Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

રામદેવજી મહાપ્રભુનો કાલે પ્રાગટય દિન

પોરબંદર, તા. ૧૯ : દેશમાં પ્રતિવર્ષ ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી એટલે કે નવ દિવસ સુધી શ્રી રામદેવજી મહારાજ (રામદેવજી મહાપ્રભુ) નો નવરાત્રી મહોત્સવ ઉજવાય છે. રાજસ્થાનમાં રણુજા-રામદેવરા ખાતે શ્રાવણ સુદ પૂનમથી મેળાનો પ્રારંભ થાય છે. શ્રી રામદેવજી મહારાજે ઘણા પરચાઓ આપ્યા છે જે ચોવીસ પરિયાણ તરીકે ઓળખાય છે. રણુજામાં શ્રાવણ સુદ-પૂનમથી શ્રી રામદેવજી મહારાજનો ઉત્સવ શરૂ થાય છે. શ્રી રામદેવજી મહારાજમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા લોકો ચાલતા, સાયકલ પર, દંડવત કરતા દૂર-દૂરથી રણુજા આવીને શ્રી રામદેવજી મહારાજની અને ડાલીબાઇની સમાધિના દર્શન કરીને કૃતકૃન્યતાની લાગણી અનુભવે છે.

રાજસ્થાનના પોકરણગઢના રાજવી અજમલજીને આપેલ વચન પાળવા અને ધર્મની સંસ્થાપના કરવા વિરમદેવના જન્મ પછી બરાબર એક મહીને વિક્રમ વસંત ૧૪૬૧ની ભાદરવા સુદ દશમની વહેલી સવારે એટલે કે અગિયારસ બેસતા ભગવાન રણછોડરાય બાળસ્વરૂપે વિરમદેવજી સાથે ઘોડીયામાં પોઢી ગયા.

દ્વારરિકાનો નાથ પ્રગટયા, રાય જમલના ઘરે,

કંકુતણા પગલા પાડયાં, પારણે પોઢણ કરે,

દૂધની ઉકળતી દેગને કરલંબાવી હેઠે ઘરે,

અજમલ અને રાણીમિણલદેના હૃદય આનંદે ભરે.

નિશાનીરૂપે કુમ-કુમ પગલાં પાડયાં આ જોઇ અજમલજી સમજી ગયા કે વચન પ્રમાણે પ્રભુ પધારી ચૂકયા છે અને તેમણે બીજા બાળકનું નામ રામદેવજી રાખ્યું.

માત્ર ત્રણ વર્ષની ઉંમરે દરજીએ લુગડાના રેજામાંથી બનાવેલ લીલુડે ઘોડે અસરવાર થઇ ગગન મંડળમાં ઘોડાને ઉડાડયો. હાલ પણ રણુજામાં કપડાના કટપીસમાંથી બનાવેલા લુગડાના લીલા ઘોડા અર્પણ કરવાનું મહતવ છે. લોકો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે નાના-મોટા કપડાના ઘોડા મંદિરમાં ધરીને ધન્યતા અનુભવે છે.

લીલે ઘોડે પીર રામદેવ, હાથમાં ભાલોને તીર,

ભકતોની વારે આવજો પોકરણ ગઢના પીર.

ઘોડે ચડીને નાની ઉંમરે ભયંકર એવા રાક્ષકને મારીને ત્રાસમાંથી મુકત કર્યા. મોગલોના શાસનકાળ દરમિયાન દિલ્હીના બાદશાહે રામદેવજીનો વિરોધ કરેલો, અડચરણો, સંકટો ઉભા કરેલા તેનો સામનો રામદેવજીએ પરચા દ્વારા બાદશાહ અને પ્રજાને કર્યો. કવિઓએ પોતાની વાણીમાં ગાયું છે કે,

એવાં પડધમ વાજા વાગ્યા રે, પશ્ચિમવાળા પીરના રે જી

ભાઠી હરજી પુરાણા રે જોઘાણાની જેલમાં રે હો જી,

એવો નીચે રે બાદશાહને ઉપર ઢોલીયો રે જી

એવા લોઢાના ચણા રામદેવજીનો ઘોડો ખાય રે હો.

