Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

રસ્તા વચ્ચે વાહન ઉભું રાખીને ચેકીંગ કરતા કચ્છ આરટીઓ કચેરીની બોલેરોને અન્ય વાહને મારી ટક્કર

કાયદાના રક્ષકો બેરીકેટ વાપરવાને બદલે પોતાનું વાહન જ વચ્ચોવચ્ચ રાખી કાયદાનો ભંગ શીખવાડે છે કે પછી અમલ?

 ભુજ, તા.૧૯:  ગઈકાલે ભુજની ભાગોળે શેખપીર ચાર રસ્તા ઉપર વાહન ચેકીંગ કરી રહેલ આરટીઓનું વાહન જ અકસ્માતનો ભોગ બન્યું હતું. થયું એવું કે, શેખપીર કુકમા વચ્ચે કચ્છના આરટીઓ અધિકારી અને સ્ટાફ વાહન ચેકીંગ કરી રહ્યા હતા.

તે દરમ્યાન એક ટ્રકનું ચેકીંગ થઈ જતાં તે ટ્રક રવાના થઈ હતી, પણ ત્યાંજ તેની લગોલગ પાછળ ઉભેલી સ્કોર્પિયો જીપ ટ્રક ઊપડ્યા પછી આગળ વધી તે સાથે જ આરટીઓની બોલેરો જીપ સાથે અથડાઈ હતી. આ ટકકરથી આરટીઓની સરકારી બોલેરો જીપના સિગ્નલ અને જમણી તરફના ભાગને સારું એવું નુકસાન થયું હતું. જોકે, આરટીઓ અધિકારી કે સ્ટાફને કોઈ ઈજાઓ થઈ નહોતી. પણ, સ્કોર્પિયો જીપમાં બેઠેલાઓને સામાન્ય ઈજાઓ થતાં કુકમા પીએચસી માં તેમણે સારવાર લીધી હતી.

રસ્તા ઉપરના વાહનચાલકોનો ગણગણાટ માનીએ તો આરટીઓએ રસ્તાની વચ્ચોવચ્ચ વાહન રાખવાને બદલે સાઈડમાં વાહન પાર્ક કરવું જોઈએ. વળી, અહીં. આમેય બેરીકેટ હોય છે, તો બેરીકેટની આડશ ઉભી કરીને પણ વાહન ચેક કરી શકાય છે. પણ, મૂળ વાત એ છે કે, કાયદાના રક્ષકો કાયદાનો ભંગ શીખવાડવા માંગે છે કે અમલ?

(11:36 am IST)