Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ઉનાના ધોકડવા વીજ કચેરી હેઠળ વિસ્તારોમાં ખેતીવાડી વીજ ટ્રાન્સફોર્મરમાં વારંવાર ફોલ્ટ

ખામીવાળા ટી.સી. છતાં સામાન્ય રીપેરીંગના મોટી રકમના બીલોઃ રજૂઆત

ઉના તા. ૧૯:.. પીજીવીસીએલ ડીવીઝન કચેરી ઉના હેઠળ આવતા ધોકડવા પેટા વિભાગીય કચેરીની કથળતી કામગીરી સામે પૂર્વ તા. પં. ચેરમેનશ્રી એભલભાઇ બાંભણીયાએ ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરેલ છે.

રજૂઆત પત્રમાં જણાવ્યા મુજબ ધોકડવા વીજ કચેરી હેઠળનાં ગામોમાં ખાસ કરીને ખેતીવાડીનાં વિજ કનેકશનના ટ્રાન્સફોર્મરમાં કોઇ ખામી કે ક્ષતિ જણાય તો કચેરીને જાણ કર્યા પછી આઠ થી પંદર દિવસ પછી નવુ ટ્રાન્સફોર્મર મુકાય છે. અને આશ્ચર્ય છે કે, ખામીવાળા ટ્રાન્સફોર્મરની જગ્યાએ મુકાયેલ રીપેરીંગ કરેલું ટી. સી. એક-બે દિવસમાં જ ફરી ફોલ્ટ થઇ જાય છે. અમુક કિસ્સાઓમાં તો એક જ જગ્યાએ ખામીવાળા ટી. સી. ને આઠ વખત બદલાવ્યા બાદ સ્થિતિ જેમની તેમ રહે છે.

વરસાદ અપુરતો થયો છે તેમાં પણ જગતનો તાત ખેડૂત ઉભા પાકને બચાવવા માટે રાત ઉજાગરા કરીને પાણી વાળવા માટે મહેનત કરે છે પરંતુ વિજ પુરવઠો જ અપુરતો હોવાથી ખેડૂતો વધુ મુશ્કેલીમાં મુકાય છે. આમ ખેતીવાડી વિભાગનાં ૭૦ ટકા ટી. સી. ખામી વાળા હોવા છતાં સામાન્ય રીપેરીંગ કરી ને મોટા બીલ બનાવીને ફરી આવા ટી. સી. ગ્રાહકને ફટકારાય છે. તેમ રજૂઆતમાં જણાવેલ છે.  (પ-૧પ)

(12:16 pm IST)