Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

આટકોટના પી.એસ.આઇનો વિદાય સમારંભ યોજાયો: નવા પી.એસ.આઇને સન્માનિત કરાયા

જસદણ તાલુકાની જ અને હાલ આટકોટ પોલીસમાં જૂદા-જૂદા વિભાગોમાં ફરજ બજાવતી પાંચ મહિલા પોલીસનું પણ વિશેષ સન્માન કરાતા બહેનો બની ભાવ વિભોર

આટકોટ તા.૧૯: આટકોટના પીએસઆઇ અજયસિંહ જાડેજાની બદલી થતા તેમનો વિદાય સમારંભ અને નવા આવેલા ભારતીબેન ચૌધરીનો આવકાર સમારંભ આટકોટ ગ્રામ પંચાયત ખાતે યોજવામાં આવ્યો હતો.

આ સમારોહમાં સરપંચના પ્રતિનિધિ દેવશીભાઇ ખાખરીયાએ અજયસિંહ જાડેજાને ફુલહાર અને શાલ ઓઢાડી સન્માનીત કરી વિદાય આપી હતી. જયારે નવા પીએસઆઇ ભારતીબેન ચૌધરીને ઉપસરપંચ ઇલાબેન જોટંગીયા દ્વારા બુકે આપી શાલ ઓઢાડી સન્માનીત કરાયા હતા.

આ તકે જસદણ તાલુકાની જ અને હાલ આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પાંચ મહિલા કોન્સ્ટેબલનું પણ સન્માન કરાયુ હતુ. જેમાં ધર્મિષ્ઠાબેન માઠક એએસઆઇ જસદણ, મુકતાબેન બાવળીયા ફુલજર, રસીલાબેન ઝાપડીયા થોરીયાળી, નીલમબેન ઝાપડીયા, શિવરાજપુર અને સોનલબેન કાગડીયા માધવીપુર બધા કોન્સ્ટેબલોનું પણ ઉપસરપંચે શાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ.

આ તકે અજયસિંહ જાડેજાએ આટકોટ સાથેના તેમના અનુભવો યાદ કરી આટકોટની લાખા ફુલાણીની જમીન સાથે મને કાયમી યાદ બંધાય ગઇ હોવાનુ જણાવી આટકોટની પવિત્ર સતિ સુરાની ભૂમિ સાથે મારો કાયમી નાતો બંધાય ગયો છે. તેમજ પડધરીથી બદલી થઇ આવેલા ભારતીબેન ચૌધરીએ પણ મારા કાર્યકાળ દરમિયાન હુ કોઇ નિર્દોષને અન્યાય નહી થવા દઉ અને ગુનેગારને છોડીશ પણ નહી તેવો હુંકાર કરી ગુનેગારોને શાનમાં સમજી જવા કહ્યુ હતુ.

આ પ્રસંગે દેવશીભાઇ ખોખરીયા, ઇલાબેન જોટંગીયા, સુરેશભાઇ હિરપરા, વિજય વસાણી, હિરેન પંચોલી, અલ્લાઉદ્દીન ફોગ, ધુધાભાઇ રાતડીયા, મનસુખભાઇ હિરપરા, ચેતનભાઇ પંચોલી, વિનુભાઇ યાદવ, જીતુભાઇ દાફડા, જયેશ ધમલ, હિંમત શેલીયા, હિંમત કુંવરીયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન વિજય વસાણીએ કર્યુ હતુ. જયારે આભારવિધિ ચેતનભાઇ પંચોલી દ્વારા કરવામાં આવી હતી.(૪૫.૬)

(11:59 am IST)