Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

જુગારની રેઇડમાં ૮.૪૮ લાખની રકમ ચાંઉ કરી જનાર વિંછીયાના પ પોલીસ કર્મીઓના રીમાન્ડ નામંજુરઃજેલહવાલે

રીમાન્ડ નામંજુર થતા ઉપલી કોર્ટમાં અપીલ કરાશેઃ રૂરલ એસપી બલરામ મીણા

રાજકોટ, તા., ૧૯: વિછીયાના કંધેવાડીયા ગામે જુગારની રેઇડમાં ૮.૪૮ લાખની રકમ ચાંઉ કરી જનાર વિંછીયાના પોલીસ જમાદાર સહિત પાંચ પોલીસ કર્મચારીઓને રીમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાતા કોર્ટે રીમાન્ડ નામંજુર કરી તમામને જેલહવાલે કરવા હુકમ કર્યો હતો.

 વિંછીયાના કંધેવાડીયા ગામે ગત તા. ૧૦ સપ્ટેમ્બરના રોજ વિંછીયા પોલીસના હેડ કોન્સ્ટેબલ વલ્લભભાઇ મગનભાઇ જાપડીયા સહીતના સ્ટાફે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા ૯ શખ્સોને રોકડ રૂ. ૪૮,૩૪૦ની સાથે ઝડપી લીધા હતા. આ જુગારની રેઇડમાં પકડાયેલ ૯ આરોપીઓ પૈકીના રસીકભાઇ અંબારામભાઇ મેરજા (રહે. રૂપાવટી, તા. વિંછીયા) એ બીજા દિવસે સાંધ્ય અખબારોમાં  જુગારની રેઇડના સમાચારમાં વિંછીયા પોલીસે કબ્જે કરેલ ૮.૯૭ લાખની રોકડ રકમને બદલે ૪૮,૩૪૦ની રોકડ રકમ દેખાડતા જ આશ્ચર્યમાં મુકાયા હતા અને આ અંગે રૂરલ એસપી બલરામ મીણાને રૂબરૂ મળી ફરીયાદ કરતા તપાસના અંતે પાંચેય કર્મચારીઓએ ગોલમાલ કર્યાનું ખુલતા તેની સામે વિંછીયા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાયો હતો.

વિંછીયાના કંધેવાડીયા ગામે જુગાર રમતા પકડાયેલ ૯ શખ્સો પૈકીના રસીકભાઇ અંબારામભાઇ મેરજા (રહે. રૂપાવટી) એ વિંછીયા પોલીસમાં જુગારની રેઇડમાં ૮.૪૮ લાખની રકમ ચાંઉ કરી જનાર વિંછીયાના પોલીસ જમાદાર વલ્લભભાઇ મગનભાઇ જાપડીયા, પોલીસ કોન્સ્ટેબલ  લક્ષ્મણભાઇ ઠાકરશીભાઇ ગોહેલ, શ્રીધર ઘુઘાભાઇ, ગોપાલભાઇ ગોવિંદભાઇ શેખ તથા જીલુભાઇ તળશીભાઇ હાંડા સામે વિંછીયા પોલીસ મથકમાં ફરીયાદ  કરતા પાંચેયની ધરપકડ કરાઇ હતી.

દરમિયાન પકડાયેલ વિંછીયાના પાંચેય પોલીસ કર્મચારીઓને રીમાન્ડ અર્થે જસદણ કોર્ટમાં રજુ કરાતા કોર્ટે રીમાન્ડની માંગણી નામંજુર કરી તમામને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.

દરમિયાન એસપી બલરામ મીણાએ જણાવ્યું હતું કે પકડાયેલ પોલીસ કર્મચારીઓને રીમાન્ડ  નામંજુર થતા ઉપલી કોર્ટમાં અપીલ કરાશે.

(11:43 am IST)