ઉપરાંત ભારતની બહાર મક્કા-મદીના સુધી વાત ફેલાણ કે ભારતમાં હિન્દુસ્તાનમાં રણુજામાં ચમત્કારી કોઇ પીર પ્રગટયા છે. પરીક્ષા લેવા માટે મક્કાથી પીર ઓલિયા આવેલા કહેવાય છે કે પાંચ પચીસ નહીં પણ એંશી હજાર આવેલા માત્ર સવા હાથની જાજમમાં બધાનો સમાવેશ થયેલો. જેમ જેમ બેસતા ગયા તેમ તેમ જાજમ વિસ્તરતી ગઇ. તેમને ભાવતા ભોજન તેમના વાસણો મંગાવીને કરાવ્યું અને એ ફકીર પીર ઓલિયાઓએ રામદેવને 'પીયેંકાં ભી પીર' નું બરૂદ આપ્યું આમ હાલ વર્તમાન સમયમાં પણ મુસ્લીમ બિરાદરો પણ રામાપીરને ભાવથી પૂજે છે. ટુંકમાં અઢાર વરણના લોકો રામાપીરના ભકતો ચાહે છે. સનાતન ધર્મના નામે તન, મન ધનથી બાર પહોરા પાટ, સવરા મંડપ ઉત્સવ, જન્મોત્સવ, નિર્વાણ તિથિ ભાવથી ઉજવે છે. શ્રદ્ધા અને પુરણ આસ્થા જેના દીલમાં છે તેના દુઃખ દર્દ રોગ, કોઢ પણ મટી જાય છે.

હરજી હાલોને દેવને પૂજવા રામાપીર,

કોઢીયાના કોઢ મટાડશે સાજાં કરે શરીર,

રામા કહું કે રામદેવ હીરા કહું કે લાલ

જે નરને રામદેવજી ભેટયા નર હો ગયા ન્હાલ

રામા તમારા દેવળે ધમકે ગુગળના ધૂપ

નર-નારી નમણું કરે નમે મોટા મોટા ભૂપ

ધજા દેખી ઘણી સાંભરે દેવળ દેખી દુઃખ જાય

દર્શન કરતા રામાપીરના પંડના પાપ દૂર થાય.

રામાપીરના અનુયાયીઓ કોઇ મહાધર્મ કહે છે તો કોઇ નિજાપંથી તો કોઇ નિજિયા ધરમ તો કોઇ સનાતન ધર્મનું ઉચ્ચારણ રામદેવજી તો કોઇ નકલંક તો કોઇ નકલંકીરાય તો કોઇ રણુંજાનારાય તો કોઇ પોકરણ ગઢના પીર, કોઇ રામદેવજી  મહારાજ આ રીતે જેને જે નામ ગમે તે રીતે નામ લઇને આરાધના કરે છે. ખુદ રામદેવજી મહારાજ કહે છે કે

સેવાને સ્મરણ જે કોઇ કરશે રે

આરાધે નકલંગ આવશે રે...

એવા વિશ્વાસવાળાને નકલંક મળશે રે..

જાણીતા લેખક શ્રી જશવંત આચાર્ય જણાવે છે કે અષાઢ સુદ બીજના દિવસે રણુજામાં રામાપીરે પાટોત્સવ કર્યો અને શિવ શકિતને નિજીયા ધર્મ અને ગૃહસ્થ ધર્મ વિશે વાત કરેલી તે વાત રામદેવજી ઉપસ્થિત રહેલ સર્વે ને જણાવે છે. 'નિજ એટલે પોતાનો ધર્મ, નિજીયા ધર્મના આધે સ્થાપક શિવ અને શકિત છે. આ નિજીયા ધર્મમાં સ્ત્રી કે પુરૂષના કોઇ ભેદભાવ નથી, જ્ઞાતિ જાતિના કોઇ ભેદભાવ નથી જે પુરૂષ પર સ્ત્રીને પોતાની માતા સમાન માની મનમાં દૃઢ માતૃભાવ રાખે અને તે જ રીતે સ્ત્રી પણ પર-પુરૂષને સગાભાઇ જેવો સમજે તેઓ લોકોને જ આ નિજીયા ધર્મમાં સ્થાન છે. ગૃહસ્થાશ્રમએ માનવ સેવા છે. મહાધર્મનું એ પહેલું પગથીયું છે. જેમને પૂર્વ જન્મમાં ભકિત ભાવ વહેલો છે. એવા પતિ-પત્ની એકમત વાળા હોય છે. તેઓ આ નિજ ધર્મ પાળતા હોય છે. ' રામદેવજી મહારાજ થાવર (શનિવાર) બીજ એટલે કે અજવાળી બીજના દિવસને મહત્વ આપેલ છે.

અજવાળી બીજ એટલે કે સુદ બીજના દિવસે પાટ હોય ત્યાં રામદેવજી મહારાજ હાજરા-હજૂર રહે છે. એટલે તેમને 'બારબીજના ધણી' પણ કહેવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે તમામ જીવ-ઝાડ-પાન -વનસ્પતી-પશુ-પંખી વગેરેની ઉત્પતી બીજ દ્વારા થઇ છે જયારે રામદેવજી મહારાજ માતાના ઉદરે જન્મ ધારણ કર્યો નહોતો તેઓ સ્વયં પ્રગટ થયા હતાં. તેથી રામદેવજી મહારાજ 'બીજ બહાર' પણ કહેવાય છે.

