Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

કેશોદમાં વેરાવળ રોડ પરની બંધ કરેલ SBI બેંક શાખા પુનઃ શરૂ કરવા માંગ

નગર પાલિકાના ઉપપ્રમુખ ગૌરાંગભાઈ વ્યાસની પદાધિકારીઓ પાસે લેખીત રજુઆત

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ, તા.૧૯: કેશોદ શહેરમાં એસબીઆઈ બેંકની બે શાખાઓ આવેલી જેમાં વેરાવળ રોડ પર આવેલી એસબીઆઈની શાખાનાં સતર હજારથી વધારે ખાતાધારકોનાં ખાતાઓ રાતોરાત ચાર ચોક પાસે આવેલ મુખ્ય બેંક શાખામાં તબદીલ કરી વેરાવળ રોડ પરની SBI શાખાને તાળા મારી બંધ કરી દેતા ફરી આ શાખા શરુ કરવાની લોકોમાંથી માંગ ઉઠીછે.

વેરાવળ રોડ પરની SBIના આ શાખા બંધ થતા આવિસ્તારના રહીશો, વેપારીઓ અને સરકારી યોજનાઓ હેઠળ લાભ મેળવતાં વૃદ્ઘો, વિદ્યાર્થીઓ ઉપરાંત અન્ય ખાતાધારકોને વિના કારણે બે કિલોમીટર દૂર ધક્કા ખાવા પડે છે. કેશોદ નગરપાલિકાનાં ઉપપ્રમુખ ગૌરાંગભાઈ વ્યાસ એ લેખિતમાં એસબીઆઈ બેંક ઝોનલ ઓફિસ ભાવનગર, ધારાસભ્ય અને પોરબંદર વિસ્તારના સાંસદ રમેશભાઈ ધડુકને લેખીત રજુઆત કરી સત્વરે કેશોદની વેરાવળ રોડ પર આવેલી શાખા શરૂ કરવા માંગણી કરી છે.

કોરોના મહામારી વચ્ચે SBIની મુખ્ય એકજ શાખામાં સમગ્ર શહેરનાં ખાતાધારકો ને લેતીદેતી માટે જવું પડતું હોય ત્યારે સંક્રમણ ફેલાવવાની સંભાવના વધી ગઇછે. કેશોદ ચાર ચોક ખાતે આવેલી એસબીઆઈ બેંક શાખામાં વધારાનાં સતર હજારથી વધારે ખાતાધારકો ને તબદીલ કરવામાં આવેલ છે છતાં વહીવટી વ્યવસ્થા માં વધારો કરવામાં ન આવતાં વધુ પડતી ભીડ કાયમી ધોરણે જોવા મળે છે. એસબીઆઈ બેંક નાં અધિકારીઓ દ્વારા હકારાત્મક અભિગમ અપનાવીને વહેલાસર નિર્ણય લેવામાં આવે એવી લોકમાંગ ઉઠીછે.

(10:09 am IST)