Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

કેન્દ્ર સરકારના શાસનમાં આર્થિક સુધારાના નામે અર્થતંત્ર સાથે ચેડા : વિરજીભાઇ ઠુંમર

અમરેલી, તા. ૧૯ : ધારાસભ્ય વિજીભાઇ ઠુંમરે જણાવ્યું છે કે, મોદી સરકારે તેના સાડાચાર વર્ષના શાસનમાં આર્થિક સુધારાના નામે દેશના અર્થતંત્ર સાથે જે ચેડાઓ કર્યા છે તે તમામ બુમરેંગ સાબિત થયા છે.

શ્રી ઠુંમરે વધુમાં જણાવ્યું કે, સરકારની દૃષ્ટિહીન આર્થિક નીતિઓના કારણે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાને રેકોર્ડબ્રેક ગતિએ તૂટતો બચાવવા, મોદી સરકારે અત્યાર સુધીમાં અનેક પ્રયત્નો કર્યા જેમાં (૧) મસાલા બોન્ડ ઉપર વિદેશી હોલ્ડીંગ ટેક્ષ દૂર કરવો, (ર) વિદેશી રોકાણકારો માટે ભારતીય બોન્ડ માર્કેટમાં રોકાણ કરવા ઢીલ મૂકવી, (૩) બિનઆવશ્યક ચીજવસ્તુઓની આયાત ઉપર નિયંત્રણ તથા (૪) ચાલુ ખાતાની ખાદ્યનેવધતી અટકાવવા સહિત અનેક ઉપાયોનો સમાવેશ થાય છે.

અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાને તૂટતો બચાવવા મોદી સરકારના એકેય પ્રયત્નોની આંતરરાષ્ટ્રીય કરન્સી માર્કેટ ઉપર કોઇ અસર થઇ નથી.

શ્રી ઠુંમરે દેશ-વિદેશના મોટા રોકાણકારોના અભિપ્રાયને ટાંકીને વધુમાં જણાવ્યું હતું કે, મોદી સરકારે અમેરિકન ડોલર સામે રૂપિયાને ચિંતાજનક હદે નબળો પડતો અટકાવવા જે કોઇ પ્રયાસો કર્યા છે તે પર્યાપ્ત નથી.

શ્રી ઠુંમરે વધુમાં જણાવ્યું કે, આજે વૈશ્વિક ધોરણે જે બૌદ્ધિક વ્યાપાર યુદ્ધ ચાલી રહ્યું છે તેની ભારતીય કરન્સી (રૂપિયા) ઉપર પડનારી વિપરીત અસરોને ખાળવા મોદી સરકારે બૌદ્ધિકપણે જે આગોતરૂ આયોજન કરવું જોઇએ તે દૃષ્ટિના અભાવે આગોતરૂ આયોજન કર્યું નહીં તે આ દેશની સૌથી મોટી કમનસીબી છે.

શ્રી ઠુંમરે અંતમાં જણાવ્યું કે, મોદી સરકારની દૃષ્ટિવિહીન આર્થિક નીતિઓના કારણે આગામી દિવસોમાં પણ અર્થતંત્રમાં સુધારો થવાના કોઇ સંકેત દેખાતા નથી. સરકારે છેલ્લા ચાર વર્ષમાં ભારતીય અર્થતંત્રનું રેટીંગ સુધારવા અનેક પ્રકારના ધમપછાડા કર્યા છે છતાં ભારતીય અર્થતંત્રનું રેટીંગ સુધરવું તો બાજુ પર રહ્યું. ઉલ્ટાનું જે રીતે ભારતીય રૂપિયો દિવસે ને દિવસે વધુ ને વધુ નબળો પડતો જાય છે તેના કારણે અમેરિકન બેંક ગોલ્ડમેન સેકસે ભારતીય અર્થતંત્રનું રેટીંગ ઘટાડયું છે તે દેશ માટે ચિંતાજનક બાબત છે.

(1:48 pm IST)