીઓ એકઠાં થવાથી અકસ્માતની સંભાવના નિવારવા યોગ્ય નિયંત્રણ વ્યવસ્થા ઘડી કાઢવા પણ નિર્દેશ આપ્યો હતો.

વધુમાં ડિસેમ્બર મહિને વિદ્યાર્થીઓના પ્રવાસને ધ્યાને લઇને વેઇટીંગ એરિયા સહિત વાતાવરણ જળવાઇ રહે તે મુજબ ટોયલેટ-પાણીની વ્યવસ્થા ગોઠવવાના નિર્દેશ સાથે કલેકટરશ્રી નાગરાજને આગામી ૧લી ઓકટોબરના રોજ ફરી બેઠક કરી સમગ્ર કામગીરીના અહેવાલની સાથે પ્રગિતની સમીક્ષા કરવાનું જણાવ્યું હતું.

પશ્ચિમ કચ્છ પોલીસ વડાશ્રી સૌરભ તોલંબિયા તેમજ જિલ્લા વિકાસ વિકાસ અધિકારી પ્રભવ જોષી અને પ્રોબેશનર આઇએએસ અર્પણાબેન ગુપ્તાએ પણ બેઠકમાં વિવિધ મુદ્દે માર્ગદર્શન આપી કામગીરીને પરિણામલક્ષી બનાવવા માટે સંબંધિત વિભાગના વધુ સારાં સંકલન ઉપર ભાર મૂકયો હતો.બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેકટરશ્રી કુલદીપસિંહ ઝાલાએ બેઠકના મુદ્દાઓની વિગતવાર છણાવટ કરતાં કાળાડુંગરના દર્શન, વનકેડીઓ, લોંગદર્શને આવનારા પ્રવાસીઓ માટે દર વર્ષની જેમ જરૂરી વ્યવસ્થા ગોઠવવા સાથે ટેન્ટ વિલેજ, સફેદ રણ તેમજ પાર્કિંગ એરિયા, વીજભારને લઇ ટેમ્પરરી અને કાયમી લાઇન કનેકશન સાથે હયાત ઇલેકટ્રીક લાઇનની મરામત અને રણ ઉત્સવ માટે ધોરડો અને સફેદ રણ માટે લેન્ડ યુઝ પરમિશન, પર્ફોમન્સ લાયસન્સ, બોર્ડર વિસ્તારની મૂલાકાત લેવા બી.એસ.એફ.ની મંજૂરી સહિતના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યાં હતા.

બેઠકમાં ડીઆરડીએના નિયામક એમ.કે.જોષી, સિવિલ સર્જન ડો. કશ્યપ બુચ, ભુજ પ્રાંત ગોવિંદસિંહ રાઠોડ અને માર્ગ-મકાનના કાર્યપાલક ઇજનેર કે.આર.પટેલે પણ સંબંધિત વિભાગો અને તેમના નેજા હેઠળ કરાતી કામગીરીની છણાવટ કરવા સાથે પૂરક વિગતો આપી હતી. પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર શ્રી અમૃતભાઈ  ગરવા, ધોરડોના સરપંચ શ્રી મીયાંહુસેન મુતવા,વન વિભાગના શ્રી  વિહોલ, ભુજ મામલતદારશ્રી સુમરા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:44 am IST)