Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ટાટા કેમિકલ્સે દરિયાઇ જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવા સેન્ટર ઓફ એકસલન્સ લોન્ચ કર્યું

'વર્લ્ડ ઓન વ્હીલ્સ' પ્રોજેકટની શરૂઆત

જામનગર તા. ૧૯ : ટાટા ગ્રૂપની વિજ્ઞાન અને રાષ્ટ્રનિર્માણ મારફતે સમાજની સેવા કરવાની ૧૫૦ વર્ષની સોનેરી સફરની ઉજવણીરૂપે ટાટા કેમિકલ્સે આજે ભારતમાં દરિયાઈ જૈવવિવિધતા અને દરિયાકિનારાની ઇકોસિસ્ટમ જાળવવા માટે ભારતમાં સૌપ્રથમ સેન્ટર ઓફ એકસલન્સ શરૂ કર્યું હતું. સેન્ટર ઓફ એકસલન્સ ઉપરાંત વર્લ્ડ ઓન વ્હીલ્સ (ડબલ્યુઓડબલ્યુ-વાઉ) પ્રોજેકટનાં ભાગરૂપે અનેક સોફટવેર અને કલાઉડ ઇન્ટિગ્રેશનનું પીઠબળ ધરાવતી ૨૪ સીટેડ કમ્પ્યુટર્સ સાથે આઇટી સક્ષમ બસ પણ લોંચ કરવામાં આવી હતી. વાઉ પ્રોજેકટ એ ટાટા કેમિકલ્સ અને એચપીની સહિયારી પહેલ છે, જે ઓખામંડળ વિસ્તારમાં રહેતાં લોકો માટે ડિજિટલ એજયુકેશન ગેપ દૂર કરવા સેતુરૂપ બનશે.

ટાટા ગ્રૂપની ફિલોસોફીનું હાર્દ સ્થાયીત્વનાં મૂલ્યોમાં રહ્યું છે અને આ સેન્ટર ઓફ એકસલન્સ દુર્લભ અને જોખમકારક અસ્તિત્વ ધરાવતી પ્રજાતિઓને બચાવવા અને દરિયાનું સંરક્ષણ કરવા દરિયાઈ વ્યાવસાયિકો ઉપરાંત લોકોનાં વિસ્તૃત જૂથની સફળ દરિયાઈ સંરક્ષણ વ્યૂહરચનાઓનું નેતૃત્વ કરવા નવીન પ્લેટફોર્મ તરીકે કામ કરશે.

સેન્ટરનો ઉદ્દેશ જાણકારી, સંશોધન અને ક્ષેત્રમાં વાસ્તવિક અમલીકરણ માટેની કટિબદ્ઘ સંસ્થાનાં ટાટા કેમિકલ્સનાં પ્રયાસોને મજબૂત કરવાનો છે, જે સ્થાયી સમુદાયનાં સર્વસમાવેશક અને ટકાઉ આજીવિકા તરફ દોરી જાય એ રીતે દરિયાકિનારાની અને દરિયાઈ ઇકોસિસ્ટમ ઊભી કરવા અને જાળવવા પ્રયાસ કરશે. આ સેન્ટર કંપનીની પૃથ્વીનાં સંરક્ષણ પ્રત્યે કટિબદ્ઘ પહેલ 'ધરતી કો અર્પણ'નું સ્વાભાવિક વિસ્તરણ છે. સેન્ટરનો આશય ગુજરાતનાં દેવભૂમિ દ્વારકા વિસ્તારની સમૃદ્ઘ વિવિધતાનું સંરક્ષણ કેન્દ્રિત સંશોધન, વૈજ્ઞાનિક અભ્યાસો, જનતામાં જાગૃતિ લાવવા અને સામુદાયિક પહેલો મારફતે વૈજ્ઞાનિક અને સંપૂર્ણ રીતે કરવાનો છે.

સેન્ટર ઓફ એકસલન્સ લોંચ કરતાં ટાટા કેમિકલ્સનાં મેનેજિંગ ડાયરેકટર શ્રી આર મુકુન્દને કહ્યું હતું કે, 'અમે ટાટા ગ્રૂપની ૧૫૦માં વર્ષની સોનેરી સફરની ઉજવણી કરી રહ્યાં હોવાથી દરિયાઈ જૈવવિવિધતાનાં સંરક્ષણનાં સંસ્થાકીયકરણ માટે અમારું પ્રથમ સેન્ટર ઓફ એકસલન્સ લોંચ કરતાં મને આનંદ થાય છે. આ સેન્ટર મહત્ત્વપૂર્ણ છે, જે અમે દરિયાઈ ઇકોસિસ્ટમનાં યોગ્ય સંરક્ષણ અને મેનેજમેન્ટ માટે ઊભું કર્યું છે. આ સેન્ટર અમારાં દરિયાનાં સંસાધનો અને માનવીય સુખાકારીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અમે અમારાં કાર્યક્રમોની ટકાઉક્ષમતા મારફતે સમાજ પર સકારાત્મક અસર કરનાર મહત્ત્વપૂર્ણ માર્ગો માટે સતત કામ કરી રહ્યાં છીએ. આ લોંચ સાથે અમે ટાટા ગ્રૂપનાં જીવનની ગુણવત્તા સુધારવા અને અમે જે સમુદાયોમાં કામ કરીએ છીએ એ માટે પર્યાવરણને સુધારવાનાં ઉદ્દેશને આગળ વધારવા એક વધુ પગલું ભર્યું છે.'

ટીસીએલનાં 'ધરતી કો અર્પણ' પ્રોગ્રામ હેઠળ કેટલાંક પ્રોગ્રામમાં  મીઠાપુર કોરલ રીફ રિસ્ટોરેશન, વિવિધ વનસ્પતિઓનું વાવેતર, મીઠાપુર નજીક મેન્ગ્રોવનું પુનઃઉત્પાદન, ચરકલા સોલ્ટવકર્સમાં જળકૂકડીનું સંરક્ષણ, સેવ ધ વ્હેલ શાર્ક, સેવ ધ એશિયાટિક લાયન તથા પર્યાવરણ સંબંધિત સમસ્યાઓ પર જાગૃતિ લાવવા અને જૈવવિવિધતાનું સંરક્ષણ કરવા ઇકો કલબની રચના સામેલ છે.

(1:50 pm IST)