Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

અછતની પરિસ્‍થિતિના પગલે કાલે વિજયભાઇ કચ્‍છમાં : અધિકારીઓ સાથે બેઠક

જરૂરીયાત કરતા ઓછું ઘાસ આવતા પશુધન ઉપર ભૂખમરાનું સંકટ : કચ્‍છ જિલ્લાને અર્ધ અછત કે અછતગ્રસ્‍ત જાહેર થવાની સંભાવના

ભુજ તા. ૧૯ : ખેંચાયેલા વરસાદને પગલે કચ્‍છ માં સર્જાયેલી અછતની પરિસ્‍થિતિ ને પગલે સોશ્‍યલ, પ્રિન્‍ટ અને ઇલક્‍ટ્રોનિક મીડીયામાં આવતા અહેવાલોને બાદ હવે રાજય સરકાર હરકતમાં આવી છે. રાજય અને જિલ્લાનું વહીવટીતંત્ર ભલે લાખો કિલો ઘાસચારાના વિતરણ ના આંકડાઓ આપતું હોય પણ વાસ્‍તવિકતા એ છે કે જરૂરત કરતા ઘાસ ખૂબ જ ઓછું આવે છે અનેᅠ કચ્‍છના પશુધન ઉપર ભૂખમરા નું સંકટ ઝળુંબી રહ્યું છે. ત્‍યારે એકાએક મુખ્‍યમંત્રી વિજય રૂપાણી અછતની પરિસ્‍થિતિની સમીક્ષા કરવા કચ્‍છ આવી રહ્યા છે. કાલે ગુરુવારે મુખ્‍યમંત્રી વિજયભાઈ કચ્‍છના અધિકારીઓ સાથે અછત સંદર્ભે રિવ્‍યૂ બેઠક કરશે. ગુરુવારે બપોરે પોણા ત્રણ વાગ્‍યે ભુજ માં જિલ્લા કલેકટર કચેરી મધ્‍યે કોંફરન્‍સ હોલમાં મુખ્‍યમંત્રી વિજયભાઈ, કલેકટર રેમ્‍યા મોહન, ડીડીઓ પ્રભવ જોશી, રાજયમંત્રી વાસણભાઇ આહીર, સાંસદ વિનોદ ચાવડા અને કચ્‍છના અન્‍ય પ્રજાકીય પ્રતિનિધિઓ સાથે પણ બેઠક કરશે અને અછત ની પરિસ્‍થિતિ સંદર્ભે ચર્ચા કરશે.

જાણવા મળતી વિગતો મુજબ મુખ્‍યમંત્રી અછત અંગે જિલ્લા ના ઉચ્‍ચ અધિકારીઓ સાથે બંધ બારણે બેઠક કરીને પરિસ્‍થિતિ નો ક્‍યાસ કાઢી ઘાસચારાની અને પાણી ની તંગી દૂર કરવાના ની ચર્ચા કરીને કચ્‍છ જિલ્લામાં અર્ધ અછત અથવા અછત પણ જાહેર કરી શકે છે. ગુરુવારે ભુજ માં મુખ્‍યમંત્રી નું રોકાણ બે કલાકનું છે, જે સમય દરમ્‍યાન મુખ્‍ય મુદ્દો કચ્‍છની અછતની પરિસ્‍થિતિ જ છે. બેઠક પતાવ્‍યા બાદ તેઓ પોણા પાંચ વાગ્‍યે ભુજ થી હવાઇમાર્ગે ગાંધીનગર જવા રવાના થશે.

રિવ્‍યૂ બેઠકમાં ચર્ચાનારી વિગતો શું હશે?

