Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

જન્માષ્ટમી પર્વનો પ્રારંભઃ ગૌમાતાના પૂજન સાથે બોળચોથની ઉજવણી

શનીવારે શ્રીકૃષ્ણ જન્મોત્સવ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ભવ્યતાથી ઉજવાશે

રાજકોટ, તા., ૧૯: આજે સોમવારે બોળચોથ સાથે જન્માષ્ટમી પર્વનો પ્રારંભ થયો છે. શનીવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ-જન્માષ્ટમી પર્વની ભવ્યતાથી ઉજવણી કરાશે.

આજે સોમવારે બોળચોથના દિવસે ગૌમાતાનું પુજનનું વિશેષ મહત્વ હોય છે અને મહીલાઓ દ્વારા ગૌમાતાનું પુજન કરવામાં આવે છે અને બાજરાની ઘુઘરી તથા ઘાસચારો આપવામાં આવે છે.

કાલે મંગળવારે નાગપાંચમની ઉજવણી કરવામાં આવશે અને જુદા જુદા મંદિરોમાં પુજન-અર્ચન કરવામાં આવશે.

વાંકાનેર

વાંકાનેરઃ રામકષ્ૃણ નગર-નવાપરા-હાઇવે ઉપર આવેલ શ્રી વાસુકી દાદાની અસીમ કૃપાથી આવતીકાલે નાગપાંચમના રોજ તા.ર૦-૮-૧૯ને મંગળવારના રાત્રે ૯.૩૦ કલાકે ભવ્ય લોકડાયરો રાખેલ છે. જેમાં પ્રસિધ્ધ કલાકાર પુજાબેન ચૌહાણ-શીતલબેન બારોટ તથા સંગીતમાં સુરેશભાઇ (વાવડીવાળા)ગૃપ રંગત જમાવશેઃ પ્રતિવર્ષ નાગ પાંચમના રોજ શ્રી વાસુકી દાદાના મંદિરે વિશાળ સંખ્યામાં ભાઇઓ-બહેનો દર્શનાર્થે પધારે છે. આ પ્રસંગે શ્રી વાસુકી મંદિરને અનેરા લાઇટ-ડેકોરેશન પુષ્પહારોથી સુશોભીત કરવામાં આવશે. સર્વે ભાવીકોને પધારવા શ્રી વાસુકી યુવક મંડળ દ્વારા નિમંત્રણ છે.

ભાવનગર

ભાવનગરઃ કાલ મંગળવારના રોજ નાગપાંચમ છે.તળાજા ના પીપરલા ગામે નાગદેવતાના બે સ્વરૂપના બે મંદિરો આવેલા છે.જયાં નાગદેવતા સ્વંય લોકો સમક્ષ આવે છે અને દર્શન આપે છે.

હિંદુધર્મમાં વૃક્ષ ,નદી,પશુ,પર્વત ને પૂજવામાં આવેછે તેમ નાગદેવતાનું પણ પૂજન થાય છે. શ્રાવણ માસમાં નાગપાંચમ નો તહેવાર આવેછે.આ દિવસે હિંદૂના દરેક ઘરમાં નાગદેવતાનું પૂજન થાય છે.જેમાં તળાજાના પીપરલા ગામે નાગદેવતાના બે સ્વરૂપ ખેતલીયા દાદા અને સરમાળિયા દાદા ના બે મંદિરો આવેલા છે. અહીં નાગદાદા સ્વંય રહે છે.માનતાઓ માને છે.બે ભૂવાઓ છે. બુધાભાઈ અને જનકભાઈ. બન્ને ના કહેવા પ્રમાણે દર પાંચમે નાગદેવતા સ્વંય આવે છે.હાથમાં લઈને દૂધ ધરવામાં આવેછે. પાંચમના દિવસે સવારે ૧૦કલાકે કથા,બાદ માં ધ્વજા ચઢાવવામાં આવશે.બપોર ના સમયે આરતી પૂજન કરવામાં આવશે. આ સમયે સ્થાનિક અને આસપાસના ગામના લોકો સ્વયં આવતા નાગદેવતા ના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

(11:59 am IST)