Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ભુજ, અંજાર, આદિપુર, ભચાઉમાં ટયુશનિયા શિક્ષકો ઉપર એકસાથે દરોડા

ભુજ તા. ૧૯ : વ્‍યાપક પ્રમાણમાં સરકારી શાળા અને ગ્રાન્‍ટેડ શાળાના શિક્ષકો દ્વારા ચાલી રહેલા ટ્‍યુશન કલાસીસ ના દૂષણ સામે કચ્‍છ ના શિક્ષણતંત્રએ પ્રથમ જ વાર એક સાથે વ્‍યાપકપણે ટીમો બનાવીને કચ્‍છના ચાર મુખ્‍ય શહેરો માં દરોડા પાડ્‍યા હતા.

જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્‍યાસ હાલે ભોપાલ છે. તેમની ગેરહાજરીમાં કચ્‍છ જિલ્લા માધ્‍યમિક શિક્ષણ કચેરીનો કાર્યભાર એડીઆઈ સ્‍નેહાબેન રાવલ અને વસંત તેરૈયા સંભાળી રહ્યા છે. દરોડાની આ કામગીરી વિશે માહીતી આપતા વસંત તેરૈયા એ જણાવ્‍યું હતું કે જિલ્લા કલેકટર રેમ્‍યા મોહને સરકારી શિક્ષકો દ્વારા ચલાવતા ખાનગી ટયુશન કલાસ સામે આવેલી જૂની અને નવી ફરિયાદો સંદર્ભે તપાસ કરવાનો આદેશ આપ્‍યો હતો. તેને પગલે પોલીસ બંદોબસ્‍ત સાથે પાંચ જણાની એક ટીમ બનાવીને દરોડા પાડવામાં આવ્‍યા હતા. કુલ પાંચ ટીમોએ અંદાજિત ૨૫ જેટલા ટયુશન કલાસીસ ની તપાસ હાથ ધરી હતી. જે પૈકી બે ટીમોએ ભુજમા, અને અંજાર, આદિપુર તેમ જ ભચાઉ માં એક એક એમ ત્રણ ટીમો એ ટયુશન કલાસીસ ની તપાસ હાથ ધરી હતી. પણ, આટલી રઝળપાટ અને તપાસ પછી થયું શું? વસંત તેરૈયાએ શિક્ષણતંત્ર વતી સતાવાર ખુલાસો કરતા જણાવ્‍યું હતું કે એક પણ સ્‍થળોએ સરકારી શિક્ષકો ટયુશન કરતા ઝડપાયા નથી. હા, કલાસમા વિદ્યાર્થીઓ હતા, પણ જેમના નામની ફરિયાદ હતી એ કોઈ શિક્ષકો નહોતા.

ચાર શહેરોમાં નામ જોગ લેખિત ફરિયાદો હતી અને છતાં શિક્ષણ તંત્રના દરોડા મા કોઈ ઝડપાયું નહીં? વસંત તેરૈયા એ તેનો જવાબ આપતા એ કબૂલ્‍યું હતું કે ફરિયાદો સરકારી શિક્ષકોના નામ જોગ હતી,પણ ટયુશન કરતા કોઈ ન ઝડપાયું તેનું કારણ માહીતી લીક થતા શિક્ષકો આડા અવળા થઈ ગયા હોય એ હોઈ શકે તેમજ માતૃછાયા વિદ્યાલયના શિક્ષક હિમાંશુ બારોટ ભુજમાંથી ઝડપાયા તેને પગલે પણ સરકારી શિક્ષકો ચેતી ગયા એ કારણ પણ હોઈ શકે. જોકે, ટયુશન કલાસની આજુબાજુ રહેતા લોકોની વાત માનીએ તો જે બધાને દેખાય છે તે સરકારી તંત્ર ને દેખાતું નથી. જોકે, આ કાર્યવાહીએ કચ્‍છના શિક્ષણજગતમા ખળભળાટ સજર્યો છે.

 

(12:42 pm IST)