મુખ્‍યમંત્રી વિજય રૂપાણીની કચ્‍છના વહીવટીતંત્ર સાથેની ચર્ચામાં મુખ્‍ય મુદાઓ શુ હશે? એ વિશે વાત કરીએ તો કચ્‍છ નું વહીવટીતંત્ર મુખ્‍યમંત્રી ને ઘાસડેપો, પશુસંખ્‍યા અને ઘાસચારા વિશેનીᅠ આંકડાકીય માહીતી આપશે. જેમાં ઘાસની જરૂરિયાત ની સામે આવતો ઘાસનો જથ્‍થો ઓછો છે તે વિગતો મુખ્‍ય હશે. તે ઉપરાંત કચ્‍છને નર્મદાના પીવાના પાણીનો જથ્‍થો વધુ મળેᅠ તેમ જ રાપર વિસ્‍તારમાં નર્મદા નહેરનું સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે તે મુદાની ચર્ચા થશે. આમ તો અત્‍યારે રોજગારી ની ચર્ચા થતી નથી પણ, અછત મા લોકોને રોજગારી મળે તે માટે રાહતકામો ઉપરાંત નારેગા ના કામો પણ શરૂ કરાય તેની ચર્ચા થઈ શકે છે. જોકે વાસ્‍તવિક પરિસ્‍થિતિ અને આંકડાકીય એ બંને રીતે વાત કરીએ તો ઘાસચારાની સમસ્‍યા સૌથી મોટી છે. કચ્‍છ જિલ્લા માં અત્‍યારે ૧૫૨ ઘાસડેપો છે અને ૭૩ હજાર ઘાસકાર્ડ હેઠળ અંદાજે ૩ લાખ ૫૦ હજાર પશુઓ તેમ જ પાંજરાપોળ ગૌશાળા ના ૮૪ હજાર જેટલા પશુઓ સાથે કુલ ૪ લાખ ૨૫ હજાર જેટલા પશુઓને પ્રત્‍યેક પશુ દીઠ ૪ કિલો લેખે ૧૬ લાખ કિલો ઘાસ દરરોજ જોઈએ. જો દરરોજ ની ૪૦૦ ટ્રક દ્વારા ઘાસ પહોંચાય તો જ કચ્‍છમા પશુઓને પૂરતો ઘાસચારો મળી રહે. વહીવટીતંત્ર એ દરરોજ ની ૨૦૦ ટ્રક ઘાસ કચ્‍છ માં પહોંચાડવા રાજય સરકારને રજુઆત કરી છે. પણ, કડવી વાસ્‍તવિકતા એ છે કે દરરોજ ઘાસચારાની માત્ર ૭૦ થી ૮૦ ટ્રકો જ કચ્‍છ માં આવે છે. એટલે, ૧૬ લાખ કિલો ઘાસ સામે માંડ ૪ લાખ કિલો ઘાસ મળે છે. તે પણ અનિયમિત !!! જો સરકાર દરરોજ ઘાસ ભરેલી રેલવે રેક મોકલે તો જ કચ્‍છની જરૂરિયાત પુરી થાય. પણ, હજીયે વધુ કપરી પરિસ્‍થિતિ જે ૧૨ લાખ પશુઓ ઘાસકાર્ડ વગરના છે તેમની છે. તેનું કારણ કચ્‍છમા પૈસા દેતા પણ ઘાસ મળતું નથી. ખરેખર કચ્‍છનું પશુધન ભૂખમરો વેઠી રહ્યું છે.

 અબડાસાના ધારાસભ્‍ય પ્રદ્યુમનસિંહ જાડેજા તો મુખ્‍યમંત્રી અને જિલ્લા કલેકટરને ઘાસના અભાવે પશુઓના મોત નીપજી રહ્યા હોવાની વારંવાર રજુઆત કરી ચુક્‍યા છે. તો, માંડવી ના ધારાસભ્‍ય વિરેન્‍દ્રસિંહ જાડેજા અને જિલ્લા ભાજપ ના આગેવાન દિલીપ ત્રિવેદી મુખ્‍યમંત્રી ને રૂબરૂ મળી પશુધન ની પરિસ્‍થિતિ ગંભીર હોવાનું કહી ચુક્‍યા છે. આ સિવાય રાજયમંત્રી વાસણભાઈ આહીર અને કચ્‍છ ભાજપના ધારાસભ્‍યો, સાંસદ જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ના આગેવાનો પણ રૂબરૂ મુખ્‍યમંત્રી ને ઘાસચારા ની તંગીની રજુઆત કરી ચુક્‍યા છે. ભાજપના વરિષ્ઠ નેતા તારાચંદભાઈ છેડા કચ્‍છનું પશુધન ભૂખમરા નો સામનો કરી રહ્યું હોવાની વાસ્‍તવિકતા મુખ્‍યમંત્રી ને પત્ર લખીને વ્‍યક્‍ત કરી ચુક્‍યા છે.

રાપર ના ધારાસભ્‍ય સંતોકબેન આરેઠીયા નર્મદાના પાણી માટે ધરણા કરી ચુક્‍યા છે તો ઘાસ માટે પણ રજુઆત કરી ચુક્‍યા છે. ભુજના ધારાસભ્‍ય ડો. નીમાબેન આચાર્ય પણ હમણાં જ સંકલન બેઠકમાં ઘાસનો પ્રશ્ન ઉપાડી ચુક્‍યા છે તો પીવા માટે નર્મદાનું પાણી વધુ મળે તેવી માંગ કરી ચુક્‍યા છે. તો, જિલ્લા કલેકટર રેમ્‍યા મોહન પણᅠ કચ્‍છને ઘાસ વધુ ફાળવાય તે માટે સતત રાજય સરકાર ને રજુઆત કરી રહ્યા છે. આમ, અત્‍યારે મુખ્‍ય મુદ્દો ઘાસ નો જ છે. આ સંજોગો માં કચ્‍છના પશુધનને બચાવવા સરકાર અને મુખ્‍યમંત્રી તરફ થી અછતની જાહેરાત થાય તેવી કચ્‍છી માડુઓને તેમ જ કચ્‍છના પશુપાલકોને અપેક્ષા છે. ત્‍યારે જોવું એ રહ્યું કે અછતની રિવ્‍યૂ બેઠક બાદ મુખ્‍યમંત્રી શું કહે છે?

(10:09 am IST)