ચોપન વર્ષની ઉંમરે રામદેવજી મહારાજે વિક્રમ સંવત ૧પ૧પ ની સાલ ભાદરવા સુદ અગિયારસને ગુરૂવારના દિવસે રણુજામાં સમાધિ લીધી એના બે દિવસ પહેલાં એટલે કે ભાદરવા સુદ નોમના રોજ રામદેવજીની પરમ ભકત દયાળી બાઇને પણ સમાધિ લીધી. રામદેવજીએ સમાધિ લીધા પછી રાણી નેતલદેવીને બે જોડીયા પુત્ર અવતર્યા એકનું નામ દેવરાજ અને બીજાનું નામ સાદુજી રાખવામાં આવ્યું. હાલમાં ગાદિપતી તરીકે રામદેવજીના વંશજ જસવંતસિંહજી બિરાજમાન છે. રામદેવજીએ સમાધિ લીધા બાદ લગભગ રરપ વર્ષ બાદ હરજી ભાટીને પરચા હતો.

શિવ-પાર્વતીએ આદિપંથને નિજીયા ધર્મનું નામ આપેલું છે. આ આદેશનો પ્રચાર કરવા દરેક માસની અજવાળી બીજ, ત્રીજ, પાંચમ, અગિયારસ, તેરસ અને પૂનમના દિવસે પાટ- મંડપનો ઉત્સવ કરવાનો ગાદિપતિ ધર્માધિકારીઓએ નિર્ણય કરેલો છે.

સાધુ-સંતો, જતિ- સતિ, સિધ્ધ, યોગી ભકતો વગેરે પાટોત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. આખી રાત ભજનો નંદી બની જાગરણ કરે છે. જેને 'જમા જાગરણ' પણ કહેવામાં આવે છે તેમાં ઉપસ્થિત નર-નારીઓ, ગત-ગંગા, ગતના ગોઠી અને ગત માર્ગી તરીકે પણ ઓળખાય છે.

પહેલા જુગમાં પ્રહલાદે રાજાએ પાટ મંડાવ્યો, તેમના રાણી રત્નાદેએ એને મોતીડે વધાવ્યો. પાટની ગુરૂ ગાદીએ આદિનાથ અને કોટવાળ તરીકે ગણેશજી હતાં. પ્રહલાદ રાજાના સમયે પંદર કરોડમાંથી પાંચ કરોડ ધર્મમાં ભળ્યા અને નિર્વાણપદને પામ્યા હતાં. બીજા જુગમાં હરિશ્ચંદ્ર રાજાએ પાટ પુરાવ્યો તેમના રાણી તારાદેએ પાટને વધાવ્યો હતો. પાટના ગાદિપતી તરીકે ચૌરંગીનાથ અને કોટવાટ તરીકે ગરૂડજી હતાં. તે સમયે એકવીસ કરોડમાંથી સાત કરોડ ધર્મમાં ભળ્યા અને નિર્વાણપદ પામ્યા. ત્રીજા જુગમાં યુધિષ્ઠિર રાજાએ પાટ મંડાવ્યો રાણી દ્રૌપદીએ પાટને વધાવ્યો પાટના ગાદિપતિ તરીકે મચ્છંદરનાથ અને કોટવાટ તરીકે ભૈરવજી હતાં. તે સમયે સત્તાવીસ કરોડ માંથી નવ કરોડ ધર્મમાં મળ્યા ને નિર્વાણપદ પામ્યા  ચોથા જુગમાં બલિરાજાએ પાટ પુટાવ્યો તેમના રાણી વિદ્યાવતિએ પાટને વધાવ્યો પાટના ગાદિપતિ તરીકે ગોરક્ષનાથજી અને કોટવાર તરીકે હનુમાનજી હતા. તે સમયે છત્રીસ કરોડમાંથી બાર કરોડ ધર્મમાં ભળી નિર્વાણપદને પામ્યા આમ ચાર જુગના ચાર પાંટમાં જેટલા નિર્વાણપદ પામ્યા તેનો સરવાળો (૫,૭,૯,૧૨) તેત્રીસ કરોડનો થયો આ તેંત્રીસ કરોડ જે નિર્વાણ પામ્યાએ તેત્રીસ કરોડ દેવતાનું સ્થાન પામ્યા.

જેસલ-તોરલ,માલદે-રૂપાંદે, ખીમડિયા કોટવાર, રાવતરણસિંહ, હડબુજી, હરજી ભાટી અનેક ભકતોએ ભકિતભાવનો એક અનોખો રંગ જમાવ્યો હતો. જેમના ભજનો આજે પણ લોક હૃદયે દેષ્ટિગોચર થાય છે.

એકતા,એખલાસ અને સમન્વયના પર્વ તરીકે ઉજવાતા પ્રતિ વર્ષ આ વિવિધ ઉત્સવ પ્રસંગે હિન્દુ-મુસ્લીમ સહિત અઢાર આલમમાં પૂજાતા શ્રી રામદેવજી મહારાજના પાટોત્સવ, ધ્વજારોહણ પ્રસંગે શોભાયાત્રા, સામૈયાં, સંતવાણી સહિતના કાર્યક્રમો સમગ્ર સૌરાષ્ટ્ર સહિતે દેશમાં યોજાય છે આ ભોજન, જાતિના ભેદ ભાવ વગર સૌ મહાપ્રસાદ લે છે તે આ પાટોત્સવની વિશેષતા છે.

રાજયમાં અરસ કરીને સૌરાષ્ટ્રની દરિમાઇ પટ્ટીમાં આવેલા શહેરો-ગામડાઓમાં શ્રી રામદેવજી મહારાજના મંડયોત્સવનું પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે જેમાં લાબો ભકત સમુદાય ઉમટે છે તેમાંય ગ્રામ્ય વિસ્તારોમાં આ મંડપોત્સવનું મહત્વ રહ્યુ ંછે છેલ્લા કેટલાક વર્ષોથી હવે શહેરી પંથકમાં પણ આ મંડપોત્સવનું આયોજન થવા લાગ્યુ છે

મંડપની સ્થાપના વિધિ સમયે બ્રાહ્મણ દ્વારા વેદરૂયના ગાન સાથે સૌ પ્રથમ ભૂમિપૂજન કરાય છે. જેમાં ખાડો ખોદી કળશ, શ્રીફળ સોપારી, ચાંદીની ગાય, કાચબો, સાથીઓ, ચણોઠી, દુર્વા, પંચામૃત વગેરે પધરાવી તેના પર પથ્થરની પાટ પધરાવામાં આવે છે તેના પર બાવન હાથ લાંબા લાકડાનો અખંડ સ્તંભ મૂકાય છે જયાં ગણેશ ભગવાન અને રામદેવજી મહારાજનુ ંસ્થાપન કરી સવાર-સાંજ વિધિવત પૂજન કરાય છે આ બન્ને સમયે ધજાની નગર શોભાયાત્રા સામૈયારૂપે ફરે છે ત્યારે બાદ ગામની ચતુર્થ દિશા ફરતે ગંગાજળ,પંચામૃત ધારા કરાવી સમગ્ર ગામને પવિત્ર કરાય છે સીંભ,ગુરૂદ્વાર, ભંડારા દરેક જગ્યાએ અખંડદીપ પ્રજવલ્લિત રખાય છે એમ કહેવાય છે કે આ ત્રણેય સ્થળોએ કાળોતરો નાગ પણ પોતાનું વિષ મુકી દે છે. મંડપની સ્થાપના થી વિરામ સુધી ભેડારમાં બન્ને સમયે પ્રસાદ-ચા-પાણી સાથે સંતવાણી ધારા અસ્થલિત વરેની રહે છે.

તમામ ધર્મ, કોમના લોકોમાં હિંદવાપીર તરીકે પૂજાતા શ્રી રામદેવજી મહારાજ રૂદ્રના વારમાં ચળતાર કલિક અવતારરૂપે પણ પૂજાય છે તો વૈષ્ણવો તેને દ્વારાકાધીશ તરીકે પૂજે છે મંડપની સ્થાપના થયાની નવ દિવસ સુધી રાત્રી સમયે સંતવાણી કાર્યક્રમો યોજાય છે જેમાં નામાકિંતન કલાકારો પોતાની સંતરૂપી વાણીથી સૌથી ભકિતરૂસમાં તરબોળ કરે છે બાર બીજના ઘણી શ્રી રામાપીરને કોટિકોટિ વંદન.

ડો.એ.આર.ભરડા

પ્રોફેસર

'જલધિ'  ૨૦૮-નવયુગ

હાઉસિંગ સોસાયટી, ત્રણ

માળીયા પાછળ, બીરલા રોડ,

પોરબંદર-૩૬૦૫૭૬

મો. ૯૯૦૯૭ ૩૯૭૧૮

(1:54 pm IST)